home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

ગૃહમાઘુરી

સૂકાં રૂનાં પૂમડાંને અંતરનું અત્તર પામવું હોય તો ?

ઉજજવલા એક સંવેદનશીલ સીંગર તરીકે જાણીતી થઇ ગઇ છે. વેદના, રોમાંચ, રોમાન્સ, ઉલ્લાસ જાણે તેનાં હૃદયમાંથી પ્રગટે છે. જાહેર સંગીત-કાર્યક્રમ હતો, સ્ત્રી કહે છે ઃ

અમે રે સૂકું રૂનું પૂમડું,

તમે અત્તર રંગીલા રસદાર.

સ્ત્રી પોતાની મનઃ સ્થિતિથી વાકેફ છે અને તેથી જ પુરૂષને સહજીવનમાં આવકારતાં કહે છે કે સૂકા આ રૂનાં પૂમડાંને તમારા અંતરના અત્તરથી રંગી દો.

અંગાર વરસતાં આ જીવનમાં તમારો એક સહારો છે. ગીતનો આવો કોઇ મર્મ છે. અને દિશા અને અંતરીક્ષ તાલની સાથે તાલ મિલાવતા હતા.

દિશા અંતરીક્ષ સાથે પરણી તે પહેલાં અને પછી પણ મુગ્ધાવસ્થામાં જ રહેતી. ઉજ્જવલાએ ગાયેલ ઉપરોકત ગીત તે વારંવાર સાંભળતી.

ખુશ થતી અને અંતરીક્ષના હૃદયમાં પ્રવેશવા તત્પર બનતી. લગ્નજીવનનાં પચીસ વર્ષ પછી પણ દિશા અને અંતરીક્ષ જાણે ગઇકાલે જ પરણ્યા હોય તેવી તાજગી અનુભવતા.

સૂકું રૂનું પૂમડું કસદાર હોય, અત્તરને અંતરથી આવકારી શકે તો જીવન કૃતાર્થ બને. કોઇકની પાસેથી કશુંક મેળવવાની આવડત ખીલવવી તે પ્રથમ અનિવાર્યતા છે.

બીજું, પોતાની સ્થિતિ જાણવી, તેમાં પૂરક વસ્તુ ઉમેરવી તે મનોવૈજ્ઞાનિક તંદુરસ્તીની નિશાની છે.

ત્રીજું, પોતાના ‘આઇ.કયૂ’ પ્રમાણે કશુંક સર્જવું, કશુંક નવનિર્માણ કરવું આવશ્યક જરૂર છે.

પણ તે સાથે પોતાના એસ.કયૂ. ને વિકસાવવો અત્યંત જરૂરી છે.

એસ.કયૂ.ની શરૂઆત એટલે સમૂહ જીવનને આવકાર. એસ.કયુ.ની શરૂઆત ચાલાક પત્ની પતિથી કરતી હોય છે.

અને તેથી જ તે કહેતી હોય છે ઃ

અમે રે સૂકું રૂનું પૂમડું,

તમે અત્તર રંગીલા રસદાર.

હકીકતે, સ્ત્રી જન્મથી જ મનોવૈજ્ઞાનિક છે. તે પોતાનાં મનને સમજી શકે છે તેટલી જ સરળતાથી અન્ય વ્યકિતને સમજી શકે છે.

વૈજ્ઞાનિકો કહે છે કે સ્ત્રીનો ઇગો પરિપકવ હોય તો રૂના આ પૂમડાંને અત્તરથી નવડાવી દેવા પુરુષની તાકાત છે કે ના પાડી શકે.

એક બીજી મહત્વની વાત. એક સ્ત્રી કે એક પુરુષ બંનેની પાસે સર્વ સંપત્તિ હોય તો પણ જીવનનો આનંદ મેળવી શકે નહીં. સ્ત્રી-પુરુષ પરણે છે ત્યારે સમૂહ જીવનની શરૂઆત થાય છે.

અને સૂકું આ રૂનું પૂમડું, પુરુષરૂપી અત્તરમાં પોતાની જાતને તરબોળી અનેક હૃદયોમાં વસવાની મુસાફરી શરૂ કરી દે છે.

સ્ત્રી એટલે સમાજજીવનનો સાફ-સૂથરો નકશો, સમાજ જીવનના જામકારો તેથી જ સ્ત્રીને ઉચ્ચ આસને બેસાડે છે.

આ જીવનમાં કશુંક પ્રાપ્ત કરવું હોય તો સૂકું હોય તો પણ રૂનાં પૂમડાંથી જ કરવી પડે.

રૂનું પૂમડું એ જ સ્ત્રીની મુગ્ધાવસ્થા. એને પુરુષ વહાલથી, રસથી પોષે તો કવિ દયારામ કહે છે તેમ વ્રજ વહાલું, વૈકુંઠ નહીં આવું રે - તે સ્થિતિ ઉત્પન્ન કરી શકાય.

પતિને પ્રેમથી આવકારતી પત્ની પોતાને રૂનાં પૂમડાં તરીકે ઓળખાવે છે પણ હકીકતે તે તેનાથી વિશેષ છે.

તે એકલી સમાજજીવનની દોરી બની શકે તેમ છે પણ પોતાની બધી જ આવડત તો તે પતિ ચરણે ધરી દે છે.

અને પતિને અગ્રસ્થાન આપી દે છે. આ જ એની વિશેષતા.

સૂકાં રૂનાં પૂમડાંને અત્તર પામવું હોય તો તેની પ્રથમ શરત છે પોતાની મુગ્ધ અવસ્થા જાળવી રાખવી.

ઇગો ને પરિપકવ કરવો, પોતાનાં સ્ત્રીપણાને સ્વીકારવું, પુરુષને કદી બુદ્ધિથી ન જોવો, હૃદય ચક્ષુ ખૂલ્લાં રાખવા.

ખૂલ્લું મન અને શીખવાનું વલણ કોઇપણ સ્ત્રીની મુગ્ધા અવસ્થાને જીવતી રાખી શકે છે.

Copyright   © Gujarat Samachar