રણને તરસ ગુલાબની
માણસ જેવો
માણસ જ્યારે, માણસને જઈ મળે, સઘળાં દુઃખ જગતનાં ત્યારે, પલકવારમાં ટળે!
‘ઝરોખા...’
‘સાવ પથ્થર જેવી કાં થઈ ગઈ છે,
ઝરોખા ?’
‘તું રડતી કેમ નથી ? નહિ રડે તો
તારી ભીતરનો ભાર શી રીતે હલકો થશે ? શું કામ આમ થઈ ગઈ છે ? થવાનું
હતું તે થઇ ગયું ! દૂધ ઢોળાવાનું હતું, તે ઢોળાઈ ગયું
! તું કાળજું કઠણ કર, બહેન ! આ છોકરાં સામે તો જો...!’
એક નાનકડું ઘર. ઝુંપડાનુંમા મકાનની
ઓસરીમાં એક શબ પડ્યું છે શ્વાસ ચાલી ગયા છે શરીરમાંથી. આસપાસ ટોળું
છે. ટોળામાં માણસો છે. સગાં વહાલાં છે. ગામવાળા ખભે ખેસ નાખીને ઊભા
છે મુખ ગંભીર ! આંખો ઝળઝળિયાં વાળી !
વિરાટભાઈ એટલે વિરાટભાઈ ! કોઈ સાદ
દે તો ભર ઊંઘમાંથી ઝબકીને જાગી જાય ! દોડા દોડી કરી
મૂકે ! ચપટી વગાડે ! એક જીવંત ભલાઈ જેવી ગામમાં છાપ ! સુથારી કામ કરે
! દરજી કામ પણ આવડે ! ચોમાસા ટાણે કોઈના ઘર પર નળિયાં હોય
તો નળિયાં ચાળવાનું કામ એમનું ! ખાટલાની કાથી કે પાટી ભરતાંય આવડે
! કોઈ વાતે ના નહિ ! ન નાત જોવાની, ન જાત ! કામ કરવા લાગી જાય ! કોઈનું
અવસાન થયું હોય તો ઠાઠડી બાંધવાય બેસી જાય !
પણ આજે એ જ શબ થઈને પડ્યા હતા ! એમની
જ અર્થી બાંધવાની વેળા આવી હતી ! ઝરોખાબહેન એમના ધર્મપત્ની
! પગે અપંગ અને ફૂલું પડવાથી બેય આંખે ઝાંખપ ! બે બાળકો એક દીકરી,
એક દીકરો. બંને બાળકોનો સીઝેરીઅન દ્વારા જન્મ થયેલો, એટલે
શરીર પણ કમજોર ! તો ય વિરાટભાઈ કહેતા ઃ ‘ઝરોખા ! તું જરાય
ચંિતા ન કરતી. તું જેવી છે તેવી પણ મારી પત્ની છે. મારા બાળકોની મા
છે ! તું તારે જલસા કર, હું બેઠો છું બાર વરસનો !’
પણ આ ‘બાર વરસ’ અચાનક ક્યારે પૂરાં
થઈ ગયાં એની કોઈને ખબર ન પડી ! તે દિવસે ગાંધીનગર કોઈના
બંગલે ફર્નીચર કામ માટે ગયા હતા. ત્યાં પેટમાં દુઃખવા લાગ્યું
! ઘેર આવ્યા. વેદના વધી ગઈ, બરાડા ! ચીસાચીસ ! પીડાભર્યા
ઉંહકાર ! ડૉક્ટરે પેઈન સ્ટોપ ઇંજેકશન આપી દીઘું. પણ વહેલી સવારે
તો ભારે ચીસાચીસ થઈ રહી - થોડુંક તરફડયા, થોડાક ઉછળ્યાને વિરાટભાઈનો
દેહ બે-ચાર મિનિટમાં તો શાંત થઈ ગયો ! જંિદગી શબ બની ગઈ
! ગાંધીનગરથી જોર કરીને પથ્થર નાખો તો આ ગામ વચ્ચોવચ જઈને પડે
એટલું નજીકનું ગામ. વાતાવાયરાની કાંધે ચઢીને વાત આખાય ગામમાં
પ્રસરી ગઈ ઃ ‘વિરાટભાઈ ગયા !’
