home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

બુધવારની બપોરે

અઘૂરી દીક્ષિત

માઘૂરી દીક્ષિતે હમણાં એક રાષ્ટ્રજોગું નિવેદન કર્યું છે કે, ફિલ્મોમાં તે પાછી આવવા તૈયાર છે, પણ પોતાની શરતોએ ! (અમે તને પાછી લેવા તૈયાર છીએ કે નહિ, એની એ ભોળીને ખબર નથી, એ જુદી વાત છે !) માઘૂરી દીક્ષિત આપણી એક માજી હીરોઇન છે. માજીનો જે કોઈ અર્થ કાઢો એ સાચો પડે એવો છે, પણ દરેક સન્માન્નીય સ્ત્રીની માફક એ પણ માનેે છે, હજી તે ભરયુવાનીની મોસમમાં છે અને ખૂબસૂરત છે... (કન્ડીશન્સ ઍપ્લાય...! ) લગ્ન પછી જે કાંઈ પતાવવાનું હોય એ પતાવીને હવે એ નવરી પડી ગઈ છે અને ભારત દેશના નાગરિકો ઉપર કોઈ મોટો ઉપકાર કરવા ફિલ્મોમાં પાછા આવવાનું નક્કી કર્યું છે. ઘણાં આખી વાતને ‘‘હૉરર’’ સમજ્યા છે.

‘‘હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,

ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.’’

મઘૂરી અમેરિકા એના ગોરધનની સાથે રહે છે અને એને કોઈ ‘મઘૂરી’ને બદલે ‘અઘૂરી’ ન કહી જાય, એ માટે મમ્મી બનવાની શરત પણ એણે પૂરી કરી છે. એનો ગોરૂ ડૉક્ટર છે, ‘ડૉ. શ્રીકાન્ત નેને.’ જેને ને તેને એને પરણવું ન પડે એટલે એને નેનેને પસંદ કર્યો અને તે પણ પોતાની શરતોએ. જેમ કે મેરેજ કર્યા પછી હું હાલની મારી નોકરી છોડી દઈશ ને ઘરનું ને બહારનું કામ બઘું એના ગોરધને કરવાનું. ફિલ્મોમાં હીરોઇન તરીકે એને ફૂલ-ટાઇમ જોબ મળી હતી. (રવિવારે રજાવાળી) એ પણ એણે છોડી દીધી, પણ નેનેએ રોજ સવારે ઇન્જેક્શનો અને દવાની લારી લઈને ઘંટ વગાડતા નીકળી પડવાનું.. નહિ તો આ જમાનામાં અમેરિકામાં કાંઈ બે જણનું એમ પૂરૂં થાય ? ડૉક્ટર બનવાનું મઘૂરીને અને મધર બનવાનું શ્રીકાંતને ફાવે એમ નહોતું એટલે આ મજબૂર મહિલા મધરમાંથી ગ્રાન્ડ-મધર બની જાય (હા, હવે તો સાયન્સ બહુ આગળ વઘ્યું છે...!) અને ફિલ્મોમાં નિરૂપારોય જેવા ‘મા’ના રૉલ પણ ન મલે, એ પહેલાં ઘરમાં ચૂલો સળગતો રહે એ માટે કમાવવું બન્ને માટે નિહાયત જરૂરી લાગવાથી જ મઘુબેેને ક્યાંક સારી મળે તો પાર્ટ-ટાઇમ જોબ કરી લેવાની ટચૂકડી આપી દીધી છે, પણ એ તો ફિલ્મ-ઇન્ડસ્ટ્રી ઉપર ઉપકાર કરવા ખાતર જ !

જરા વિગતે સમજાવું.

