home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

ગુફતેગો

સુશિક્ષિત માણસો જ કેમ આર્થિક અપરાધો આચરે છે?

* સુશિક્ષિત અને સાધન સંપન્ન માણસો જ કેમ વઘુ આર્થિક અપરાધો આચરે છે?

* પ્રશ્નકર્તા ઃ ભાવસાર કનુભાઇ એચ., મુ. વડનગર.

અપરાધોના મૂળમાં છે અભાવ, સામાજિક વિષમતા અને ભ્રષ્ટ વૃત્તિ. ગરીબો પોતાની ગરીબીને કારણે લાચાર બની આર્થિક અપરાધ આચરે છે અને સુશિક્ષિત અને સાધન સંપન્ન લોકો અર્થેષણાને કારણે વઘુ ધન, વઘુ સુવિધાઓ અને વૈભવવિલાસ માટે આર્થિક અપરાધ આચરે છે. ગરીબ ગુનેગારો કરતાં કહેવાતા શરીફ અપરાધીઓ વઘુ ખતરનાક હોય છે.

‘અકંિચન’ એટલે કે જેમની પાસે કશું જ નથી એવા લોકો કામચોરી, હરામખોરી, બેરોજગારી કે આર્થિક લાચારીને વશ થઇને અપરાધિક કૃત્યો આચરે છે. તેઓ અપરાધ દ્વારા અમીર બનવા ગુનો નથી કરતા, પણ ઓછા પરિશ્રમે પોતાની ગરીબી ઘટે અને અન્યનાં જેવું સુખ-સુવિધા પૂર્ણ જીવન પોતાને પણ પ્રાપ્ત થાય એટલા માટે ‘હાથચાલાકી’ અજમાવતા હોય છે. એમાં શિક્ષણનો અભાવ પણ કામ કરી જતો હોય છે.

સમાજનો બીજો વર્ગ ઃ જે સુશિક્ષિત છે અને પ્રમાણમાં સુખી અને સાધનસંપન્ન છે, તેઓ પણ આર્થિક અપરાધોથી મુક્ત નથી, બલ્કિ મોટા પ્રમાણમાં આર્થિક અપરાધો આચરે છે, એનું મુખ્ય કારણ છે પરિગ્રહવૃત્તિ એટલે કે ધન એકઠું કરી લેવાની વૃત્તિ! શિક્ષિત અને સાધનસંપન્ન લોકો પાસે પોતપોતાનાં આગવાં સપનાં હોય છે અને એ તમામ સપનાં સાકાર કરવાનું સાધન તેમની નજરે ધન છે. પૈસાથી સુખ-સુવિધા મળે, વૈભવ મળે, માન-સન્માન મળે, સમાજમાં એક મોભો કે ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત થાય, પૈસાને કારણે પોતે ‘દાનવીર’ ગણાઇ પંચમાં પૂછાય, ચૂંટણીઓ લડાય, અને પૈસાને જોરે ધાર્યાં કામ થઇ શકે, ધારે તે વ્યક્તિને ‘ખરીદી’ શકાય, વશ કરી શકાય, લલચાવી શકાય, લોભાવી શકાય, એમ ધન થકી અનેક કામો સિઘ્ધ થઇ શકે અને પોતાને જ નહીં પોતાનાં વારસદારોને પણ પેઢી-દર-પેઢી સુખ મળે એવા આશયથી સાધનસંપન્ન લોકો આર્થિક અપરાધનું જોખમ ખેડતા હોય છે. એવું જોખમ ખેડતાં પકડાઇ જવાશે તો પણ પૈસાના જોરે બંધનમુક્ત થઇ જવાશે, ન્યાયાલયમાં પણ પૈસાનું જોર અજમાવી અપેક્ષિત કાયદાકીય રાહતો પ્રાપ્ત કરી શકાશે અને કાયદાનો અમલ કરનારાઓને પણ પૈસા થકી પોતાના ભણી વાળી શકાશે, એવા ખ્યાલથી સુશિક્ષિત તેમ જ સાધનસંપન્ન લોકો ધનસંચયને પોતાનું લક્ષ્ય બનાવતા હોય છે.

પૈસાનો પણ એક પ્રકારનો નશો હોય છે. માણસને જેમ-જેમ પૈસો મળતો જાય, તેમ-તેમ તે વઘુ ને વઘુ અર્થપ્રાપ્તિ માટે ઘેલો બને છે. ‘સુશિક્ષિત’ લોકો પણ આર્થિક અપરાધ આચરતાં એટલા માટે અચકાતા નથી, કારણ કે એમના જીવનમાં વિદ્યા દ્વારા મૂલ્યનિષ્ઠા વિકસિત થઇ હોતી નથી. જેમ દુષ્ટ લોકોની વિદ્યા વિવાદ માટે અને શક્તિ બીજાને પજવવા માટે તેમ જ ધન મદ માટે હોય છે, તેવી રીતે કહેવાતા શિક્ષિત લોકો માટે શિક્ષણ એ લુચ્ચાઇ, બેઇમાની અને કાયદાકીય છટકબારીઓ શોધવાનું સાધન બને છે. વિદ્યા તેમના જીવનમાં ઉતરેલી હોતી નથી, પરિણામે આંતરિક પવિત્રતા, આચરણગત શુદ્ધતા, વ્યવહારગત નિર્મળતા અને કાયદા કાનૂન પ્રત્યે શ્રેષ્ઠ નાગરિકને છાજે તેવું વર્તન તેઓ આચરી શકતા નથી. ધન એ જ એણે મન ધર્મ હોય છે અને પરિગ્રહ એ જ પરમેશ્વર. સત્તા અને ધન એ અપરાધનાં ઉદ્‌ભવ સ્થાનો છે. અને એ બન્નેની પ્રાપ્તિ માટે માણસ અપરાધ કરવા તૈયાર થાય છે. એમાં અમીરી-ગરીબીનો ભેદ નથી.

