home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

ગર્ભ-સંહિતા

સગર્ભાએ ભય, શોક અને કંકાસ ટાળવા જોઈએ

એક પરિણીતા લગ્ન કરીને પતિગૃહે આવ્યા બાદ સતત ભય ગ્રંથિથી પિડાતી રહેતી હતી. પતિનો સ્વભાવ ખુબ કડક અને ક્રોધી હતો, અને તેને વાતે વાતે વાંકુ પડી જતુ હતું. પતિને ઘરમાં બઘું જ સુઘડ, સ્વચ્છ અને સુવ્યવસ્થિત રહે તેનો અતિશય આગ્રહ રહેતો હતો. આ ભાવના સારી કહેવાય, પણ તેનો અતિરેક થાય ત્યારે ગૃહિણી માટે ત્રાસદાયક બની જાય. અહીં તેવું જ હતું. ચાદર પર સહેજ કરચલી પડેલી દેખાય તો પણ આ ગૃહિણી પતિના કોપનો ભોગ બની જતી હતી. તું ગામડાની ગમાર છે, તને કશું ભાન પડતું નથી, તેવા શબ્દો સાંભળવા પડતા હતા. તેના પરિણામે આ ગૃહિણીને હંમેશા એવો ડર રહેતો હતો કે, મારી ક્યાંક ભૂલ તો નહીં થઈ જાય ને?

વળી આ ભીરૂ કન્યા લગ્ન પહેલા એક નાનકડા ગામડામાં રહેતી હતી. તેણે પોતાના ગામ સિવાય બહાર ક્યાંય પગ પણ મુક્યો ન હતો. તેના લગ્ન પછી તરત મોટા શહેરમાં રહેવાનું આવ્યું, તેના કારણે પણ તે અસલામતી અને ભયની લાગણી અનુભવતી હતી.

આ પરિણીતા ગર્ભવતી બની, અને પૂત્રનો જન્મ થયો. તે પૂત્રમાં બાળપણથી જ માતાની આ મનોદશાની છાપ દેખાતી હતી. આ પૂત્ર પ્રવાસ કરવાથી ખુબ ડરતો હતો. એક વખત તેની શાળાના પ્રવાસમાં તેને મોકલ્યો, ત્યારે બસમાં તેને એટલે બધો ભય અનુભવાતો હતો, કે તે સમગ્ર પ્રવાસ દરમ્યાન સતત રામનામનું રટણ કર્યા કરતો હતો.

ધીમે ધીમે તે આ ડરથી મુક્ત થયો, પરંતુ કિશોરાવસ્થા પસાર કર્યા બાદ તે જીવનના પડકારોનો સામનો કરવામાં ભય અનુભવતો હતો. પરિણામે તે ડિપ્રેશનનો ભોગ બન્યો.

દેખિતી રીતે સગર્ભાવસ્થામાં માતાની મનોદશાની છાપ આ બાળક પર પડેલી દેખાતી હતી. જો તેની માતા અને પરિવારજનો આયુર્વેદમાં દર્શાવેલા ગર્ભિણી પરિચર્યાના નિયમો જાણતા હોત, તો કદાચ બાળક ભય અને ડિપ્રેશનથી મુક્ત રહી શક્યુ હોત.

આયુર્વેદમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જે સગર્ભા સ્ત્રી અત્યંત શોકગ્રસ્ત અને ભયભીત રહેતી હોય, તેનું બાળક ડરપોક આવે છે.

માત્ર ભય કે શોક નહીં, માનવીની જૂદી જૂદી નકારાત્મક અને સકારાત્મક લાગણીઓથી ગર્ભસ્થ શિશુ પર કેવી છાપ પડે છે તેનું આયુર્વેદમાં ઉંડુ સંશોધન થયું છે.

