home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

પેટ્રોલમાં એકથી દોઢ રૂા.ના ઘટાડાની સંભાવના ઃ ભાવ વધારાનો કોંગ્રેસ દ્વારા પણ વિરોધ

નવી દિલ્હી, તા. ૬

પેટ્રોલ અને ડિઝલની કંિમતોમાં વધારો કરવાનો ભારે વિરોધ થતાં સોનિયા ગાંધીએ આ મામલામાં હસ્તક્ષેપ કરતાં ભાવોમાં ઘટાડો કરવામાં આવે તેવી સંભાવના ઊભી થઈ છે. પેટ્રોલના ભાવમાં એકથી દોઢ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. પેટ્રોલિયમ પ્રધાને સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ એવું કહ્યું હતું કે ભાવ ઘટાડાની સંભાવના નકારી શકાય નહીં.

પેટ્રોલિયમ પ્રધાન મુરલી દેવરાએ સોનિયા ગાંધીને મળ્યા પછી આપેલો સંકેત

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સહિત તમામે વિરોધ કરતા સરકારે પેટ્રોલના ભાવ વધારામાં આંશિક ઘટાડો કરવાની શકયતા નકારી કાઢી નથી. સોનિયા ગાંધી સાથેની બેઠક બાદ પેટ્રોલિયમ પ્રધાન મુરલી દેવરાએ જણાવ્યું હતું કે જયાં સુધી મંત્રાલયને સંબંધ છે ત્યાં સુધી ભાવ વધારાનો કેબિનેટનો ગઇકાલનો નિર્ણય યથાવત છે પરંતુ કોઇ શકયતાને નકારી શકાય નહિ. દેવરાએ આ બેઠકમાં ભાવ વધારા માટેના કારણો સોનિયા ગાંધી સમક્ષ રજુ કર્યા હતા. દેવરાએ જણાવ્યું હતું કે સરકાર લોકોની જરૂરિયાતો સમજી શકે છે. અને કોંગ્રેસ પક્ષના નિર્ણયનું પાલન કરશે. કોંગ્રેસે પેટ્રો પેદાશોના ભાવવધારામાં આંશિક ઘટાડો કરવાની માગણી કરી છે. હાઇકમાન્ડ જે નિર્ણય કરશે તેનું પાલન કરવામાં આવશે.

જો કે દેવરાએ ભાવવધારો પાછો ખેંચાશે કે નહિ તે અંગે સ્પષ્ટ રીતે કહેવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ પેટ્રોલિયમ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલનો ભાવ વધારો રૂ. ૪ થી ઘટાડીને ૩ કરવામાં આવશે. જો કે ડિઝલનો ભાવવધારો પાછો ન પણ ખેંચાય.

ઈંધણના ભાવમાં કરાયેલા વધારાનો વિરોધ માત્ર ભાજપ સહિતના વિરોધ પક્ષો અને ડાબેરીઓએ જ નહીં, શાસક પક્ષ કોંગ્રેસે પણ કર્યો હતો. જેના પગલે સોનિયા ગાંધીએ આજે પેટ્રોલિયમ પ્રધાન મુરલી દેવરાને મળવા બોલાવ્યા હતા. જોકે, ભાવ વધારો સોનિયા ગાંધીને વિશ્વાસમાં લીધા વગર કરાયો હોવાની કોઈ શક્યતા નથી એટલે લાગે છે કે કોંગ્રેસે પોતાની મહત્તા સાબિત કરવા માટે અને દેશનું શાસન પોતે ચલાવે છે એ દર્શાવવા માટે ભાવ ઘટાડો કરવાનું આયોજન કર્યું હોય એવું પણ બની શકે. જોકે, મુરલી દેવરાએ સ્પષ્ટપણે એવું કહ્યું હતું કે ભાવ વધારો પાછો ખેંચવાનો કોઈ સવાલ જ નથી. ગઈકાલે પેટ્રોલમાં લીટરદીઠ ચાર અને ડિઝલમાં લીટરદીઠ બે રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો.

