home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

ડિસ્કવરી

આભાસી પાણી

પાણીનો પ્રશ્ન ઘણો પેચીદો છે. આ ધોમધખતા ઉનાળામાં સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાતનાં ગામો અને શહેરોમાં પાણીની તંગી વળી પાછી હાલાકી સર્જી રહી છે. પાણીના ભંડારો ખતમ થઈ રહ્યા છે. નદીઓ સૂકાઈ ગઈ છે. કૂવા અને બોરના પાણી અત્યંત ઊંડા ઉતરી ગયા છે. આ કોયડો માત્ર ગુજરાતના પ્રદેશોમાં જ નહિ પણ ભારતમાં ઠેર ઠેર જોવા મળે છે. ભારત આ પ્રશ્ન કેવી રીતે ઉકેલે છે તે તરફ દુનિયાની નજર છે.

ભારતમાં પાકની સંિચાઈનો બે તૃતિયાંશ ભાગ ભૂગર્ભ જળ દ્વારા થાય છે. ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે. તેમાં જે ઘટ આવે છે તે જલ્દીથી પૂરાતી નથી.

ભારતના ખેડૂતો ભૂગર્ભમાંથી કેટલું પાણી ખેંચે છે તેના વિશ્વાસપાત્ર આંકડા નથી. વર્લ્ડ બેંક દ્વારા જેને ભંડોળ પૂરું પાડવામાં આવે છે તેવા ખેતીવાડી સંશોધન કેન્દ્રોના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધક સંસ્થા છે. તેના અંદાજ પ્રમાણે દર વર્ષે ૨૫૦ ઘન કિલોમીટર પાણીને સંિચાઈ માટે ખેંચવામાં આવતાં હોવાનો અંદાજ છે. તે પૈકી ૧૦૦ ઘન કિલોમિટર પાણી વરસાદ પાછું ભરી આપે છે. આટલાથી ભારતની અન્ન જરૂરિયાત સંતોષાય છે. પરંતુ જેમ જેમ વર્ષો વીતતા જાય છે તેમ તેમ જળસંચયો વઘુને વઘુ ખાલી થતા જાય છે, ઉપરોક્ત આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધક સંસ્થાના તુષાર શાહના મતે આ તો વિરાટ અરાજકતા છે, મોટી આફત પ્રત્યે આ એકમાર્ગી પ્રવાસ છે. તેના કહેવા પ્રમાણે ભારતના ખેડૂતો વગર વિચાર્યે ભૂગર્ભ પાણીના સ્ત્રોતોમાંથી મોટા પ્રમાણમાં ખેંચી રહ્યા છે અને ડાંગર, શેરડી, રજકો અને કપાસ જેવા પાણીતરસ્યા પાકો ઉગાડે છે, ખેડૂતો તેમના સંતાનો માટે આફત નોતરી રહ્યા છે.

બીજી બાજુથી સરકારને શું કરવું તે સૂઝતું નથી. આ માટે કોઈ ધારો શક્ય નથી. કોઈને ખબર નથી કે પમ્પો ક્યાં છે અને તેના માલિક કોણ છે. તેના પર નિયંત્રણ મૂકવાનો કોઈ માર્ગ નથી.

છેલ્લા દાયકામાં ભારતમાં સસ્તા પમ્પો આવ્યા અને પરિણામે તેના ઉપયોગનો જાણે કે વિસ્ફોટ થયો. હજુ દર વર્ષે દશ લાખ પમ્પ ઉમેરાય છે. તુષાર શાહના અંદાજ પ્રમાણે ઓછામાં ઓછા ચોથા ભાગના ખેડૂતો ભૂગર્ભ પાણીનું ‘માઇનીંગ’ કરે છે એટલે કે ખનીજની જેમ હજારો વર્ષોથી ઊંડે ભંડારાયેલા પાણીને ખેંચે છે. આ પાણીની કુદરત ફરી પૂરવણી કરતું નથી. તેથી ૨૦ કરોડ લોકો સાથે પાણી અને ખોરાક વગરનું ભવિષ્ય તાકી રહ્યું છે.

