home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

અંગત અંગત

નપુંસકતા ટૂંક સમયની બીમારી પણ હોઈ શકે

બાબુભાઈની ઉંમર ચોત્રીસ વર્ષની છે. બાળપણથી જ તેમનું મગજ સહેજ અવિકસીત રહી જવા પામ્યું છે. ડૉક્ટરો કહે છે કે, તેને ‘મંદબુદ્ધિ’, ‘માઇલ્ડ મેન્ટલ રીટાર્ડેશન’ છે.

આ સાથે તેને વાઈ અથવા ખેંચ તરીકે ઓળખાતો એપિલેપ્સી નામનો રોગ પણ છે, જેને માટે છેલ્લા બે દાયકાથી બાબુભાઈ ખેંચ અટકાવવા માટેની દવાઓ લઈ રહ્યા છે.

મંદબુદ્ધિ માટે કહે છે કે કોઈ દવા નથી હોતી. અલબત્ત, બાબુભાઈ પૈસાપાત્ર કુટુંબમાં હોવાને કારણે તેમની કાળજી તથા ઉછેર સારી રીતે થઈ રહ્યાં છે.

આથી હજુ સુધી તેમનો કોઈ મોટી સામાજિક મુશ્કેલીનો સામનો કરવાનો વાર નથી આવ્યો, પણ હવે લગ્નની વાત રહી રહીને આવે છે. અને બાબુભાઈના સ્વજનો તથા પાલકોને દહેશત છે કે બઘું સમુસૂતરું પાર ઉતરશે કે નહીં ?

મોટી વાત હતી સહુ ડૉક્ટરને પૂછી રહ્યા હતા કે, બાબુભાઈના લગ્ન કરવાં જોઈએ કે નહીં ? તેઓને ડર એ વાતનો હતો કે આજથી પાંચેક વર્ષ પૂર્વે પણ આ જ રીતે તેઓએ બાબુભાઈના લગ્ન લેવડાવ્યા હતાં.

પણ છોકરી એક જ અઠવાડિયામાં તેઓ ‘નપુંસક’ છે એવું કહીને પિયર પાછી ચાલી ગઈ હતી. વચ્ચેના ગાળામાં એક ધંધાદારી સ્ત્રીનો સંગ કરાવી, પ્રયોગ ખાતર તેઓએ બાબુભાઈને ચેક કરી જોવડાવ્યાં હતા; જેમાં પણ સારા પરિણામો નહોતાં મળ્યા હવેકોઈકના કહેવાથી તેઓ ડૉક્ટરની સલાહ માટે આવ્યા હતા.

તેનું મૂળ કારણ એ હતું કે બાબુભાઈ પોતે લગ્ન કરવા માટે ખાસ્સા ઉત્સુક હતા અને એક છોકરીવાળા તરફથી માંગુ પણ આવ્યું હતું.

આ વખતે ભૂલ ન થઈ જાય અને નામોશી ન વહોરવી પડે એટલા માટે તેઓ ડૉક્ટરી અભિપ્રાય લઈ રહ્યા હતા.

બીજા એક કિસ્સામાં સહેજ જુદું બને છે. એમાં આડત્રીસ વર્ષના કુંવારા પ્રવીણભાઈ જાતે પોતાની તપાસ કરાવવા આવે છે.

તેઓ આજપર્યંત એવું માનતા આવ્યા હતા કે પોતે ‘નપુંસક’ છે અને એટલા માટે લગ્નની વાતચીતો ટાળતા આવ્યા હતા.

પણ હવે કૌટુંબિક દબાણ આગળ અને સામાજિક સંજોગો આગળ ઝુકવું પડે તેમ હોવાથી તેઓ ‘ચેકંિગ’ કરાવવા માંગતા હતા. અલબત્ત, તેમની પોતાની લગ્ન માટે સહેજ પણ તૈયારી કે ઇચ્છા નહોતી.

