યાદશક્તિ
ઉપર અસર કરતાં પરિબળો
જીવનનાં કાર્યો માટે યાદશક્તિની
ઘણી જરૂર પડે છે. આજે આપણે માહિતીથી ભરપૂર જમાનામાં જીવી રહ્યા છીએ.
વ્યવસાયીએ પોતાનાં વ્યવસાય માટે ઘણી વખત ઘણું વાંચન કરવું પડે છે.
કારકિર્દીના ઘડતર માટે વાંચન કરવું
પડે છે. ઘણાની ફરિયાદ હોય છે કે ‘‘મને યાદ રહેતું
નથી.’’ જ્યારે આ નકારાત્મક વિચાર માનવી વઘુ અને વઘુ કરવા લાગે છે ત્યારે
ખરેખર તે પોતે જ પોતાની યાદશક્તિને નુકસાન કરે છે.
જ્યારે માનવી એક વિચારમાં ખૂંપેલો
હોય ત્યારે તે બીજી માહિતી ઉપર ઘ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. પરિણામે
તેના મગજમાં જે બીજી માહિતી યાદ રાખવા માંગતો હોય તે અંકિત (રજીસ્ટ્રેશન)
થતું નથી પરિણામે તે યાદ રાખી શકતો નથી.
જે માહિતી યાદ રાખવાની હોય તેના
ઉપર પૂરતું ઘ્યાન કેન્દ્રિત કરવું પડે છે. જે વ્યક્તિઓ સર્જનાત્મક વિચારો
ધરાવતી હોય છે તે ઘણી વખત કંઈક નવું સર્જન કરવામાં, કોઈ કોઈડો
ઉકેલવામાં અથવા પોતાના પ્રોજેક્ટને સારી રીતે કેવી રીતે પૂરો કરવો
તેના માટે જ મગજને વ્યસ્ત રાખે છે. પરિણામે તેઓ સામાન્ય માહિતી ઉપર
ઘ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને સામાન્ય વસ્તુઓ યાદ રહેતી નથી.
ઘણા વૈજ્ઞાનિકોને ઘૂની અથવા ભૂલકણા કહેવામાં આવે છે તેનું મુખ્ય કારણ
તેમનું મગજ સર્જનાત્મક વિચારોમાં વ્યસ્ત હોય છે.
ઘ્યાન કેન્દ્રિત થવા માટે અમુક પરિબળો
પણ જવાબદાર હોય છે.
માનવીનો વ્યક્તિગત રસ ઃ
જે માહિતી વ્યક્તિને રસદાયક લાગે
છે તે ઝડપથી યાદ રાખી શકે છે. અમુક લોકોને ગપસપમાં ખૂબ જ રસ
પડે છે. આવી વ્યક્તિઓ બીજાઓની ખાસ કરીને કુટેવોની રજેરજ માહિતી
આપી શકે છે. વ્યક્તિગત રસ હોવાથી તેઓ બીજાઓની ગપસપ ઝડપથી પોતાના
સબકોન્સીયસ મગજમાં ઝડપથી અંકિત કરી લે છે અને યાદ રાખી શકે છે.
આજ વ્યક્તિઓ જ્યાં મગજ કસવું પડે તેવી વાતોમાં રસ રાખતી ન હોવાથી
તેને ભાગ્યે જ યાદ રાખી શકે છે. વિદ્યાર્થી પોતાને ગમતો વિષય એક
જ વખત વાંચીને ઘણી બધી માહિતી યાદ રાખી શકે છે. જે વ્યક્તિ
ખૂબ જ કામગરો હોય છે, જેને ગપસપમાં રસ નથી તેની પાસે સામાજિક માહિતી
ભાગ્યે જ હોય છે. તે કોણ કોનું સગું થાય છે તે પણ જાણતો હોતો નથી.
આમ કોઈ માહિતી ઉપર ઘ્યાન કેન્દ્રિત કરવા માટે વ્યક્તિગત રસની ઘણી જરૂર પડે
છે.
વ્યક્તિત્વ ઃ
જે માનવી તનાવભર્યું વ્યક્તિત્વ ધરાવતો હોય છે - પ્રશ્નોમાં ગૂંચવાયેલો
જ હોય છે તે બીજી માહિતી ઉપર ઘ્યાન કેન્દ્રિત કરવા માટે નબળો પૂરવાર થાય
છે. તે જ પ્રમાણે જડ વિચારો ધરાવતી વ્યક્તિમાં માનસિક ખુલ્લાપણું
નહીં હોવાથી બીજી માહિતી ઉપર ઘ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. માનવીનું વ્યક્તિત્વ
તનાવમુક્ત હોય, માનસિક ખુલ્લાપણું હોય તો તે બીજી માહિતીને સહિષ્ણુતાથી
સ્વીકારે છે. હકારાત્મક વલણ રાખે છે પરિણામે તેની ગ્રહણશક્તિ વધી
જાય છે અને યાદશક્તિ પરિણામલક્ષી બને છે.
