home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

ભાજપે દેખાવો કર્યા પણ ચૂસ્ત બંદોબસ્ત હેઠળ શો શરૂ થયો
જામનગરમાં ‘ફના’ ફિલ્મ રિલીઝ કરવામાં આવી

જામનગર, તા.૬

નર્મદા વિરોધી આમીરખાન અભિનીત ફિલ્મ ‘ફના’નો રાજ્યભરમાં પ્રથમ શો જામનગરની અંબર ટોકીઝમાં ભાજપના દેખાવો અને ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાયો હતો. જામનગરના કોંગ્રેસી સાંસદના ભત્રીજાની ટોકીઝમાં રજૂ થયેલી ફના ફિલ્મને ૨૫૦ દર્શકોએ ટિકિટ ખર્ચીને નિહાળી હતી તો બીજા અને ત્રીજા શોમાં દર્શકોની સંખ્યામાં થોડો વધારો નોંધાયો હતો. થોડો સમય રસ્તા રોકો બાદ વિરોધ વચ્ચે જામનગર ભાજપે કોંગ્રેસના સાંસદને મેઘા પાટકર અને આમીરખાનના પરિવારના ગણાવ્યા હતા. જ્યારે, ફિલ્મ જોનારાઓએ એવો મત પ્રગટ કર્યો હતો કે, ‘‘અમે રાજકારણને નથી જાણતા. અમે તો ફિલ્મનો રિપોર્ટ સારો હોવાથી જોવા આવ્યા હતા.’’

‘રસ્તા રોકો’ વચ્ચે ‘ફના’નો પ્રથમ શો શરૂ થયા બાદ બેનર-હોર્ડીંગ ફેંકાયા

ગુજરાતભરમાં નર્મદા વિરોધીઓનો છાવણીમાં બેસી ટેકો આપવાના મુદે વિરોધનો સામનો કરી રહેલા આમીરખાનની વિવાદાસ્પદ ફિલ્મ ‘ફના’ ગઈકાલે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જામનગરની અંબર સિનેમામાં રજુ કરવામાં આવી છે.

અંબર ટોકિઝમાં ફિલ્મ રજુ થવાની જાહેરાત થતા જ ગરમા-ગરમી વ્યાપી ગઈ હતી. સિનેમાના મેનેજર મનસુરઅલીએ જણાવ્યું હતું કે, ‘‘અમે ફિલ્મ લગાડીએ છીએ. જે લોકોને જોવું હશે તે આવશે વિરોધ હશે તે નહીં આવે.’’

બપોરે ભાજપ યુવા મોર્ચાએ ટોકીઝ સામે સૂત્રોચ્ચાર અને થોડા સમય માટે રસ્તા રોકો આંદોલન કર્યું હતું પણ પોલીસના ધાડા સામે તેમની કારી ફાવી ન હતી. ભાજપ યુવા મોર્ચાએ મેઘા પાટકર, આમીરખાન, વિક્રમ માડમને એક પરિવારના ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ કારણે જ પિક્ચર જામનગરમાં રિલીઝ થઈ રહી છે.

આજે બપોરે ૧૨ વાગ્યાથી શહેર ડીવાય.એસ.પી., પોલીસ ઈન્સ્પેકટરો, ફોજદારો મળી અંદાજે પોણો સો જેટલા પોલીસ કર્મીઓને ટોકીઝ પર ઉતારી દેવામાં આવ્યા હતા. પ્રથમ શોમાં ૨૫૦ લોકોએ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ જોવા આવેલા લોકોમાં મોટાભાગના લોકોનો સુર હતો કે, ‘‘અમે રાજકારણ જાણતા નથી. ફિલ્મના રિપોર્ટ સારા છે એટલે ફિલ્મ જોવા આવ્યા છીએ.’’

Copyright   © Gujarat Samachar