પચાસ વર્ષ પહેલાં ઉત્તર ગુજરાતમાં કૂવાઓમાંથી બળદ દ્વારા ચામડાના કોશનો ઉપયોગ કરી પાણી ખેંચવામાં આવતું. આ ખુલ્લા અંદાજે દશ મીટર ઊંડા ગાળવામાં આવ્યા હતા. હવે ટયૂબ વેલ બનાવવામાં આવ્યા છે. તે ૪૦૦ મીટર ઊંડા છે. તે પણ સુકાઈ જાય છે. પશ્ચિમ ભારતમાં હાથે ગાળેલા પરંપરાગત કૂવાઓ અને લાખો ‘ટયૂબ વેલ’ સૂકાઈ ગયા છે. દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં હાથે ગાળેલા કૂવાઓ પૈકી બે તૃતિયાંશ કૂવા નિષ્ફળ ગયા છે. એક દાયકા પહેલા જેટલી જમીનની સંિચાઈ થતી હતી તેથી અડધા ભાગનીમાં આજે સંિચાઈ થાય છે. ગુજરાત અને તામિલનાડુમાં આખેઆખા જીલ્લામાંથી અનેક લોકો હિજરત કરી જાય છે. ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકો પાણી વિનાના પ્રદેશમાં રહી શકતા નથી. તેઓ લાખોની સંખ્યામાં હિજરત કરી શહેરોમાં જાય છે અને ઝૂંપડપટીમાં વધારો કરે છે અથવા બાંધકામના કારીગરો અને મજૂરોની ટોળકીઓ સાથે માર્ગો પર સફર કરતા જોવા મળે છે.

જેમ જેમ કૂવા અને બોરના પાણીની સપાટી નીચે જાય છે ખેડૂતો સસ્તા દરે અપાતી વિદ્યુત ઊર્જાનો ઉપયોગ પાણીને ખેંચવામાં કરે છે. સરકારો પાસે તેમને અટકાવવા કોઈ રસ્તો હોતો નથી. જો ખેડૂતો પમ્પીંગ માટે જે વિદ્યુત ઊર્જા વાપરે છે તે માટે બજારની કંિમત લેવામાં આવે તો ખેડૂતો તેવી ઊર્જા ખરીદશે નહીં. પરિણામે વરસાદના પાણીથી જે પાક ઉત્પન્ન થાય તેટલો જ થશે. ઘણી વખત પમ્પીંગમાં એટલા પ્રમાણમાં વિદ્યુતઊર્જાની જરૂર પડે છે તેને પહોંચી વળવા સ્ટેગરીંગ અને બ્લેકઆઉટનો આશરો લેવો પડે છે. અહીં જ પમ્પીંગની મર્યાદા આવી જાય છે.

તુષાર શાહના સંશોધન મુજબ ચૌધરી અત્યંત કાર્યક્ષમ અને કુદરતી પરિસ્થિતિની જાળવણીની ચંિતા સેવતો તેના વિસ્તારનો ખેડૂત છે. તેને પોતાનું ડેરીફાર્મ છે. પરંતુ થોડા ઉંડા ઉતરીએ તો તેની કાર્યક્ષમતા જ દર્શાવે છે કે ત્યાં પાણીના અર્થશાસ્ત્રનું કેવું પાગલપન છે ? તે વિદ્યુત પંપ દર કલાકે બાર ઘન મીટર પાણી ખેંચે છે. જ્યારે તેને પોતાના ખેતરમાં સંિચાઈ કરવાની હોય છે ત્યારે તે વર્ષમાં ચોવીસ વખત સંિચાઈ કરે છે. તેને જેટલા પાણીની જરૂર છે તે ખેંચવા ચોસઠ કલાક પમ્પ ચલાવો પડે છે. સરવાળે તે એક વર્ષમાં ૧૮૦૦૦ ઘન મીટર પાણીનો ઉપયોગ ઘાસચારો ઉગાડવા માટે કરે છે. તેના થકી તેને ૯૦૦૦ લિટર દૂધ મળે છે. તેનો અર્થ એ થયો કે દૂધના દરેક લીટર માટે તે ૨૦૦૦ લીટર પાણી વાપરે છે. આ તો તે વિસ્તારની સરેરાશ કરતાં સારી પરિસ્થિતિ છે. ઘણાં લોકો ડેરી ઉદ્યોગને ‘શ્વેત ક્રાંતિ’ કહે છે. પરંતુ તુષાર શાહના મતે ગુજરાતમાં પાણીની કટોકટીનું તે એક મોટું કારણ છે. આ રીતે તો ગણિત માંડી શકાય કે બે જીલ્લાઓ એકલા ખરેખર તો ૧.૫ ઘન કિલોમીટર પાણીની દૂધના રૂપે નિકાસ કરે છે. આ કાર્યક્ષમ અને કુદરતી પરિસ્થિતિની પ્રત્યે જાગૃત ખેડૂત ચૌધરી સમજે છે અને સચંિત છે. તે કહે છે કે એક દિવસ આ રીતોનો પાણી બિલકુલ અદ્રશ્ય થઈ જશે.