પણ સાધન સંપન્ન કે અમીર માણસની આંખનાં સપનાં મોટા હોય છે. તેમની મહત્વાકાંક્ષાઓ પણ મોટી હોય છે અને એવાં મોટાં સપનાં કે મહત્વાકાંક્ષાઓના આકર્ષણમાં ફસાઇને તેઓ આર્થિક અપરાધ કરે છે.

ભ્રષ્ટાચારનું મૂળ પણ આમાં જ છે. નાના અધિકારીઓ નાનો આર્થિક અપરાધ આચરે છે અને મોટા અધિકારી કે સત્તાધીશનું મોં મોટું હોય છે. પણ બન્નેનું લક્ષ્ય તો એક જ હોય છે. વઘુ સુખ, વઘુ સુવિધાઓ અને સામાજિક મહત્વ. કબીરે એટલે જ કહ્યું કે ‘ઉપર ચઢ કે દેખા તો એક સમાન લેખા.’

અહીં એક બીજો મુદ્દો પણ લક્ષમાં લેવો જોઇએ. અપરાધવૃત્તિને રોકવામાં કે વિસ્તરતી અટકાવવામાં જાણે-અજાણે સામાજિક ડર પણ અગત્યનો ભાગ ભજવતો હોય છે. માણસને આબરૂ બગડવાની બીક અપરાધ કરતો રોકવામાં મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. પણ આજે સમાજ ભૌતિકતાપ્રધાન બની ગયો છે. માણસને આત્મિક કે આઘ્યાત્મિક સુખોમાં નહીં પણ આર્થિક સુખોમાં જ જીવનની સાર્થકતા દેખાતી હોય છે. સમાજમાં શ્રેષ્ઠીઓ, મહાપુરુષો કે આદર્શ વ્યક્તિઓ અનુકરણીય આદર્શો પૂરા પાડતી હોય છે. પણ એવા જ્યોતિર્ધરો કે સમાજના મોભાદાર આગેવાનો, ધાર્મિક પુરુષો, મહાજનો જ જો ગૂમરાહ થાય તો સમાજ પોતાની પવિત્રતા ટકાવી રાખવા કોના તરફ નજર રાખે? લાંચ-રૂશ્વત, આર્થિક દગા- પ્રપંચ, બનાવટી દસ્તાવેજો, બેંકો સાથેની છેતરપંિડી અને સત્તા તથા અધિકારોનો દુરુપયોગ, જાહેર નાણાંની ઉચાપત, એવા અનેક મોટા આર્થિક અપરાધો ગરીબ માણસો દ્વારા નહીં પણ સુશિક્ષિત અને સાધનસંપન્ન લોકો દ્વારા જ આચરાયાના લાખ્ખો કિસ્સાઓ નોંધાયા છે. શિક્ષિત માણસ આર્થિક શેતાનિયત આચરવામાં વઘુ સફળ થાય છે, કારણ કે પોતાને પ્રાપ્ત થએલા જ્ઞાન, અક્કલ અને હોશિયારીનો કાયદાના સકંજામાંથી મુક્ત થવા કે રહેવામાં સહેલાઇથી ઉપયોગ કરી શકે છે. કદાચ સ્વ. કરસનદાસ માણેકે આવી સ્થિતિ જોઇને જ લખ્યું હશે કે ‘કામધેનુને સૂકું યે તૃણ ન મળતું, ને લીલાંછમ ખેતરોને આખલા ચરી જાય છે, મને એ જ સમજાતું નથી કે કેમ આવું થાય છે.’

સુશિક્ષિત કે સાધન સંપન્ન માણસ બેધડક- બિનધાસ્ત રીતે આર્થિક અપરાધ આચરી શકે છે કારણ કે તેના ‘હાથ લાંબા હોય છે’, એની લાગવગ મોટી હોય છે! કોઇક સત્તાધીશનો એક ફોન એને પોલિસ કસ્ટડીમાંથી એક મિનિટમાં મુક્ત કરાવી શકે છે! મહાત્મા ગાંધીજીએ ‘બાપૂ કે આશીર્વાદ’માં એક સરસ વાત કહી છે ઃ એક ચોરી કરેછે, બીજો એક ચોરીમાં મદદ કરે છે અને વળી ત્રીજો ચોરીનો ઈરાદો સેવે છે- આ ત્રણે ચોર છે. પાપનું મૂળ સમજાવતાં શેખ સાદીએ એટલે જ કહ્યું કે આ બન્ને બાબતોએ મને પાપ કરવા પ્રેરિત કર્યો- પ્રતિકૂળ ભાગ્ય અને અપૂર્ણ બુદ્ધિ. દૂષિત બુદ્ધિ જ સુશિક્ષિત અને સાધન-સંપન્ન લોકોને આર્થિક અપરાધને રવાડે ચઢાવતી હોય છે.

Copyright   © Gujarat Samachar