સ્વસ્થવૃત
કેરડાનો ઔષધીય
ઉપયોગ
આપણી આજુબાજુમાં સહેલાઈથી મળી રહેતી
વનસ્પતિનો આરોગ્ય જાળવવામાં અને રોગથી મુક્ત થવામાં ખૂબ જ ઉપયોગ થતો
હતો. હવે ઈન્સ્ટન્ટનો જમાનો આવી ગયો, અને મહેનત કરી મેળવેલી વસ્તુ
વાપરવાનો યુગ પૂરો થયો. જેથી આપણી બાજુમાં મળતી દિવ્ય વનસ્પતિના
ચમત્કારિક અને નિર્દોષ ગુણોનો લાભ લઈ શકતા નથી. આવી વનસ્પતિમાં
અગ્રસ્થાન ધરાવે છે કેરડો. હાલમાં આ વનસ્પતિનાં ફળોનું અથાણું
બનાવી બારેમાસ વાપરવામાં આવે છે. સાધારણ તમતમાટવાળા આ આચારથી
ભૂખ સારી લાગે છે, અને ખાધેલું બરોબર પચવામાં મદદ
કરે છે. શરદી, કફ અને વાયુવાળા દર્દીને આ આચાર ખૂબ
જ અનુકૂળ આવે છે. આ અચારને કેરડાનું અથાણું કહે છે. ગામડામાં આજે
પણ આ અચારનો પ્રચાર સારો એવો છે.
કેરડા (ફળ) તીખા, થોડા કડવા, ઉષ્ણ,
તૂરા, મઘુર, ગ્રાહી, મુખને ચોખ્ખું રાખનાર રુક્ષ અને હૃદય છે. કેરડાનુું
દાતણ જે બાજુ દુઃખતું હોય નહીં એ બાજુ ચાવવાથી બીજા
દાંતનું શૂળ ઘટે છે. કાચા કેરડાનું શાક અને અથાણું બનાવી ગામડામાં
વપરાય છે. ભાતભાતના અથાણાં ખાવાના શોખીનો કેરડાનું અથાણું ઘરમાં
રાખતા હોય છે. કફ, શરદી અને વાયુવાળાને આ અથાણું માફક આવે
છે. ગામડામાં આ અથાણાનો પ્રચાર વધારે છે. કેરડાના ફળના અથાણાનો
ઉપયોગ ચાલુ રહ્યો છે, પણ આ દિવ્ય વનસ્પતિમાં રહેલ ઉત્તમ ઔષધીય
ગુણોને આપણે લગભગ ભૂલી ગયા છીએ એટલે એનો ઉપયોગ ખાસ થતો નથી.
શ્વાસ, ઉધરસ, ઈસીનોફીલીયા, એલર્જિક શરદી કે શ્વાસ વગેરે માટે
આ કેરડામાંથી ઉત્તમ દવા બને છે.
કેરડો સ્વયંભૂ થતું નાનું એવું વૃક્ષ
છે. ૫ થી ૧૦ ફૂટની ઊંચાઈ સામાન્ય રીતે હોય છે. કોઈ કેરડો ૧૫ થી ૨૦
ફૂટ પણ જોવા મળે છે. નાની નાની અનેક ડાંડલીઓ અને અનેક શાખાઓ હોય
છે. પાન બહુ જીણાં હોય છે અને ખરી જતાં હોવાથી જોવા મળતાં નથી. કેરડાને
સંસ્કૃતમાં કરીર અને લેટીનમાં (Capparis)
કહે છે. આ કેરડાની છાલમાં સેનેગિન
જેવો કડવો પદાર્થ હોય છે. પુષ્પ અને કળીઓમાં કેપ્રિક એસિડ હોય
છે અને એક ગ્લુકોસાઈડ હોય છે.
કેરડો હલકો, ઉષ્ણ, રુક્ષ, થોડો કડવો,
થોડો તીખો છે. કફ વાત-શામક, રોચક, પાચક, મળસાફ લાવનાર, ઉત્તેજક,
સ્વેદજનક, વેદનાસ્થાપક, ગેસ અને આફરો મટાડનાર છે. હરસ, ચરમિયાં,
શ્વાસ, ઉધરસ, આમવાતમાં અતિ લાભદાયક છે.
મૂળ, પાન, ડાંડી, ફુલ અને ફળ ઔષધ
તરીકે વપરાય છે. અહીંયા કેરડાનો ગુપ્ત સિદ્ધ પ્રયોગ રજુ કર્યો છે.
કરીર અર્ક બનાવવાની રીત ઃ- કેરડાના
તાજા લીલા મૂળ લઈ કુટી પીસી માટીના વાસણમાં ભરી તેનો ખર્ક કાઢવો. નલિકાયંત્ર
દ્વારા અથવા પતાલ યંત્ર મારફત અર્ક વિધિથી ખર્ક ખેંચવો. આપણને પોતાને
ખર્ક મેળવતાં આવડે નહિ તો જાણકારની મદદ લઈ અર્ક કાઢવો. આ
અર્કના ૧૦ થી ૩૦ ટીપાં અને દર્દના બળાબળનો વિચાર કરી સાકર
સાથે શ્વાસ (બ્રોન્કીયલ અસ્થમા)ને શાંત કરવા આપવા. પાંચ દશ મિનિટ
પછી બે ધૂંટડા સુખોષ્ણ જળ આપવું. લાભ જોવા મળે નહીં. તો આ રીતે અર્ધા
કલાકે કે કલાકે ત્રણ ડોઝ સુધી આપવાથી શ્વાસ વેગ શાંત થાય છે. પથ્ય
આહાર વિહાર સાથે સુખોષ્ણ જળ સાથે ૧૦ ટીપા દિવસમાં ત્રણ વખત નિયમિત
આપવાથી જુની ઉધરસ, શરદી અને શ્વાસ મટે છે.
હરસમાં ઃ- આ અર્કના ૧૦ ટીપાં પાણી
સાથે દિવસમાં બે વખત પીવાથી અને મસા પર લગાવવાથી મટે છે. કેરડાના
તાજા મૂળ એક તોલો લઈ પીસવા પછી એક શેર પાણીમાં ઉકાળવું. અર્ઘુ પાણી
બાકી રહે એટલે ગાળી અર્ઘુ સવારે અને અર્ઘું સાંજે પીવું. આ રીતે સાત
આઠ દિવસ મૂળથી ઉકાળેલ પાણી પીવાથી હરસ અને દૂઝતા હરસ મટે
છે.
|