આ ભૂગર્ભ પાણીના ઉપયોગ અંગેની ભારતમાં પ્રવર્તતી અરાજકતાનું અન્યત્ર પણ પુનરાવર્તન થાય છે. ચીનથી માંડી ઈરાન અને ઇન્ડોનેશિયા માંડી પાકિસ્તાનમાં પાણીના બહોળા અપકર્ષણના લીધે નદીઓ સુકાઈ જાય છે. લાખો નાના ખેડૂતોએ પમ્પ ખરીદ્યા છે અને તેઓ ખેતરો નીચેના ભૂગર્ભમાંથી પાણી ખેંચે છે. તુષાર શાહના અંદાજ પ્રમાણે ભારત, ચીન અને પાકિસ્તાન સંભવતઃ દર વર્ષે ૪૦૦ ઘન કિલોમીટર પાણી પમ્પ વતી ખેંચે છે. આ ત્રણ દેશો દુનિયાના દેશો ખેતીવાડી માટે કુલ જે ભૂગર્ભ જળ વાપરે છે તેનો અડધોભાગ વાપરે છે.

દરમ્યાનમાં છેલ્લા દાયકામાં વિયેટનામના ખેડૂતોએ ટયૂબવેલની સંખ્યા ચાર ગણી કરીને દશ લાખથી પણ વધારે કરી છે. શ્રીલંકા, ઇન્ડોનેશિયા, ઇરાન અને બાંગ્લાદેશ બહુ પાછળ નથી. એશિયાની બહાર પણ વસ્તીની ઘટ્ટતા ભારે છે તેવા દેશો મેકિસકો, આર્જેન્ટીના, બ્રાઝીલ અને મોરોક્કોમાં આવી ક્રાંતિ આવી રહી છે. અમેરિકા પણ વિકાસ માટે અનાજ ઉગાડવા અને ગોમાંસ મેળવવા પોતાના કીંમતી ભૂગર્ભ જળ સ્ત્રોતોને ખાલી કરી રહેલ છે.

