home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

ઉનાળાને જોવાની આપણી દ્રષ્ટિ બદલાઈ છે!

ગરમી વધી છે. આ વરસે થોડી વધારે લાગે છે. દર વરસે આવી ઉક્તિઓ ઉચ્ચારાય છે અને કાને પણ પડે છે. આમ તો વિશ્વભરના હવામાનશાસ્ત્રીઓ આ વિષે સમાન અનુભવ ધરાવે છે અને અભ્યાસુ ચેતવણી પણ આપતા રહે છે. પણ, મને એવું લાગ્યા કરે છે કે આ વધતી વયની નિશાની પણ છે. બાળપણમાં ગરમી સહન કરવાની શક્તિ હતી. યાદ પણ નથી આવતું કે ઉનાળાની રજાઓમાં પણ ઘરમાં પૂરાઈ રહ્યા હોઈએ. વડિલો ત્યારે પણ વઢતા. લૂ લાગવાની બીક પણ બતાવતા. લૂ લાગતી પણ નહી. ને છતાંય ટેવ નહોતી છૂટતી. તે સમયે ઓરડે ઓરડે પંખોય નહોતો. મોટેરાંઓ પંખાવાળા ઓરડામાં, કેરીનો રસ પેટમાં પધરાવીને આડા પડખે થતાં. ને છોકરાં અવાજ ન કરે તે માટે આઘા કાઢતાં. ને છોકરાં પણ એ જ ઈચ્છતા. ત્યારે ગરમી પણ નહોતી લાગતી. આજે A.C. હોય એનેય અકળામણ થાય છે.