આવા અનેક કિસ્સાઓમાં નિર્ણય માટે ડૉક્ટરોને પૂછવામાં આવતું હોય છે. એ અંગે કેટલીક સામાન્ય ગાઇડલાઇન્સ અપાવી જોઈએ. જેમ કે ઃ

(૧) લગ્ન અંગેનો અંતિમ નિર્ણય દર્દી અથવા તેમના સ્વજનોએ કરવો જોઈએ, ડૉક્ટરે નહીં.

(૨) અલબત્ત, ડૉક્ટર આવનારી જાતીય સમસ્યાઓ અંગે વૈજ્ઞાનિક માળખામાં સમાવિષ્ટ થઈ શકે તેટલી સ્પષ્ટતાઓ કરી શકે.

(૩) ભૂતકાળના એકાદ નિષ્ફળ પરફોર્મન્સ ઉપરથી એવું ચોક્કસપણે ન કહી શકાય કે દર્દી નપુંસક છે અને એમ જ રહેશે.

(૪) એવી ખાતરી ન આપી શકાય કે તેના આગામી લગ્નજીવનમાં તે સંપૂર્ણ સફળ થશે જ.

(૫) આ ભાવિ અચોક્કસતાઓ એટલા માટે હોય છે કે સફળ પરફોર્મન્સ અને સફળ કામજીવનનો આધાર અનેકાનેક વસ્તુઓ પર રહેલો હોય છે, જેવી આવડત, સમજ, ઇચ્છાઓ તથા જીવનસાથીનો સહકાર.

(૬) ઉપરના પહેલા કિસ્સામાં મૅન્ટલી રિટાર્ડેડ બાબુભાઈ કામકર્મમાં નિષ્ફળ જઈ શકે તે માટેનાં ઘણાં કારણો હતા, જેવાં કે લાંબા ગાળાની ખેંચને કારણે મનમાં વ્યાપેલી ક્ષીણતા, લધુતાગ્રંથિ, ખેંચની દવાઓના લાંબા ગાળાના સેવનને કારણે સ્વભાવમાં પ્રવેશેલાં પરિબળો, મંદબુદ્ધિને કારણે ઉભી થયેલી જાતીય ગેરસમજો, જાતીય મુશ્કેલીઓને પહોંચી વળવા માટેની બૌદ્ધિક સામર્થ્યની ઓછપ, કોઈ પણ પ્રકારના જાતીય અભિવ્યક્તિઓ વગર પસાર કરેલું દીર્ઘજીવન, શારીરિક ખોડખાંપણ તથા ગેરમાન્યતાઓ ધરાવતી પત્નીની ઉપસ્થિતિ, કેવળ એક અઠવાડિયાના ટૂંકા સાહચર્ય દરમિયાન સર્જાયેલ અરસપરસના વૈચારિક આદાનપ્રદાનનો અભાવ વગેરે.

(૭) એ જ રીતે બીજા કિસ્સાઓમાં પ્રવીણભાઈને જાતીય મુશ્કેલીઓ ઘણાં કારણોસર જન્મી શકે એમ હતું. પહેલું તો એ કે તેઓ પોતે કશા જ દેખીતા કારણ વગર આટલાં વર્ષોથી નપુંસક હોવાની તીવ્ર ચંિતા, ગેરમાન્યતા લઈને ફરતા હતા.

આથી તેઓ ‘જાતીય આનંદ’ને બદલે ‘જાતીય સામર્થ્ય’ વિષે જ વિચારવામાં વ્યસ્ત રહેતા. પોતાની આ ચંિતા એટલી ઊંડી અને વ્યાપક હતી કે તેઓ તમામ પ્રકારની ‘અંગત કામપ્રવૃત્તિઓ’, ‘સોલિટરી સેક્સ્યુઅલ એક્ટિવિટીઝ’માંથી પણ રસ ગુમાવી બેઠા હતાં અને માત્ર સામાજિક દબાણોને કારણે જ લગ્ન કરવા તૈયાર થયા હતા.