અમેરિકામાં વોશંિગ્ટન ડીસીમાં આવેલ અર્થપોલિસી ઇન્સ્ટિટયૂટના અઘ્યક્ષ લેસ્ટર બ્રાઉનના મતે તાજેતરના વર્ષોમાં ખેતપેદાશોનું ઉત્પાદન મબલખ કરી શકાય તેટલું મળ્યું છે તે શક્ય બનાવવાનું કારણ જલ્દીથી ઘટી રહેલ સ્ત્રોત પર બેરોકટોક હુમલાઓ છે. આને તે ‘ફુડ બબલ’ કહે છે. ખાદ્યપેદાશનો પરપોટો કહે છે. તેના મતે આ પરપોટો જરૂરથી ફૂટવાનો છે. છેવટે અનિવાર્ય રીતે ભૂગર્ભ જળના સ્ત્રોતોની નિષ્ફળતાના પરિણામો મહા આફત લાવશે. અલબત્ત આવું સર્વત્ર એક સાથે થશે નહીં. એક પછી એક પરપોટા ફૂટતા હોય તેમાં વિવિધ જળસ્ત્રોતો ખતમ થતા જશે. દરેક વખતે જગતની પોતાનું પેટ ભરવાની ક્ષમતા ઘટતી જશે. આવી કટોકટી માત્ર વિકાસ પામતા દેશો પૂરતી મર્યાદિત નહીં હોય. એક ગણત્રી પ્રમાણે જે ભૂગર્ભ જળનો વરસાદ પડવાથી ફરીથી સંચય નથી થવાનો તેની મદદથી દુનિયાના ખાદ્યાન્ન ઉપજનો દશ ટકા હિસ્સો પેદા થાય છે. ધનિક જગતનો મોટો ભાગ એવા પાકની આયાત કરે છે જે ભૂગર્ભ જળના ઉપયોગથી ઉત્પન્ન થાય છે. તેમાં પાકિસ્તાનનું રૂ, થાઇલેન્ડના ચોખા, ઇઝરાયેલના ટમેટા, ઇથિયોપિયાની કોફી, સ્પેનની નારંગી અને ઓસ્ટ્રેલિયાની ખાંડ આવે છે.

આપણને ખબર નથી કે એક કિલોગ્રામ ચોખા ઉગાડવા ૨૦૦૦થી ૫૦૦૦ લિટર પાણીની જરૂર પડે છે. કેટલાય ઘરોમાં એક અઠવાડિયામાં આટલું પાણી વપરાય છે. એક કિલોગ્રામ ઘઉં ઉગાડવા ૧૦૦૦ લિટર પાણીની જરૂર પડે છે. એક પાઉન્ડ (૪૫૪ ગ્રામ)ના ચોથા ભાગ જેટલું હેમબર્ગર બનાવવા ગાયને જે ઘાસચારો ખવડાવવો પડે તે ઉગાડવા ૧૧૦૦૦ લીટર પાણીની જરૂર પડે છે. ૨૦૦૦ થી ૪૦૦૦ લીટરનો વપરાશ ગાયના આંચળામાં એક લીટર દૂધ ભરવા માટે થાય છે.

એક કિલોગ્રામ ખાંડ ઉત્પન્ન કરવા ૩૦૦૦લિટર પાણીનો વપરાશ કરવો પડે છે. કોફીની એક કિલોની બરણી માટે ૨૦,૦૦૦ લિટર એટલે કે ૨૦ ટન પાણી વપરાય છે. તમારા કોફીના પ્યાલામાં એક ચમચી ખાંડ માટે પચાસ પ્યાલા પાણીની જરૂર પડે છે તે કોફીને પણ ઉગાડવા ૧૪૦ લિટર અથવા ૧૧૨૦ કપ પાણી વપરાય.

એક ટી-શર્ટ બનાવવા ૨૫૦ ગ્રામ રૂની જરૂર પડે એટલું રૂ ઉગાડવા જે પાણીની જરૂર પડે તેનાથી પચ્ચીસ બાથટબ ભરાઈ શકે.

આ રીતે વપરાતાં પાણીને ‘વર્ચ્યુઅલ વોટર’ એટલે કે ‘આભાસી પાણી’ કહે છે. તે ઉગાડવાના અને ઉત્પાદનના કામ માટે વપરાય છે. તેનો દર વર્ષે વેપાર લગભગ એક હજાર ઘન કિલોમીટર પાણીનો ગણી શકાય જે વીસ જેટલી ઇજીપ્તની નાઈલ નદી જેટલો થાય.

આ રીતે આંતરરાષ્ટ્રીય વેપારમાં વર્ચ્યુઅલ વોટરનો કેટલો વિશાળ રાશિ કેટલા લાંબા અંતર સુધી જાય છે. તે જગતના ભૂગર્ભ જળસ્ત્રોતોને ખાલી કરી રહેલ છે. તો પ્રશ્ન એ છે કે આપણી પાસે ઉપાય શું છે ?

