home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

પ્રત્યાર્પણની શરતોના ભંગ બદલ સાલેમ લિસ્બનની કોર્ટમાં અરજી કરશે

(પી.ટી.આઈ.) મુંબઈ,તા.૬

ભારત સરકારને અમુક શરતો હેઠળ પોર્ટુગલ સરકાર દ્વારા ગયા વરસે પ્રત્યર્પિત કરાયેલા ગેંગસ્ટર અબુ સાલેમે ભારત સરકાર પર પ્રત્યર્પણની શરતોના ઉલ્લંઘનનો આક્ષેપ મૂકતાં પોર્ટુગલની કોર્ટમાં પોતાને પાછો બોલાવવા અરજી કરી છે.

સાલેમના આક્ષેપો પાયાવિહોણા હોવાથી અમને કશી ફિકર નથીઃ સરકારી વકીલ

સાલેમના વકીલ અશોક સરોગીએ મંગળવારે જણાવ્યું હતું કે અમે આજે પોર્ટુગલ જઈ રહ્યા છીએ અને પ્રત્યર્પણના દસ્તાવેજો વાંચ્યા બાદ પોર્ટુગલની રાજધાની લિસ્બનની કોર્ટમાં અરજી દાખલ કરીશું.

ભારતીય સરકારે પ્રત્યર્પણની શરતોનો ભંગ કર્યો હોવાનું જણાવતાં સરોગીએ કહ્યું હતું કે ભારતની સરકારે સાલેમ સામે ભારતમાં ચાલતા માત્ર થોડાક ફોજદારી કેસોનીસુનાવણી માટે લિસ્બનની કોર્ટમાં સાલેમની માગણી કરી હતી અને એ કેસોમાં વધુ તપાસ કરવામાં નહિ આવે એવી ખાતરી ઉચ્ચારી હતી.

પરંતુ મુંબઈની પોલીસ અને સીબીઆઈએ તાજેતરમાં સાલેમ વિરુદ્ધ પ્રદીપ જૈન હત્યા કેસ, અજીત દેવાણી હત્યા કેસ અને ૧૯૯૩ના મુંબઈના શ્રેણીબઘ્ધ બોમ્બધડાકા કેસમાં આરોપનામું ઘડીને પ્રત્યર્પણની શરતોનું ઉલ્લંઘન કર્યું હતું.

સાલેમના વકીલના જણાવ્યા પ્રમાણે બધી તપાસ પૂરી થયા પછી જ આરોપનામું ઘડવામાં આવે છે અને તેથી પોર્ટુગલથી સાલેમને પ્રત્યર્પિત કરાયા પછી આ ત્રણે કેસમાં વધુ તપાસ શરૂ કરાઈ હતી.

મુંબઈની વિવિધ કોર્ટોમાં સાલેમ સાથે આ કેસોમાં આરોપનામું દાખલ કરવાના પ્રોસિકયુશનના પગલાને અમે પડકાર્યું છે અને તે કેસ ચાલી રહ્યો છે, એમ સરોગીએ જણાવ્યું હતું.

આ કેસ સંબંધિત પગલારૂપે સાલેમના વકીલે મુંબઈ હાઈકોર્ટને અમુક ટીવી-ચેનલો દ્વારા પ્રસારિત કરાયેલા સાલેમના ટેપ કરાયેલા વિડિયો ઈન્ટરવ્યુની તપાસનો આદેશ આપવાની વિનંતી કરતાં જણાવ્યું હતું કે પોલીસ અને અદાલતી કસ્ટડીમાં રખાયેલા આરોપીનો જેલમાં કોઈ વ્યકિત કઈ રીતે ઈન્ટરવ્યુ લઈ શકે. આ કેસની સુનાવણી ૨૦મી જૂને થશે, એમ સરોગીએ કહ્યું હતું.

જો કે પ્રદીપ જૈન હત્યા કેસ અને ૧૯૯૩ના શ્રેણીબઘ્ધ બોમ્બ ધડાકા કેસમાં સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલા સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટર ઉજજવલ નિકમે જણાવ્યું હતું કે સાલેમના આક્ષેપો પાયાવિહોણા હોવાથી સાલેમના વકીલો પોર્ટુગલ જાય તેની અમને કશી ફિકર નથી.

પ્રત્યર્પણની શરતોના ઉલ્લંઘનનો ઈન્કાર કરતાં નિકમે કહ્યું હતું કે સાલેમે અને તેના વકીલે લિસ્બનની કોર્ટ સમક્ષ આ શરતોનો ભંગ થયા વિશે પુરાવા રજૂ કરવા પડશે.

બોલીવૂડ સાથેની સાલેમની ગાઢ સાંઠગાંઠનો ઉલ્લેખ કરતાં નિકમે જણાવ્યું હતું કે તે આવું નાટક કરશે એવી અમારી ધારણા હતી અને આવાં ગતકડાંને કેમ પહોંચી વળવું તે અમને ખબર છે.

ભારતની વિવિધ કોર્ટોમાં ચાલતા આઠ કેસના આધારે સાલેમને ગયા વરસે ૧૧મી નવેમ્બરે ભારત લાવવામાં આવ્યો હતો. આ કેસોમાં બોમ્બ ધડાકા કેસ અને અજિત દેવાણી હત્યા કેસ તેમ જ પ્રદીપ જૈન હત્યાકેસનો પણ સમાવેશ થતો હતો. બોમ્બ ધડાકા કેસની તપાસ સીબીઆઈએ કરી હતી. જયારે બીજા બે કેસની તપાસ મુંબઈની ક્રાઈમ બ્રાન્ચે કરી હતી.

સાલેમે અભિનેત્રી મનીષા કોઈરાલાના સેક્રેટરી અજીત દેવાણીની હત્યામાં પોતાની ભૂમિકા કબૂલી હતી. પરંતુ પાછળથી પોતે ધાકધમકી હેઠળ કબૂલાત કરી હોવાનું જણાવી તે ફરી ગયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ દેવાણીએ ખંડણીની રકમ નહિ ચૂકવતાં સાલેમે ભાડૂતી ગુંડાઓની મદદથી તેની હત્યા કરાવી હતી.

બોમ્બ ધડાકા કેસમાં પણ સાલેમે પોતાની સંડોવણી કબૂલી હતી પરંતુ પાછળથી એવું કહીને ફરી ગયો હતો કે સંજય દત્તને પહોંચાડેલા માલમાં શસ્ત્રો હોવા વિશે તેને કશી ખબર નહોતી.

સાલેમે અગાઉ મુંબઈ પોલીસની ત્રાસવાદ વિરોધી ટુકડી પર જુલમ ગુજારવાનો આક્ષેપ મૂક્યો હતો.

Copyright   © Gujarat Samachar