‘ક્યાં ગયા ?’
‘ઉપર !’ કહેનાર ઉપર આકાશ તરફ
આંગળી ચીંધતું ! કામનો કરંદો માણસ ગામની જીવંતતામાંથી ગેરહાજર
થઈ ગયો !
એક રૂમવાળું સાધારણ મકાન. આવકના
નામે મીંડું ! મળે તે દિવસે મળે, નહિતર ખાવાના ય ઉધારા.
ઝરોખાબહેન જાણતાં હતાં કે અંદરના
હાલ કેવા છે ! પિત્તળનાં થોડાંક વાસણો. એલ્યુમિનિયમની તપેલીઓ.
ફાટેલાં ગાભાંની ગોદડીઓ. છતાં ઝરોખાબહેન ચહેરો હસતો રાખતાં
! પાડોશમાંય જરૂર હોય તો કોઈનું કામ કરી આવે !
‘મમ્મી...’
‘શું છે ?’
‘ભૂખ...’
‘ઊભાં રહો, આવું છું !’ કહીને
ઝરોખાબહેન પાડોશમાં દોડી જાય. ઉછીનું ઉધાર કરી આવે. રાંધે
ને છોકરાંને ખવડાવે. ભરેલા ભાણાનો થાળ તો માત્ર સપનું હતું ! પોતે
તો ભૂખનું દુઃખ વેઠી લે, પણ આ બાળકોનું શું ? આંખમાં
આંસું, પેટમાં ભૂખ અને હૈયામાં હતાશા ! ક્યારેક એકટંકના ઉપવાસ ! બાકી
કદીક તો રોજની અગિયારસ ! પેટનું ઢોલ વાગે ! પેટ પોકાર પાડે
! ઝરોખાબહેન થોડુંક રડી લે, થોડુંક હસી લે ઃ ‘ઓ મારા
દયાળું ભગવાન ! કદીક તો આ ઘરની સામે જો ! અમારા ખાડાવાળાં
પેટ સામે તો જો ! અરે, અમારા સામે નહિ તો આ બાબુડાંનાં પેટ પર તો
દયા કર ! ઓ કરુણાના કરનારા ! અમારા ખોબામાં તો થોડીક કરૂણા
ભરી દે ! મારાં બાળકો રડે છે, ભૂખ વેઠાતી નથી એમનાથી, એમની
સામે તો જો !’ ભૂખ ઘરમાં હડિયાપટ્ટી કરતી ! વિરાટભાઈને ક્યારેક કામ મળી
રહેતું ! પણ ક્યારેક જ ! બાકી તો છાશ પીને સૂઈ જવાનું ! પાણી પીને
પેટને પંપાળી લેવાનું !
પણ આજે ? વિરાટભાઈ હતા ત્યાં સુધી
તો જેમ તેમ ગાડું ગબડતું હતું ! સાંજ પડ્યે સગવડ થઈ જતી ! પણ વિરાટભાઈ
હવે ક્યાં હતા ? શ્વાસ ચાલ્યા ગયા હતા ! શબ થઈને ઘરની ઓસરીમાં જ પડ્યા
હતા ! માત્ર શબ ! શ્વાસ વગરનું શબ ! હણાઈ ગયેલું ચૈતન્ય !
- ઝરોખાબહેને શબ જોયું ! લાશ જોઈને
લથડી ગયાં ! મડદું જોઈને માટી જેવાં થઈ ગયાં ! ચહેરા પરનું તે
જ હણાઈ ગયું ! લાકડું બની ગયાં ! અપંગતાએ એમને પછાડી નાખ્યાં ! એ
રડતાં નહોતાં ! આંસું બહાર આવતાં નહોતાં ! ને બધાં વારંવાર
એમના ખભા પકડી પકડીને એક જ વાત કહેતાં હતાં ઃ ‘રડ, ઝરોખા
રડ ! તારા ભીતરના ભારને હળવો કરી દે ! બહાર આવવા દે તારાં
અશ્રુને !’
પણ અશ્રુ સૂકાઈ ગયાં હતાં.
શરીર કાસ્ટ બની ગયું હતું.
સૂનમૂન બની ગયાં હતાં !