ભારત સરકારની અન્ય કેટલાક દેશોની સરકારની જેમ દેશની નદીઓના જોડાણ કરવાની યોજનાઓ છે. પરંતુ મોટાભાગની નદીઓ જ્યારે સૂકાઈ જાય છે ત્યારે આ યોજનાથી વ્યવહારમાં કેટલો લાભ મળશે તે પ્રશ્ન છે. વળી તેની પાછળ થનારો ખર્ચ અંદાજે ૨૦૦ અબજ ડોલર થવા જાય તેમ છે.

પરંતુ એક બીજો વિકલ્પ છે. ભારતના પાણીની ખાસિયત એ છે કે મોટા ભાગનું પાણી નદીઓમાં પ્હોંચતું નથી કે ભૂગર્ભમાં સંગ્રહાતું નથી. ચોમાસાંના વરસાદનું પાણી કાંતો સૂર્યની ગરમીથી બાષ્પીભવન પામી જાય છે અથવા તો ઝડપથી પૂર રૂપે વહી જાય છે તેથી એક ઉપાય કે જેના વિશે વ્યાપક ચર્ચા થઈ રહી છે તે વરસાદના પાણીને ઝીલીને સંગ્રહવાની રીત છે. તેને ‘જળસંચય’ કહે છે જળસંચયની ઘણી રીતો અજમાવાની શરૂઆત થઈ ગઈ છે.

ઓગણીસમી સદીના આરંભ સુધી ભારતમાં ઠેર ઠેર ખીણનાં તળિયે છીછરાં માટીની દિવાલવાળા સંગ્રાહકો હતા. તેમાં ચોમાસામાં પાણીનો સંચય થતો હતો. તેનાથી સંિચાઈ થતી હતી ભારતના લોકો તેને ‘ટાંકા’ કહેતા હતાં.

તમે આજે પણ જૂની તળાવડી અને તળાવો ગામડાઓમાં અને શહેરોમાં ખરાબાની જમીનમાં જુઓ છો, મોટાભાગના બિનઉપયોગી પડ્યા છે. પરંતુ હવે નદીઓ સૂકાઈ જાય છે અને ભૂગર્ભ જળસ્ત્રોતો પણ સૂકાઈ જાય છે ત્યારે આ તળાવડી, તળાવો અને ટાંકાઓને પુનર્જીવિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. બેંગ્લોરમાં સાઠ જેટલા પ્રાચીન તળાવોને પુનર્જીવિત કરી ભૂગર્ભ જળસ્ત્રોતોમાં પાણીના સ્તર ઊંચે લાવવા પ્રયાસ થઈ રહ્યા છે. દિલ્હીના કેટલાક ભાગોમાં જૂના ટાંકા અને તળાવડીઓમાંથી કચરો દૂર કરવામાં આવ્યો છે અને તેમાં પાણી ભરવામાં આવેલ છે. જો આ પ્રયાસો વ્યવસ્થિત રીતે થાય તો દિલ્હીને ત્રીજા ભાગનું પાણી જળસંચયથી મળે. અમદાવાદ શહેરમાં કેટલાંક તળાવો સફાઈ કરી, ઉંડા કરી તેમાં પાણી ભરવામાં આવ્યા છે અને કેટલીક તળાવડીઓ પુનર્જીવિત કરવામાં આવી છે. પરિણામે ભૂગર્ભ જળ ઉંચે આવ્યા છે. માત્ર અમદાવાદ જ નહીં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મોટાપાયે જળસંચય અભિયાન ચાલી રહ્યું છે. અનેક ચેક ડેમો બાંધવામાં આવ્યાં છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં ૨૦૦૦૦ ગામડાંઓ જળસંચયમાં જોડાયેલ છે.

જળસંચયનો ભલે ભારતમાં પાયો નંખાયો હોય, પરંતુ મેકિસકો, પેરૂ, ચીન અને તાન્ઝાનિયા જેવા દેશોમાં પણ તેના પ્રયાસો થવા લાગ્યા છે.

Top

Copyright   © Gujarat Samachar