તમે તો જાણો જ છો તેમ આજકાલ સિનેમાના વળતા પાણી છે. જે ફિલ્મો ચાલે છે એની હીરોઇનો નથી ચાલતી અને હીરોઇનો ચાલે છે એની સાથે ‘વારાફરતી વારો, મારા પછી તારો’ના ધોરણે સલમાનખાન, પછી વિવેક ઓબેરોય અને છેલ્લે જે કાંઈ વઘ્યું ઘટયું હોય, તે ફેણવા માટે અભિષેક બચ્ચન ચાલવા માંડે છે. જ્યારે કોઈ પણ લારીમાં મળતો માલ મઘૂરી આપી શકે તેમ છે. આજકાલ જે કામ યાના ગુપ્તા અને રાખી સાવંત કરી બતાવે છે એ અસલના જમાનામાં દારાસંિઘ નામનો પહેલવાન કુસ્તીના મેદાનમાં ઉતરીને કરી બતાવતો. ફરક એટલો કે દારા સંિઘ જે પહેરતો હતો, તેને સત્તાવાર ભાષામાં ‘લંગોટ’ નામ અપાયું હતું, જ્યારે આજે એવી લંગોટ પેઇજ- થ્રી કે ફિલ્મી હીરોઇનો પહેરે તો એને ‘ડીઝાઇનર્સ-વૅર’ કહેવાય છે. પણ દારાસંિઘની જેમ ફાવે એમ મસલ્સ હલાવવાના- ફુલાવવાના કે જીવસટોસટના ખેલો તો શ્રીમતિ નેને વર્ષો પહેલાં ‘ધક ધક કરને લગા હો જીયરા...’ જેવા ગીતોમાં અનેકવાર કરી ચૂક્યા છે. આ પદ્ધતિના ગીતોમાં કસરતબાજ મહિલાએ ઝાઝું કાંઈ કરવાનું હોતું નથી... ખભાનું હાડકું ખસી ગયું હોય, એમ અવારનવાર બન્ને ખભા ઊંચા-નીચા આડાંઅવળાં કરે રાખવાના... આજકાલ ટીવી પર વહેલી સવારે સાઘુબાવાઓ આવું બતાવે છે અને મોડી રાત્રે આ બધી માતાઓ અને બહેનો કરી બતાવે છે ! ફક્ત હેતુ જુદા, બાકી અંગ કસરતો અને કપડાંની સંખ્યા સરખી. આખરે ભારત ‘યોગા’ની માતૃભૂમિ તરીકે ઓળખાય છે. (ગામડીયા ગુજરાતીઓનું વ્યાકરણ સુધારવા માટે એક ટીપ ઃ આપણે ભારતીય છીએ એટલે સાચો શબ્દ ‘યોગ’ નહિ બોલવાનો, ધોળીયાઓ બોલે છે ‘માટે’ આપણે ય ‘યોગા’ બોલવાનું.)

ટૂંકમાં, બહેન માઘુરી દીક્ષિત પાસે આ બધો માલ હાલમાં પડ્યો છે (...અને ઘણાં પાસે તો એવી બાતમી પણ છે કે, એને ઍક્ટંિગ પણ આવડે છે...!) અને સાવ ખાલી કરવાના ભાવે કાઢવાનો છે, પણ પોતાની શરતોએ. જેમ કે, શૂટંિગ અમેરિકામાં થવું જોઈએ અને ચોક્કસ સમયમાં શૂટંિગ પૂરું કરી નાંખવાનું. નહિ તો આવામાં પાછું શું થતું હોય છે કે, તમે શૂટંિગોને બહુ લંબાય લંબાય કરો એમાં, એક તો હોય ઘરડી ઘોડી લાલ લગામ અને એનો હીરો, હીરોને બદલે ભાણીયા-ભત્રીજા જેવો વઘુ લાગવા માંડે, તો ય પાછું નકામું. માની લો કે, હજીતો હોઠ પર હોર્લિક્સ ચોંટેલા હીરો શાહિદ કપૂર જેવા બાળુડાંની સામે મઘૂરી- મામી હીરોઇન તરીકે આવે અને ફિલ્મના દ્રષ્ય મુજબ, શાહિદે ઝાડના થટ ઉપરથી મામીને ઉતારવાની હોય તો, માળીયા પરથી જૂનું ગોદડું ખેંચતો હોય એવું લાગે કે નહિ ? આ લોકો મહાબળેશ્વર ‘ધક ધક કરને લગા’ જેવા ગીતના શૂટંિગ માટે આવ્યા હોય, પણ લોકો તો એમ જ સમજે ને કે, મામી ભાણીયાને પ્રાથમિક શાળાએ મૂકવા આવ્યા છે, એમાં શરદી-ફરદીને કારણે મામીને છાતીમાં કાંઈ દુઃખાવા જેવું ઉપડ્યું લાગે છે...! બીજી સ્ત્રીઓને, આવી તબિયતોમાં ‘વોય માં...’ ને ‘ઓય માં’ થાય જ્યારે મામીને, ‘ધક ધક કરને લગા, ઓ હાય મેરા જીયરા ડરને લગા’ જેવું કંઈક થાય, એ હિસાબે બહેનની શરત ખોટી નથી કે, શૂટંિગ ટાઇમસર પૂરું કરી દેવું જરૂરી છે.