વાસ્તવમાં ગરમી વધી છે કે પછી સહનશક્તિ ઘટી છે તેનો વિચાર કરવા જેવો છે. ધૈર્ય ઘટ્યું છે. સગવડ અને સુવિધા વઘ્યાં છે. સંપન્ન વ્યક્તિઓની સંખ્યામાં થયેલો નોંધપાત્ર વધારો હવે હવા ખાવાના સ્થળોની ભીડમાં સ્પષ્ટ વરતાય છે. ટ્રેઈનમાં વાતાનુકૂલિત ડબ્બા જલતી આરક્ષિત બની જાય છે. એક સમય હતો જ્યારે આવા ડબ્બા અંદરથી કેવાંક હશે એ જોવાનું ય કૂતૂહલ રહેતું. મોટાભાગના પરિવારના બાળકોની આ ઉનાળાની રજાઓ કુટુુુંબના ભાઈ-બ્હેનો સાથે જ ઉજવાતી. એક જણના ઘેર સહુ ભેગા થાય. જમે, રમે, ધમાલ કરે - લડે-ઝઘડે પણ ખરા. પણ, જેના ઘેર હોય એ મામી, માસી, કાકી કે ફોઈ મોં ના બગાડે. જો કોઈ વાંધો કાઢે તો દાદી કે નાની કહી જ દેતાં કે છોકરાં ધમાલ ના કરે તો કોણ તમે કરવાના? ત્યારે હોટલો તો હતી જ પણ એમાં જવાનો ચાલ ઓછો હતો. પ્રસંગોપાત જ એવી મહેફિલો થઈ શકતી. બાકી તો ઘેર જ જમવાનો રિવાજ. મજાય આવતી. હોટલમાં જવાનું ગમતું નહીં તેવું નહોતું, પોસાય તેમ નહોતું. અને એની સામે ઘેર જમવાનો કંટાળોય નહોતો આવતો. એકનું એક ‘મેનુ’ પણ ભાઈ-બહેનોના સાથમાં સ્વાદિષ્ટ લાગતું. રોટલી-ભાખરી ખૂટાવવાની મઝા આવતી. વણનાર ચિડાય પણ ખરાં અને નવો લોટ ગૂંદતાં મનોમન હરખાય પણ ખરાં. ત્યારે ઘરમાં બની શકે તેવી વાનગીઓની બોલબાલા હતી. મિઠાઈ (મિષ્ટાન્ન) પણ ઘેર જ બને. મોહનથાળથી માંડીને રાબ સુધીનાં વૈવિઘ્ય હતાં. ગળી સેવ પણ આરોગાતી અને સુખડી પણ ઉડાડાતી. નાસ્તાના ય જલસા હતા. સક્કરપારા, તીખી પૂરી, સેવ, ખાખરા - અને આ બધા સાથે અથાણાનો આનંદ. સાંજના ભાણામાં ખીચડી અને ચૂલા પરથી (કોલસાવાળા) ઉતરતી ભાખરી - સાંજે શાક ન હોય, પણ એની ગેરહાજરી ય ન વરતાય. છાશમાં એનોય વિકલ્પ મળી જાય. ડાળાં-ગરમર-લસણ-ડુંગળી અને કેરડાંનાં ય અથાણાં - તાજાં તાજાં ખાવાનાં. આવી ગરમીમાં તીખું ને તળેલું ને તેલવાળું ય નડતું નહોતું. આઈસ્ક્રીમ એ ઉત્સવ ગણાતો. ત્યારે તૈયાર ઠંડા પીણાને બદલે માણેકચોકમાં મળતાં શરબતનો મહિમા હતો. શરબતની એક બોટલ ઘેર આવતી અને એ પાણીમાં નાખીને પીતાં પીતાં ઉનાળો નીકળી જતો. બરફ પડોશીની ઉદારતા પર આધાર રાખતો. તે વખતે તપેલી લઈને સંપન્ન પાડોશીને ત્યાં ફ્રીજનો બરફ લેવા જવાની હરીફાઈ થતી. સંકોચ નહોતો. ન લેનાર શરમાય, ન આપનાર અહંકાર અનુભવે. આખીય વ્યવસ્થા આવી મેળવણ સંસ્કૃતિ પર જ ટકેલી. તે સમયે તો ટેલીફોન પણ એકાદ ઘેર હોય. એનો જ નંબર સહુના સગા પાસે હોય. અનિવાર્ય સંજોગોમાં ફોન આવે ત્યારે બોલાવવા આવવાનો કંટાળો નહિ. ફોન પૂરો થાય પછી ઠંડુ પાણીય પીને ઉઠવાનું. એકના સગા એ સૌના સગા. ફોનવાળા બહેન આ ટેલીફોન પર થતી વાતો વખતેય ત્યાં જ બેસે ને વાત કરનાર પણ કોઈ અચકાટ ન અનુભવે. આને કારણે આ બહેન આખાય મહોલ્લાના લોકોના પારિવારિક પ્રશ્નોથી સુમાહિતગાર રહે. પણ, એનાથી કોઈને કૈં નુકસાન નહીં. સાસરે દુઃખી દીકરીના માવતરનો સંવાદ એ પેટમાં જ રાખે ને ઉપરથી સાંત્વનાના બે બોલ પણ બંધાવે. અંગત પણ ગોપનીય નહોતું ત્યારે. રાખી શકાય તેવું ય નહોતું. બે રૂમ રસોડાનાં ઘર વૈભવ ગણાતા ત્યાં આજની ‘પ્રાઈવસીનો મહિમા’ ક્યાંથી રહે! આવી કોઈ ખાસ અપેક્ષા પણ નહોતી. સાચાં ન પડે એવાં સપનાંનો આનંદ લેવા વરસમાં બે ત્રણ વાર ઘીકાંટા વિસ્તારમાં ચાલતા થિયેટરમાં ફિલ્મ જોઈ આવતા ને પાછા આવી મહિનાઓ સુધી એને મમળાવતા. ફિલ્મોનો એ રંગીન ભ્રમણાનો પ્રદેશ અને પોળના ઘરની એ કઠોર વાસ્તવિકતા વચ્ચે યોજનોનું અંતર હોવા છતાં એ સિમલા અને કાશ્મીર ને ગોવા ને નૈનીતાલ ને તાજમહાલ ને મોહમયી મુંબઈ નગરી એ બઘું એટલું જાણીતું ને પોતીકું લાગતું કે જાણે જાતે જ આંટો મારી આવ્યા હોઈએ! મોટપણે જેને જેને આ સ્થળો જોવાની સગવડ ઊભી થઈ એ બધાનો અનુભવ આ જ રહ્યો હશે કે આ ઝાડ તો મારું જોયેલું! અહીં તો દેવાનંદે ફલાણું ગીત ગાયેલું!

સંતોષ, આનંદ, સુખ, પ્રસન્નતા આ બધા મોટા મોટા અનુભવો સાવ નાના નાના પ્રસંગોમાંથી શોધવાની ટેવ પડી જાય, ને એક વાર એ ટેવ પડી જાય પછી એના વિશે કોઈ મોટી અપેક્ષા કે અભાવ વગર જીવી શકાય. એક સત્ય સમજાય કે આ બધાં જ અનુભવો અંતે તો મનની સ્થિતિ છે. મન જો આનંદ ન અનુભવે તો આવા સ્થળની જાતમુલાકાત પણ નિરાશ કરે. ઘરના કાતરિયામાં આવતી મસ્તી કોઈ ક્લબહાઉસમાં ય ન આવે એવું બને. મસ્તી એ મનઃસ્થિતિ છે. એનો આધાર મન ઉપર છે. મન કમાલ છે. એ કોઈ વાર કોઈના સાથમાં મસ્ત બને છે તો કોઈક વાર એકાંતમાં પ્રસન્ન રહે છે.