સંભવિત ભાવ વધારો ક્યારે કરવામાં આવશે તે અંગે જોકે કોઈ મજબુત સંકેત મળતા નથી. જો તાત્કાલીક ભાવ ઘટાડો કરવામાં આવે તો ભાજપ કે ડાબેરીઓને આંદોલન કરવાનો મોકો ન મળે પણ, એવા સંજોગોમાં આંશિક ભાવ ઘટાડાને નહીં સ્વીકારીને આંદોલન ચાલુ રાખવામાં આવે તેવું જોખમ પણ રહેલું છે. ૧૩મી તારીખે ડાબેરીઓ દ્વારા ઈંધણના ભાવ વધારાના વિરોધમાં દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે. આ સંજોગોમાં ૧૩મી તારીખ પહેલાં રોલબેક કરવામાં આવે એવી સંભાવના પણ ઘટી જાય છે.

ગઈકાલે કેબિનેટ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી તેના થોડા સમયમાં જ કોંગ્રેસે આ ભાવ વધારાનો વિરોધ કર્યો હતો.

ઇંધણનાં ભાવવધારાના વિરોધમાં રસ્તા રોકો આંદોલન કરાયું

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૬

પેટ્રોલ-ડીઝલનાં ભાવવધારા સામે સીપીઆઇ (એમ)ના કાર્યકરોએ આજે શેરીઓમાં આવીને દેખાવો કર્યા હતા અને ભાવવધારો તાત્કાલિક પાછો ખેંચવાની માગણી કરી હતી. ભાજપ આવતી કાલે રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે, જ્યારે ડાબેરી પક્ષો, સપા, ટીડીપી, એજીપી ૧૩મી જૂને વિરોધ પ્રદર્શિત કરશે.

ડાબેરી કાર્યકરોએ કરેલા દેખાવો ઃ વિરોધ પક્ષોએ ભાવવધારો તાત્કાલિક પાછો ખેંચવા માગણી કરી

ભાજપ આવતી કાલે બપોરે ૧૧થી એક વાગ્યા સુધી રસ્તા રોકો આંદોલન કરશે. જો કે ભાજપના પ્રમુખ રાજનાથ સંિઘે કાર્યકરોને વિદ્યાર્થીઓ, દર્દીઓ અને અંતિમયાત્રા લઇ જઇ રહેલા લોકોને અગવડ પડે એવું ન કરવા સૂચના આપી હતી.

સીપીઆઇ (એમ)ના કાર્યકરોએ જંતરમંતર ખાતે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. પક્ષના નેતા નિલોત્પલ બાસુએ જણાવ્યું હતું કે અમે રાષ્ટ્રવ્યાપી આંદોલન માટે સમાન વિચારસરણી ધરાવતા પક્ષોનો સંપર્ક સાધી રહ્યા છીએ. મહાંત્રી ડી રાજાએ જણાવ્યું હતું કે સરકાર નિર્ણય પાછો ન ખેંચે ત્યાં સુધી સમાજના તમામ વર્ગોએ રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવું જોઇએ.

સરકારને બહારથી ટેકો આપી રહેલા ડાબેરી પક્ષોએ ૧૩મી જૂને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવા આહવાન આપ્યું છે. સીપીઆઇ, સીપીઆઇ (એમ), આરએસપી અને ફોરવર્ડ બ્લોકે તેમના રાજ્ય એકમોને ૧૩મી સુધી દેખાવ, રેલી અને પિકેટંિગ ચાલુ રાખવા સૂચના આપી છે. આંદોલનમાં સપા, ટીડીપી અને એજીપી પણ જોડાશે.

કોલકતામાં તૃણમુલ કોંગ્રેસ તથા કાનપુરમાં સીપીઆઇ (એમ) અને સપાના કાર્યકરોએ આજે દેખાવો કર્યા હતા.

એઆઇએડીએમકે સુપ્રિમો જયલલિતાએ ભાવવધારો તાત્કાલિક પાછો ખેંચવા માગણી કરી હતી.

મુંબઇમાં ભાજપ શહેર એકમે દેખાવો કર્યા હતા.

આંધ્રપ્રદેશમાં વિરોધપક્ષ ટીડીપીએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

Copyright   © Gujarat Samachar