વળી શૂટંિગ અમેરિકામાં જ કરવાનું આવેદનપત્ર માઘુરીબેન આપ્યું છે, તે બતાવે છે કે, લગ્ન પછી તેઓ સુરેન્દ્રનગર પાસેના ખારાઘોડા કે મઘ્ય આફ્રિકાના જંગલોમાં ક્યાંક સેટલ થયા હોત તો, હીરોથી માંડી આખું ધાડૂં લઈ નિર્માતાએ શૂટંિગ ત્યાં કરવા જવું પડત... ભલે ને ફિલ્મની વાર્તા ‘દા વિન્ચી કોડ’ કે ‘ઢોલો મારા મલકનો’ પર આધારિત હોય ! શક્ય છે કે મઘુમામીએ બીજી શરતો પણ વિચારી રાખી હોય કે, ‘જો ભ’ઈ પ્રોડ્યુસર...મારો ગોરધન ડૉક્ટર છે અને દવા-ઇન્જેક્શનની લારીઓ ફેરવે છે. એને તો ગમે ત્યારે ડીલિવરીઓ કરાવવી પડે... બૈરાંને અહીં (શૂટંિગના સ્થળે) બોલાવવા ય પડે અને સ્ટાફ ના હોય એ દહાડે, ખુદ તમારે ય ઘોડિયું પકડીને ઉભા રહેવું પડે... અને હા... જરા નજર સરખી રાખો અને બીજી વાત સાંભળો... મી મરાઠી બાઈ આહોત... મારે મુંબઈથી મારી કામવાળી સકુબાઈ ઘાટણને અમેરિકા બોલાવવાની છે એનું ગ્રીન-કાર્ડ કઢાવવાની જવાબદારી તમારી. અત્યારે તો મારે જ કચરાં-પોતાં કરવા પડે છે પણ, આ ઉંમરે ઍક્ટંિગ કરતી વખતે હું કામવાળી ઘાટણ જેવી ન લાગવી જોઇં... અને સાંભળો સકુબાઈ મઘૂરી દીક્ષિત જેવી બી ના દેખાવી જોઈએ... સમજણ પડી... ? મારી આ શરતો મંજૂર હોય તો જ હું ફિલ્મોમાં પાછી આવવા તૈયાર છું...!’

કેવી મનોહર ઑફર મઘૂરીએ મૂકી કહેવાય ? કાલ ઉઠીને સુનિલ ગાવસકર જાહેર કરશે કે, હું ક્રિકેટમાં પાછો આવવા તૈયાર છું, પણ મૅચ મુંબઈની ખેતવાડી છઠ્ઠી ગલીમાં રાખવી પડશે. નાનપણમાં હું ત્યાં રમ્યો હતો. કોઈ સ્વામી છટપટાનંદજી ઓફર મૂકશે, ‘અલખ નિરંજન... જા બેટા તેરા ભલા હોગા... લેકીન મેં ફિર સે ઘૂણી ધખાના ચાહતા હું... શરત ઇતની કિ મેરે સાથ ૨૦-૨૫ શિષ્યાએં હોની ચાહિયે ઓર આગેપીછે કોઈ વિડિયોવાળા નહીં હોના મંગતા...!’ જ્ઞાની (?) ઝૈલસંિઘ પોતાની દાઢીમાંથી કચરો સાફ કરતા કહેશે, ‘સોનિયાજી કહે તો હું એમના માળિયામાં ઝાડુ મારવા તૈયાર છું પણ મારી પોતાની શર્તો પર !’

આજકાલ તો જે મળે છે તે આ દેશને પોતાના ફાધરનું કંિગડમ સમજી બેઠા છે...

... તો પછી હું ય રાષ્ટ્રજોગું એલાન કરવા માંગુ છું કે, ‘મારે બે બાળકો ઓલરેડી છે જ. પણ હું ફરીથી બાપ બનવા તૈયાર છું... પણ મારી શરતોએ !’ (કઈ શરતો એ જાણવું રાષ્ટ્રના હિતમાં ન હોવાથી અહીં જાહેર કરતો નથી.)

સિક્સર

ફિલ્મ ‘દિવાર’માં અમિતાભ બચ્ચન અને શશી કપૂર વચ્ચેનો સુપ્રસિદ્ધ ડાયલોગ પરથી પૅરોડી ઃ

અમિતાભ ગુસ્સાથી કહે છે ઃ ‘‘દેખો... દેખો આજ મેરે પાસ M.B.A. કી ડીગ્રી હૈ, I.A.S. કી ડિગ્રી હૈ, ઔર મેડિકલ મેં M.D. કી ડીગ્રી ભી હૈ... તુમ્હારે પાસ ક્યા હૈ... ?’’

‘મેરે પાસ ‘અનામત’હૈ...’ શશીકપૂરનો ઠંડે કલેજે જવાબ.

Copyright   © Gujarat Samachar