(૮) આમ છતાં માનસિક સંતુલન, સ્થિર સમાજજીવન, સમજવાની તૈયારી તથા સમજદાર જીવનસાથી મળી શકવાની શક્યતા વગેરે એવાં પરિબળો પણ હતાં જે તેમને મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરી શકે.

(૯) સરવાળે એવું કહી શકાય કે કેવળ જનનાંગોના ચેકંિગથી કહી શકાતું નથી કે વ્યક્તિ સેક્સ ભોગવવા સમર્થ નીવડી શકશે કે કેમ.

તે જ ભૂતકાળના એકાદ પ્રસંગ પરથી પણ ભવિષ્ય અંગે ખાતરીપૂર્વક કશું જ ન કહી શકાય.

(૧૦) આથી ઉલટું એ કે જે પુરુષના સેક્સજીવનનાં ચાર મહત્ત્વના પાસાઓ- કામેચ્છા ઉત્થાન, યોનિ-પ્રવેશ તથા સ્ખલન લાંબા ગાળા સુધી વ્યવસ્થિતપણે કાર્ય કરતાં હોય, તેઓના ડર અકારણ હોય એવું મોટે ભાગે બનતું હોય છે.

(૧૧) અલબત્ત, આવા નિરોગી પુરુષોના ભાવિ સફળ કામજીવન માટે પણ પત્ની સાથેના પારસ્પરિક સંબંધો, સૂઝબૂઝ, સમજ વગેરે હોવાં અનિવાર્ય છે.

(૧૨) જેણે ક્યારેય કામાનુભવ લીધો નથી તેવા પુરુષના ભાવિ કામજીવનની સફળતા અંગે કઈ રીતે કહી શકાય ?

એક વૈજ્ઞાનિક તથ્ય એવું છે કે જે પરિણીત પુરુષ હસ્તમૈથુન (કામેચ્છા, ઉત્થાન, સ્ખલન, આનંદ સહિત) સફળતાપૂર્વક કરી શકતો હોય તેને જો યોગ્ય, આકર્ષક, સમજદાર જીવનસાથી મળે તો કામજીવનમાં ખાસ મુશ્કેલી પડવાની શક્યતા નથી.

(૧૩) અલબત્ત, અહીં પણ જો અને તોની વાત આવે છે. ચેકંિગ પ્રથાના ફાયદા કરતા ગેરફાયદા વિશેષ છે. તેની અનેક મર્યાદાઓ પણ છે.

સામાન્ય સંજોગોમાં બરાબર કામકર્મ કરી શકતો પુરુષ ચેકંિગ દરમિયાન નિષ્ફળ જઈ શકે છે. આથી ઉલટું ચેકંિગમાં સફળ નીવડનાર વ્યક્તિ શયનખંડમાં નિષ્ફળ જઈ શકે છે.

(૧૪) કેટલાક વળી લેખિત ડૉક્ટરી રિપોર્ટનો આગ્રહ રાખતા હોય છે. તેઓનાં સંતોષ માટે ડૉક્ટરો વીર્યની તપાસનો રિપોર્ટ કાઢી આપતા હોય છે, જે કશા કામનો નથી કેમ કે, નપુંસકતા સાથે પણ વીર્ય સ્ખલન થવું સંભવિત છે અને એ વીર્ય તદ્દન નોર્મલ હોઈ શકે છે. વીર્યના રિપોર્ટથી કેવળ પ્રજનનક્ષમતા વિષે જાણી શકાય, પુંસત્વ વિષે નહીં.

(૧૫) એ જ રીતે વ્યક્તિની ઉલટતપાસ લઈને પણ નિદાન નથી કરી શકાતું ઘણીવાર છોકરીવાળાઓ આવીને કહે છે કે પુરુષ નપુંસક છે કે નહીં તે કહી આપો.

છોકરો મોટે ભાગે એવું જ કહે છે કે છોકરી જૂટ્ઠું બોલે છે અને મામલો કોર્ટ કચેરીએ પહોંચે છે. આ માટે પણ એવો કોઈ તબીબી રિપોર્ટ આવતો નથી જે પુરવાર કરી શકે.