તે મુજબ જે સગર્ભા સ્ત્રી કલહકંકાસ વધારે કરે, તેનું બાળક અપસ્માર એટલે કે વાઈ, જેને અંગ્રેજીમાં એપીલેપ્સી કહે છે તે રોગ ધરાવતુ હોવાની શક્યતા છે. તો સગર્ભાવસ્થામાં ચોરી કરતી અને કુટુંબનો કે પતિનો દ્રોહ કરતી સ્ત્રીનું બાળક અકર્મણ્યશીલ એટલે કે કામ કરવામાં આળસ ધરાવતુ અને મફતમાં ખાવાની વૃત્તિ ધરાવતુ આવે તેવી સંભાવના રહે છે.

જે સ્ત્રી વાતવાતમાં ક્રોધિત થઈ ઉઠે, સહનશીલતા ન રાખે તેનું બાળક કપટી અને પરનંિદામાં રસ ધરાવનારૂ આવે તેવી સંભાવના છે. તો સગર્ભાવસ્થામાં અતિશય સંભોગ કરનાર સ્ત્રીનું બાળક નિર્લજ્જ અને સ્ત્રૈણ પ્રકૃતિ ધરાવતુ આવે તેવું આયુર્વેદમાં વિધાન છે.

સગર્ભાવસ્થામાં ભય, શોક, ત્રાસ અને ઉદ્વેગ મનમાં પેદા થવા દેવા નહીં, તેવું આયુર્વેદ કહે છે. તેનાથી શું પરિણામ આવે તે પણ તેમાં દર્શાવાયુ છે. અને હવે આઘુનિક તબીબી વિજ્ઞાન પણ અનેક સંશોધનો પછી તે જ પ્રાચીન મતનું સમર્થન કરે છે.

આયુર્વેદ અનુસાર જે જે કંઈ આપણી પાંચ ઈન્દ્રિયોને અનુકુળ હોય, તે કરવુ સગર્ભાવસ્થામાં હિતકર છે. ઈન્દ્રિયોને જે પ્રતિકુળ હોય તે અહિતકર છે. આંખ, કાન, નાક, મુખ અને ત્વચા એ પાંચ ઈન્દ્રિયો છે. આ ઈન્દ્રિયો દ્વારા આપણે રસ, રંગ, ગંધ, સ્પર્શ અને સ્વાદ વગેરેની અનુભૂતિ કરીએ છીએ. કાનથી શ્રવણ થાય છે. કર્ણપ્રિય સંગીત સાંભળવુ એ કર્ણેન્દ્રિય માટે અનુકુળ ગણાય,જ્યારે ઘોંઘાટ, શોરબકોર અને ઉંચા અવાજો કર્ણેન્દ્રિય માટે પ્રતિકુળ ગણાય. ગર્ભવતી સ્ત્રીએ કર્ણપ્રિય આનંદદાયક સંગીત સાંભળવુ અને મનગમતી વાતચીત કરવી એ હિતકર છે.

તેવું આંખ માટે પણ છે. મનને અણગમતા, ઉદ્વેગ ઉત્પન્ન કરે તેવા દ્રશ્યો સગર્ભાએ જોવા જોઈએ નહીં. તે પ્રકારે અણગમતી વાસ, અણગમતો સ્પર્શ વગેરે પણ સગર્ભાવસ્થામાં ત્યજવા જોઈએ.

આ ઉપરાંત સગર્ભા સ્ત્રીએ રાત્રિ જાગરણ કરવુ નહીં અને દિવસે ઉંઘવુ નહીં, તેવો નિયમ પણ આયુર્વેદમાં દર્શાવાયો છે. વળી ઉંચા સાદે બોલવાનો પણ નિષેધ કરાયો છે.

માત્ર સગર્ભા સ્ત્રી આ જાણતી હોય પરંતુ પરિવારજનો અનુકુળ ન હોય તો તે સ્ત્રી નિઃસહાય બની જાય છે. સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે પરિવારજનોની પણ એ ફરજ બની જાય છે કે તેને ભય, શોક કે ગ્લાનિ ઉત્પન્ન થાય તેવું કોઈ વર્તન કરવુ નહીં. તેને હંમેશા આનંદમાં રાખવી અને તેનું મન ખુશીથી હર્યુભર્યુ રહે તેવું વાતાવરણ ઉભુ કરવુ, તે પરિવારની જવાબદારી છે.

Copyright   © Gujarat Samachar