ગૃહમાઘુરી
તૂટેલા પ્રેમસંબંધોને મૈત્રી તરીકે ટકાવી શકાય?
યે વર્લ્ડ હૈ ન, ઈસમે દો પ્રકાર કે
લોગ હોતે હૈ....ના બન્ટી ઔર બબલીનો ડાયલોગ નથી લખતો....બીજી વાત
કરું છું. આ તો હીન્દી ઈન્ટરનેટ માઘ્યમની ત્રીજી સત્તાવાર ભાષા
તરીકે માન્ય થઈ (અંગ્રેજી, ચાઈનીઝ પછી...) એટલે જરા હીન્દીમાં શરૂઆત
થઈ ગઈ. વાત એ કરવા માંગતો હતો કે આ વિશ્વમાં કડવું સત્ય બોલનારા
અને મીઠું અસત્ય બોલનારા એમ બે પ્રકારના લોકો છે. અલબત્ત ‘નરો
વા કુંજરો વા’ વાળી પબ્લીક ખરી, એની ના નહીં પણ અંદરથી આ લોકો
પણ સ્પષ્ટ હોય છે પરંતુ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની આંતરિક હંિમતના
અભાવે તે વચ્ચેનો માર્ગ પકડે છે !
વિવેચકો અને વિચારકોનો વર્ગ એવો
છે કે જે મહંદ્અંશે કડવું સત્ય ઓકતો હોય છે. કો’ક વિચારેકે
આવા જ એક કડવા સત્યને વાચા આપતા કહ્યું છે કે દરેક વિજાતીય સંબંધ
તેના અંતનો સમય (એકસપાયરી ડેટ) લઈને જન્મે છે.
એક જમાનામાં એવું બનતું કે સંબંધો
આ સમયની સીમા વટાવી જઈ શુષ્ક બની જતા પણ ટકી રહેતા.
વચ્ચે વચ્ચે પ્રસંગોપાત પ્રાણ પૂરાય એમાં’ય
ના નહીં પણ સરવાળે શુષ્કતાની વચ્ચે’ય જીવાઈ જવાય. જ્યારે બદલાતા જમાનાની
તાસીર એ છે કે આ ‘એક્સપાયરી ડેટ’ વઘુને વઘુ નજદીકના સમયની
થવા માંડી છે ! પ્રેમનો ઉન્માદ ચઢે પણ ઝડપથી અને ઉતરે પણ ઝડપથી
! લગ્નના બીલો પણ પૂરા ન ચૂકવાયા હોય અને છૂટાછેડાની નોટીસો - વકીલોના
બીલો ફાઈલ કરવા પડે તેવી પરિસ્થિતિ ડોકિયા કરવા માંડે. એક જમાનામાં
તો જોડાઈને જુદા પડવાનું આવે તો યુગલ સંકોચથી શોષાઈ રહેતું
અને હવે મારા બેટાઓ ઘૂમધડાકા વચ્ચે ભેગા થાય, ન ફાવે તો જુદા
પડવું તેવી ફિલસૂફીને પોતાની નિખાલસતા ગણાવી જુદા પડે અને જુદા
પડતા પડતા સરકાર રાહતનું પેકેજ ઓફર કરે તેમ એકબીજા મિત્રો તરીકે
રહીશું તેવો ઠરાવ કરતા જાય !!
એવું નથી કે પરણેલાઓ જ છૂટા પડતા
આંવાં ઠરાવો કરે છે, તેમના કરતાં પ્રેમમાં પડેલાઓ અને લગ્ન સુધી
નહીં પહોંચેલાઓ વચ્ચે છૂટા પડવાની અને આવો ઠરાવ મુકવાની ઘયના વઘુ
સામાન્ય છે.
પ્રશ્ન એ નથી કે સંબંધોની ‘એક્સપાયરી
ડેટ’ ટૂંકી કેમ થતી જાય છે. પ્રશ્ન એ પણ નથી કે એકવાર પ્રેમસંબંધોમાં
બંધાયા પછી છૂટા પડવું કે નહીં.
પ્રશ્ન એ છે કે પ્રેમ સંબંધો તૂટ્યા
પછી પ્રેમીઓ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો શક્ય છે ? શક્ય હોય તો પણ
એ મૈત્રી રાખવી જોઈએ કે તમામ પ્રકારના સંપર્કો કાપી નાખવા જોઈએ ?!
છૂટા પડેલા પ્રેમીઓ મૈત્રી રાખવાની સૂફિયાણી વાતો ભલે કરે પણ વાસ્તવમાં
તે કડવાશ વગર શક્ય નથી અને એ વ્યવસ્થા બહુ લાંબી ટકતી નથી. તમારા સંબંધો
ગમે તેટલા પરિપક્વ હોય પરંતુ એમાં પ્રેમનો પનો ટૂંકો પડવા માંડે
ત્યારે ભરપૂર દુઃખ અને કડવાશનો જન્મ થયા વગર રહેતો નથી.
હવે જ્યારે તમે આવી નકારાત્મક લાગણીઓ
વચ્ચે છૂટા પડો પછી મૈત્રીની વાતો કરવી એ તમાચો મારીને ગાલ લાલ રાખવા
જેવી વાત છે. સામાન્ય રીતે છૂટા પડ્યા પછી મિત્રતા રાખવાના પ્રસ્તાવ પુરૂષો
તરફથી વઘુ આવતા હોય છે અને આ નવા સંબંધમાં કદાચ એ સ્વસ્થતાથી
વર્તી પણ શકતા હોય છે પરંતુ સ્ત્રી માટે તૂટેલા પ્રેમ સંબંધની કડવાશ
પચાવવી અઘરી છે.
પોતાના જૂના પ્રેમીને મિત્ર તરીકે મગજમાં
ગોઠવવો તેને અઘરો પડે છે કારણકે તેની સાથેના દરેક વ્યવહારમાં
ભૂતકાળ આડે આવીને ઉભો રહે છે. જાણ્યે-અજાણ્યે મન એક વ્યક્તિના બે જુદા-જુદા
રૂપ વચ્ચે તુલના કર્યે જ જાય છે. અને સરવાળે લાગણીઓનું દર્દ
ઉઠાવવું પડે છે.
પ્રેમી સાથે સંકળાયેલી સ્ત્રીની વિવિધરંગી
લાગણીઓને મિત્ર સાથે સંકળાયેલી એકરંગી લાગણીઓમાં ફેરવવી શકાય છે
? અને એ પણ કોઈ દુઃખ દર્દ વગર ?? વાસ્તવિક્તા તો
એ છે કે પ્રેમીઓ માટે છૂટાં પડતી વખતે મિત્રતા રાખવાનો દાવો
કરવો જેટલો સહેલો છે એટલો નિભાવવો અત્યંત કઠિન છે.
સમજદારી એમાં છે કે પ્રેમ સંબંધો
તૂટે તો તમામ સંપર્કો તોડી નાખવા, એને મિત્રતાના નામ હેઠળ જીવંત રાખવાના
વ્યર્થ પ્રયત્નો ન કરવા કારણ કે તેમાંથી માત્ર કડવાશ, નિરાશા કે દર્દ
જેવી નકારાત્મક લાગણીઓ જ જન્મે છે. અને તેનો ભાર તમારે ઊઠાવતા રહેવું
પડે છે.
પૂર્ણવિરામ ઃ
એક સમયના મિત્રો પ્રેમી બની શકે
છે પરંતુ એક સમયના પ્રેમીઓ મિત્ર નથી બની શકતા !
|