(૧૬) એન.પી.ટી. મોનિટરંિગ નામના સાધનથી પણ એટલું જ જાણી શકાય છે કે નપુંસકતા હોય તો તેનું કારણ શારીરિક કે માનસિક છે ?

ચેકંિગ માટે ઇન્ટ્રાપીનાઇલ વાઝોડાઇલેટર દવાઓના ઇન્જેક્શનો મૂકવાથી ધારો કે ઉત્થાન આવે તો ય તે એટલું જ પુરવાર કરે છે કે, ઇન્દ્રિય ‘ઉત્થાનક્ષમ’ છે.

આથી છોકરો શયનખંડમાં સફળ નીવડશે જ તે પ્રકારની કોઈ ખાતરી આપી શકાતી નથી.

(૧૭) આ મુદ્દો વધારે ત્યારે ગૂંચવાશે જ્યારે માનવ મૂલ્યો, અધિકાર અને સામાજિક જવાબદારીની વાત આવે છે.

કેવળ છોકરા પર એકવાર નપુંસક હોવાનો આક્ષેપ થયો છે, અથવા તો મંદબુદ્ધિને કારણે તેને સમજ પડતી નથી એ કારણોસર તેને જાતીય જીવનથી અલિપ્ત અથવા વિમુખ રાખીએ એ સહેજે ઉચિત નથી.

(૧૮) તો સામે પક્ષે, જે પુરુષ પોતે સ્ત્રીને એક ખબાજુ કામસુખ આપવા સમર્થ નથી તેવું જાણતો હોય, તેણે છોકરીને અંધારામાં ય ન રાખવી જોઈએ.

આમ એક બાજુ વ્યક્તિગત હક છે તો બીજી બાજુ સામાજિક જવાબદારી છે. આ બંનેને એક સાથે ભોગવવાં, નિભાવવા જરૂરી છે, જે ક્યારેક મુશ્કેલ નીવડે છે.

(૧૯) સ્વજનોની જવાબદારી એ રહે છે કે, તબીબી અભિપ્રાય મેળવે પણ તેની મર્યાદા સમજે.

અને આ પરિસ્થિતિની સંકીર્ણતા સમજીને આગળ વધે. સામા પક્ષને વિશ્વાસમાં લે. બને તેટલી વૈજ્ઞાનિક માહિતીઓને જાણે અને પછી જ નિર્ણય લે.

(૨૦) કેમ કે જે રીતે મંદબુદ્ધિના યુવકનો સેક્સ્યુઅલ પરફોર્મન્સ નોર્મલ પણ હોઈ શકે છે તે જ રીતે કેટલાક તબીબી રિપોર્ટોમાં તદ્દન નોર્મલ જણાતા યુવકને લગ્નશૈયા પર તકલીફ પહોંચી શકે છે.

(૨૧) તેમ છતાં તબીબી અભિપ્રાય ક્યારેક એટલો કામ લાગી શકે છે કે જ્યારે તદ્દન નોર્મલ માણસને અમથો જ ભય લાગ્યા કરતો હોય અથવા તદ્દન ઉપજાવી કાઢેલા આક્ષેપો વ્યક્તિ પર થયા હોય, અથવા અપવાદરૂપ જોવા મળતી ખૂબ મોટી શારીરિક ખોડખાંપણ વ્યક્તિમાં રહેલી હોય !

(૨૨) આપણી આ અંગેની એક ખોટી માન્યતા એ હોય છે કે, ‘નપુંસકતા’ એ કાયમી બીમારી છે. ઘણા કિસ્સાઓમાં એવું નથી હોતું. ક્યારેક નપુંસકતા એ શરદી, ખાંસીની જેમ કામચલાઉ બીમારી પણ હોઈ શકે છે. જરૂરી નથી કે એ આજીવન ખોડખાંપણ જેવી જ હોય.

Copyright   © Gujarat Samachar