ત્યાં જ બારેક વર્ષની પ્રિયંકા મમ્મીને
વળગી પડી. સાતેક વર્ષનો ગૌરવ ડૂસકાં ભરવા લાગ્યો.
દીકરી રડતી હતી !
દીકરો રડતો હતા !
ગામ રડતું હતું !
છેવટે અર્થીને ઉઠાવવામાં આવી. સ્મશાન
તરફની આખીય યાત્રા શરૂ થઈ. ત્યાં જ ઝરોખાબહેન અચાનક ઊભાં થયાં. ઊભાં
થઈને દોડવા ગયાં પણ એ તો અપંગ હતાં. લંગડાતા પગે ગબડી પડ્યાં.
ને એ સાથે જ એ રડી પડ્યાં ઃ ‘ઓ રે, તમે ક્યાં જાવ છો ?
અરેરે, મને તો સાથે લેતા જાવ !’
- આમ તો ફૂલીને ઢમઢોલ થયેલું રાતું
માતું ગાંધીનગર બિલકુલ નજીકમાં જ છે ! ત્યાં સાહેબો છે, શેઠિયાઓ
છે, બડાબડા હાકેમો છે ને નેતાઓ છે ! સૌ જલસા કરે છે ! ગાડીઓમાં
ફરે છે ! વિમાનોમાં ઊડે છે ! બધાંને કામ કઢાવી લેતાં આવડે છે
! પબ્લીક નામની જમાતને પંચવર્ષીય સપનાં દેખાડતાં એમને ફાવે છે
! વચનો ! સપનાં ! માઈક ! હુકાહુક ! અને ગાંધીનગરના જ બગલ બચ્ચા
જેવા આ નાનકડા ગામમાં સપનાં સૂકાય છે ! ઇચ્છાઓનાં શબ તડકે તપે છે
! આ ગામમાં ઝરોખાબહેન રહે છે ! વિધવા ઝરોખાબહેન ! બે બાળકોની
મા ! આંખમાં અશ્રુ, સપનાં વગરનો ચહેરો ! અડવા હાથ ! કોરું કપાળ !
લલાટમાં લખાયેલી કંગાલિયત ! ઠેબાં ખાતી અપંગતા ! ઝાંખી આંખોમાં આવતાં
સપનાંય ભીનાં થઈને ફાટી જાય છે ! ફાટીને ફોદો થઈ જાય છે ! તો
ય ઝરોખાબહેન છાતીમાં હતાશા ભરીને જંિદગી જીવ્યે જાય છે ! કદીક
સગાંવહાલાં આવે છે ને થોડાક દિવસો હળવા થઈ જાય છે ! સાડીના
પાલવમાં કદરૂપી કમનસીબીનો ગમ છુપાવીને ઝરોખાબહેન એમની અપંગતા
સાથે ગામમાં નીકળે છે ને ત્યારે જોનારાંના મોઢામાંથી એક જ શબ્દ
નીકળે છે ઃ ‘બિચ્ચારી !’
આ ‘બિચ્ચારી’ શબ્દની માનું
નામ છે લાચારી ! હા, લાચારી શબ્દને સોડમાં લઈને જીવી રહ્યાં છે
ઝરોખાબહેન ! અનાજના ડબ્બા ખાલી ખાલી ખખડે છે ! ચામડાના પાકીટમાં શૂન્યાવકાશ
તરફડે છે ! હા, એમની પાસે આંસું છે ! લાચારીભર્યા શબ્દો છે !
અપંગ જંિદગી છે ! ને બાપવછોયાં બાળકોનો ભાર છે !
‘મમ્મી !’
‘શું છે ?’
‘અમારી શાળામાંથી પ્રવાસ જાય છે,
અમે નામ લખાવીએ ?’
‘પણ પૈસા ?’
‘એક જણાના બસો. બેના ચારસો
થાય ! તું કહેતી હોય તો અમે નામ લખાવીએ !’
‘ભલે દીકરી, લખાવી દેજે
નામ !’
- અને એ દિવસે પતરાની પેટીમાં
સાચવીને મૂકેલી સોનાની ‘વીંટી’ ગાયબ થઈ ગઈ ! સવારે દીકરીના
હાથમાં ચારસો રૂપિયા મૂકતાં ઝરોખાબહેને કહ્યું ઃ ‘લે બેટી,
પ્રવાસના પૈસા ભરી દે જે !’