ગરમીની વધઘટ અકળાવતી નથી. અકળામણના મૂળ મનમાં છે. વધતી વયનું સમાધાન એ સમય સાથેની સ્પર્ધામાં નથી. એના સાદર સ્વીકારમાં છે. ધોળાવાળને તમેજ ઘૂત્કારો તો અન્ય એને આદર કઈ રીતે આપે? તમે જ યાદ કરો ને કે તમારાં એ સફેદ વાળવાળા કાકા, મામા, માસા કે ફૂઆ તમને તિરસ્કારવા યોગ્ય લાગતા હતા? કાકી, મામી, માસી કે ફોઈના ધોળાવાળ તરફ તમારું ઘ્યાન કદીય ગયું હતું? સાથે જીવતાં જીવતાં વૃઘ્ધ થનારા આ વડિલોનું વ્હાલ તમને કદીય ઓછું થતું લાગ્યું હતું? આવા વૃઘ્ધ થતા વડીલોના ઘડપણની તમને શરમ લાગતી હતી? તમે તમારા મિત્રોને એમની ઓળખાણ કરાવતાં અચકાતાં હતાં? તો પછી હવે જ્યારે તમારા વાળ સફેદ થયાં છે ત્યારે તમે શું કામ મૂંઝાવ છો? જો તમે જ એનાથી અકળાશો, એનો સ્વીકાર નહીં કરો તો તમારાં બાળકો પણ ક્યાંથી કરશે? ધોળાવાળનો સંકોચ તમને જ જો આટલો બધો હશે તો તમારા બાળકો પણ એને નોંધશે ને પરિણામે તમારી પીડા જ વધશે. જો તમે જ એનું ગૌરવ કરશો તો તમારા બાળકો પણ તમને એટલા જ ગૌરવથી સ્વીકારશે. સમૂહ માઘ્યમોના પ્રચાર પ્રસારને કારણે દૈહિક સુંદરતાનો મહિમા પણ વઘ્યો છે અને એની તરફની દ્રષ્ટિ પણ બદલાઈ છે.

ગરમી વધી છે એવી ફરિયાદમાંથી કેટલી ને કેવી કેવી યાદમાં સરી જવાનું! ને જાત સાથે સંવાદની ય તક સાંપડી. મને આ ગરમી સામે વાંધો નથી. મને તો એ પણ આવકાર્ય લાગી છે. આ સત્ય સમજવા માટે કોઈ ગહન ચંિતન-વાંચન કરવું જ નથી પડ્યું. આ સત્ય મને સાવ સરળતાથી લાધી ગયું છે. ગરમીનો મહિમા મને અમારા માળીભાઈએ સમજાવ્યો. સાવ દેહાતી જીવ અને એની એવી જ સરળ જબાન. શિક્ષિત નહિ. દિક્ષિત ખરા. છોડની તબિયતને ઓળખી લે. એમને મને એક વાક્ય કહ્યું, સાહેબ, તાપ મળશે ને તો જ છોડને ફૂલ આવશે. મારો અણસમજૂ, અપરિપકવ પ્રકૃતિપ્રેમ મને સમજાવતો હતો કે હવે ગરમી વધશે તો કૂંડા છાંયડામાં ફરી મૂકી દેવાં જોઈએ અને સમાંતરે મારી અપેક્ષા હતી કે કૂંડામાંના છોડ પર ફૂલ પણ આવે. માળીભાઈએ મારી આ ભૂલ સુધારી. ફૂલ માટે તાપ જરૂરી છે. તાપ મળે તો ફૂલ આવે. ફૂલને અને બાગને સુંદરતા બક્ષનારા અને આંખને ને મનને આનંદ આપનારા આ નમણા નાજૂક ફૂલના પ્રાગટ્ય માટે આવશ્યકતા છે ગરમીની. ગરમી નિરર્થક નથી. માત્ર એની સાર્થકતા સમજવાની છે. ફૂલ ખીલે તેમ ઈચ્છા હોય તો ગરમી સહેવી પડે. આનંદવી પડે. ફૂલ ખીલે ત્યારે એ ગરમીની પીડા વિસરાઈ જાય. એક બે ને સાડાત્રણ.

Copyright   © Gujarat Samachar