ઝાકળ
બન્યું મોતી
પગને બદલે પાંખો
ધરાવતો પુરુષ !
કલારસિકને માટે ચિત્ર-પ્રદર્શન એ
એક દીર્ઘ યાત્રા હતી. એ પ્રત્યેક ચિત્ર રસભેર નિહાળતો, એના રંગ
અને રેખાને મનથી માણતો એ તેમાં પ્રગટતી કલાકારની અભિવ્યક્તિને પામવા
મથતો હતો.
એક પછી એક ચિત્ર જોતો આ કલારસિક
છેક છેલ્લા ચિત્ર પાસે આવીને થંભી ગયો. ચિત્ર સાવ અનોખું. એમાં એક
વિચિત્ર મનુષ્યનું ચિત્ર આલેખ્યું હતું, જેનો ચહેરો લાંબા વાળથી ઢંકાયેલો
હતો. વળી એને પગ નહીં, બલ્કે પાંખો હતી. મોટાભાગની વ્યક્તિ તો આ
વિચિત્ર મનુષ્યના ચિત્ર પર સહેજ દ્રષ્ટિપાત કરીને બહાર નીકળી જતી હતી. એમને
ચિત્ર સમજાતું નહોતું અને તેથી કલાકારના મગજની કોઈ તુક્કાભરી કલ્પના માનીને
એના તરફ કોઈ વિશેષ ઘ્યાન આપતા નહોતા.
આ કલારસિક તો અંતિમ ચિત્ર પાસે ઊભો
રહી ગયો અને એને ખૂબ ઝીણવટથી ચિત્રનો ભાવ ઉકેલવા મથામણ કરવા લાગ્યો.
મન પરોવીને એ ચિત્ર જોતો હતો, પરંતુ એનો મર્મ હાથ લાગ્યો નહીં એટલે
એ સીધો એના સર્જક પાસે પહોંચી ગયો. એણે ચિત્રકારને પૂછ્યું,
‘‘તમારાં ચિત્રોના ભાવ ઉકેલવા મેં પ્રયાસ કર્યો અને કંઈક અંશે
સફળતા પણ મેળવી, કંિતુ તમારા આ છેલ્લા ચિત્રને હું સમજી શક્યો નથી. એમાં
તમે ક્યો વિષય આલેખ્યો છે ?’’
ચિત્રકારે કહ્યું, ‘‘એમાં
મેં માનવીના જીવનમાં આવતા અવસરને આલેખવા પ્રયાસ કર્યો છે. જીવનમાં ક્યારેક
જ તક મળે છે, તે વિરલ તકને મેં રંગ-રેખાથી પ્રગટ કરી છે.’’
કલારસિકે વળી પ્રશ્ન કર્યો, ‘‘પણ
તમે એ અવસર પુરુષનુ મુખ શા માટે ઢાંકી દીઘું ? એના ચહેરા પર
એટલા બધા વાળ પથરાયેલા હતા કે એનું મોં ઢંકાઈ ગયું હતું. તેનો
અર્થ શો ?’’
ચિત્રકારે કહ્યું, ‘‘અવસરનો
ચહેરો સદાય ઢંકાયેલો હોય છે. એ તમને ક્યારેય સ્પષ્ટરૂપે દેખાતો
નથી. આવેલી તકની જાતે ઓળખ મેળવવી પડે છે અને તેથી એનો ચહેરો ઢંકાયેલો
રાખ્યો છે.’’
વળી કલારસિકે પૂછ્યું, ‘‘આ
ચિત્ર પ્રદર્શનમાં આવું વિચિત્ર ચિત્ર મૂકવાનો હેતુ શો ? આ પ્રદર્શનનું
દર્શન એ કોઈ જીવનમાં આવેલી સુવર્ણ તક છે તેમ તમે કહેવા માગો
છો ?’’
ચિત્રકારે કહ્યું, ‘‘હા, પ્રદર્શનની
જેમ જ અવસર પણ માનવીના જીવનમાં આવે છે અને એ માણસને એક તક પૂરી પાડે
છે. સામાન્ય માનવી ભવિષ્યની આ ઊજળી તકને જોઈ શકતો નથી અને તેથી એ
જીવનમાં જ્યાં હોય ત્યાં અજગરની જેમ પડ્યો રહે છે, પરંતુ જે અવસરને ઓળખી
લે છે અને આવેલી તકને સમજી લે છે એ જ જીવનમાં કશુંક કામ કરી શકે છે.’’
‘‘અરે ! તમે તો અવસર પુરુષને
પગને બદલે પાંખવાળો બતાવ્યો છે, એનું રહસ્ય શું ?’’
ચિત્રકારે કહ્યું, ‘‘તક એ
એવી બાબત છે કે જે આજે ચાલી ગઈ, તો ક્યારેય પાછી આવતી નથી. એ ઊડીને
અદ્રશ્ય થઈ જાય છે.’’
|