માહિતીમાંથી મળતો આનંદ ઃ
આનંદ પણ મગજને ઉત્તેજીત કરી ગ્રહણશક્તિ વધારે છે. પરિણામે
જે ગીત સાંભળવામાંથી આનંદ મળતો હોય તેના શબ્દો ગોખ્યા
વિના તે ગીત યાદ રહે છે. જ્યારે તે જ વ્યક્તિને કવિતા વાંચવામાંથી
આનંદ ન મળતો હોય તો તે કવિતા યાદ રાખી શકતો નથી. વિદ્યાર્થીઓ
ફિલ્મી ગીતો પૂર્ણ યાદ રાખી શકે છે. જ્યારે કવિતાઓ યાદ રાખી
શકતા નથી. જે એક તમને વઘુ આનંદ આપે તે તુર્ત જ યાદ રહી
જાય છે જ્યારે ગંભીર વાતને યાદ રાખવામાં તકલીફ પડે છે. જે શિક્ષક
પોતાના વિષયને વિદ્યાર્થીઓને આનંદ પડે તે રીતે ભણાવી શકે છે
તે વિદ્યાર્થીઓ ઝડપથી તે વિષયની માહિતી યાદ રાખી શકે છે.
આત્મધગશ ઃ
જે વ્યક્તિને જે ક્ષેત્રમાં આગળ ધપવાની ધગશ હોય છે તેની માહિતી
ઉપર તે ઝડપથી ઘ્યાન કેન્દ્રિત કરી શકે છે. જે વ્યક્તિને પોતાની ધગશથી
(કોઈના કહેવાથી અથવા દબાણથી નહીં) કોઈ ક્ષેત્રમાં આગળ આવવું
હોય તેની માહિતી એકઠી કરવા તે પૂરતો પ્રયત્ન કરે છે અને ઝડપથી ગ્રહણ
કરી તેની જરૂરિયાત મુજબ ઉપયોગ કરે છે. આ જ વ્યક્તિને કોઈ બીજા ક્ષેત્ર
માટે અણગમો હોય તો તેની માહિતી તે ભાગ્યેજ યાદ રાખી શકે છે.
જિજ્ઞાસુ સ્વભાવ ઃ
અમુક વ્યક્તિઓનો સ્વભાવ ખૂબ જિજ્ઞાસુ હોય છે. જિજ્ઞાસુ સ્વભાવ ધરાવતી
વ્યક્તિ જુદા જુદા ક્ષેત્રની પોતાની જિજ્ઞાસા સંતોષવા માહિતી
ઉપર ઘ્યાન કેન્દ્રિત કરતો હોય છે. સમાજમાં અમુક વ્યક્તિઓ પાસે માહિતીનો
ખજાનો હોવાનું મૂખ્ય કારણ હોય છે તેમનો જિજ્ઞાસુ સ્વભાવ.
ઘ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ ઃ
જે વ્યક્તિઓ હાઈપર - એક્ટીવ હોય છે, નાની નાની વસ્તુઓથી વિચલીત થઈ
જાય છે તેઓ પોતાની ઘ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ ગુમાવી બેસે છે. યાદશક્તિને
ઘ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ સાથે સીધો સંબંધ છે. વિદ્યાર્થી વાંચતી
સમયે આજુબાજુની સામાન્ય નાની ઘટનાઓથી વિચલીત થઈ જતો હોય તો તે
પોતાના વિષયને યાદ રાખી શકતો નથી. તે જ પ્રમાણે ઓફીસકાર્ય વ્યક્તિ
બરાબર નિભાવી શકતો નથી.
લાગણીઓ ઉપર કાબુ ઃ જે
વ્યક્તિ ભૂતકાળ અથવા ભવિષ્યમાં જીવતી હોય, નાની નાની વાતોથી ખોટું લાગી
જતું હોય, લધુતાગ્રંથિનો અનુભવ કરતી હોય તે નવી માહિતી ઉપર ઘ્યાન
કેન્દ્રિત કરવા માટે અસમર્થ બને છે. પરિણામે તેની અસર તેની યાદશક્તિ
ઉપર થાય છે. માતાપિતા ઝઘડતા રહેતા હોય, સંતાન લાગણીશીલ હોય અને તેના
ઉપર ઝઘડાની અસર થતી હોય તો અભ્યાસની માહિતી યાદ રાખવામાં તકલીફ
અનુભવે છે.
વાતાવરણ ઃ
તમારી આજુબાજુના વાતાવરણથી તમારે ટેવાવું પડે છે. જે વ્યક્તિએ શાંત
અને શીતળ ઓફીસમાં વર્ષો સુધી કામ કર્યું હોય તેને ઘોંઘાટ ભરેલી,
ગરમ હવામાન ધરાવતી ઓફીસમાં મુકવામાં આવે તો તેને માહિતી ઉપર
ઘ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડે છે અને તેની અસર યાદશક્તિ ઉપર થાય
છે. જ્યારે વિદ્યાર્થીને ગરમ ખંડમાં ઉનાળામાં બપોરે પરીક્ષા આપવાની હોય
ત્યારે તેણે આખું વર્ષ ઘરે એરકંડીશન રૂમમાં બેસી અભ્યાસ કર્યો હોય
તો પરીક્ષા ખંડમાં ઘણી વખત તેની યાદશક્તિ દગો દઈ જાય
છે. આમ વાતાવરણ પણ યાદશક્તિ ઉપર અસર કરે છે.
યાદશક્તિ નબળી હોતી નથી પરંતુ
તેનાં પરિબળો કેવો ભાગ ભજવે છે તે પ્રમાણે તેનું પરિણામ મળે છે.
|