એક ગયો. બીજો ગયો ને બધા જ
દાગીના એક પછી એક અદ્રશ્ય થઈ ગયા છે ! વાલની વીંટી પણ વેચાઈ ગઈ
છે ! હવે કશું નથી ! ખાલી પેટી ! ખાલી પેટ ! ખાલી હૈયું ! ખાલી આંખો
! આસપાસ કામ કરવા જાય ! કપડાં પોતાં કે વાસણ કરે ! પણ ભાર મોટો
છે. છોકરાં ભણાવવાં છે ! વિરાટભાઈ જ કહેતા હતા ઃ ‘ઝરોખા,
મારાં છોકરાંને ભણે ત્યાં સુધી ભણાવવાં છે !’
પણ આજે એ નથી. છે માત્ર ગરીબી ! લાચારી
! દારૂણ કંગાલિયતા ! ગરમ ગરમ નિસાસા ! ઊનાં ઊનાં અશ્રુ ! લાચારીનાં
ગરમ ગરમ અશ્રુ ! એક અપંગ નારી જંિદગીના ઝંઝાવાત સામે કેટલું ઝઝુમી
શકે ? આંખોની રોશની જેની ઝાંખી થઈ ગઈ છે એવી ઓરત દુર્ભાગ્યના
ચાબૂક ક્યાં સુધી સહન કરી શકે ? ભાવિ અંધકારમય છે ! આવક
અટ્ટહાસ્ય કરે છે ! છોકરાં મોટાં થતાં જાય છે ! આનો કોઈ અંત જ નહિ
હોય શું ?
- એક દિવસે બાર વરસની એ નાનકડી
દીકરીએ જે વાત કરી, એ સાંભળીને તો પથ્થરદિલ ઇન્સાનનું દિલ
પણ દ્રવી જાય ! આઠમાં ધોરણમાં ભણતી પ્રિયંકા ! વયનાની, સમજણ મોટી
!
‘મમ્મી !’
‘શું છે, બેટી ?’
‘તું મને રજા આપ.’
‘શાની ?’
‘કામ કરવાની ! પાંચ-સાત ઘેર હું
વાસણ પોતાં કરવા જઈશ ! મેં વાત કરી રાખી છે ! પપ્પા પણ કહેતા હતા કે,
ભઇલાને ભણાવવો છે ! હું નહિ ભણું તો ચાલશે ! હું તો છોકરી છું
ને ! બોલ મમ્મી, હું જાઉં વાસણ કપડાં કરવા ?’
- ને એ સાથે ઝરોખાબહેનના હૈયાના બંધ
તૂટી ગયા ! દીકરીને બાથ ભરીને એ રડવા લાગ્યાં ઃ ‘ના,
બેટી, ના ! ભગવાન જેવો ભગવાન માથે બેઠો છે, ને તું આવું બોલે છે
? આ દુનિયામાં દયાવંતોના દુકાળ નથી ! ભગવાન જરૂર કોઈ
ભામાશાના દિલમાં વસી જશે ! ને આપણું દુઃખ તણખલાની જેમ
ઊડી જશે ! તું ચંિતા ન કર. ક્યાંક તો ઔદાર્યના દીપક જલતા
હોય છે ! આપણું દુઃખ ભગવાન ખુદ ભાંગશે, કોકના દિલમાં
પ્રેરણા જગાવીને !’ ને એ દિવસે મા દીકરી પેટ ભરીને રોયાં
! ત્યારે નાનકડો ‘ભઈલો’ માથું ખંજવાળતાં ખંજવાળતાં પૂછતો હતો
ઃ ‘મમ્મી, તેં ભગવાનને જોયો છે ? ભગવાન કેવો હોય ? ભામાશા
કેવો હોય, મમ્મી ?’
- ને આખુંય ખોરડું કારુણ્યની ભીનાશથી
ત્યારે તરબોળ બની ગયું હતું ! કોકનાં પગલાં સાંભળવા આતુર બનેલા છ
કાન ચાર શબ્દોના પડછંદા સ્પષ્ટપણે સાંભળી રહ્યા હતા ઃ ‘હું
આવી રહ્યો છું....’
(સાવ સાચી ઘટના)
|