home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

રાહુલ મહાજન બે દિવસના રિમાન્ડ પર

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૬

હેરોઈનના સેવનના આરોપસર ધરપકડ કરાયેલા રાહુલ મહાજનને સ્થાનિક અદાલતે બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યા છે.

રાહુલે ડ્રગ્સનું સેવન કર્યું હોવાનું કબુલ્યાનો પોલીસનો દાવો હોસ્પિટલમાંથી વ્હીલચેરમાં જ કોર્ટમાં લઈ જવાયો

એપોલો હોસ્પિટલમાંથી રાહુલ મહાજનને રજા અપાતા જ પોલીસ તેમને પહેલા ઔપચારિકતા પૂરી કરવા તુઘલખ રોડ પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી અને થોડીવારમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ.કે. ચતુર્વેદી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે રાહુલ મહાજનના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ મેજિસ્ટ્રેટે તા. ૮ જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ)ની કલમ ૨૧, ૨૫, ૨૭ અને ૨૯ હેઠળ ગઈકાલે જ રાહુલ મહાજનને ધરપકડ હેઠળ મુકવામાં આવ્યા હતા.

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ પોલિસે દલીલ કરી હતી કે રાહુલ મહાજને ડ્રગ્સનું સેવન કર્યાનું અને અન્યોને આપ્યાનું કબૂલ્યું છે. જે નાર્કોટિક્સ કાયદા હેઠળ ગુનો બને છે. આ સંજોગોમાં ડ્રગ્સ ક્યાંથી આવ્યા તેની માહિતી મેળવવા પૂછપરછ માટે પાંચ દિવસના રિમાન્ડ મળવા જોઈએ. જોકે રાહુલ મહાજનના વકિલે એવી દલીલ કરી હતી કે પોલીસે ફાઈલ કરેલી એફઆઈઆરમાં ગુરૂવારની રાત્રે રાહુલ મહાજન અને અન્યોએ કેટલી માત્રામાં ડ્રગ્સનું સેવન કર્યું તેનો કોઈ ઉલ્લેખ નથી. એફઆઈઆરમાં માત્ર એટલું જ કહેવાયું છે કે નાની માત્રામાં ડ્રગ્સનું સેવન થયું હતું. પ્રમોદ મહાજનના ૭, સફદરજંગ નિવાસસ્થાને ગત ગુરૂવારની શેમ્પેઈન- હેરોઈન પાર્ટીને પગલે મહાજનના સેક્રેટરી વિવેક મોઈત્રાનું મોત થયું હતું અને રાહુલ મહાજનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દરમિયાન એડિશનલ ડીસીપી મનિષ અગ્રવાલે જણાવ્યું હતું કે વિવેક મોઈત્રા, રાહુલ મહાજન અને સાહિલ ઝારુએ પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કર્યાના પુરાવા મળ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે પુરતા પુરાવા એકત્ર કર્યા પછી જ રાહુલ મહાજનની ધરપકડ કરવામાં આવી છે.

અગાઉ એપોલો હોસ્પિટલે રાહુલ મહાજનને રજા આપી ફિટનેસ સર્ટિફિકેટ પૂરું પાડતા પોલીસ વ્હીલચેરમાં રાહુલ મહાજનને હોસ્પિટલમાંથી સીધી પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. અને ત્યાંથી તેમને પતિયાળા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

દરમિયાન દિલ્હી પોલીસે પ્રમોદ મહાજનના સેક્રેટરી હરિશ શર્માની પણ પૂછપરછ કરી હતી. હરિશ શર્માએ પુરાવા સાથે છેડછાડ કરી હોવાની શંકા છે. અલબત્ત પોલીસે શર્માની વિધિવત્‌ ધરપકડ કરી નથી. હરિશ શર્મા ઉપરાંત પોલીસે એપોલો હોસ્પિટલના ડૉક્ટરોની પૂછપરછ કરી રાહુલ મહાજનને દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમની શું સ્થિતિ હતી અને ડૉક્ટરોએ કઈ સારવાર કરી હતી તેની વિગતો માગી હતી. પોલીસે જણાવ્યું હતું કે તપાસ ચાલુ હતી એ દરમિયાન જ રાહુલના યુરિન અને બ્લડ રિપોર્ટ જાહેર કરી ક્લીન ચીટ આપવા પાછળ શું કારણ હતું તેનો એપોલો હોસ્પિટલ પાસેથી ખુલાસો માગવામાં આવશે.

પોલીસે રાહુલ મહાજનને ડ્રગ્સ પહોંચાડનારા સાહિલ ઝારુને સામે લાવી મૂકી દીધો હતો. અને ઉલટ તપાસ કરી હતી. એક અહેવાલ મુજબ રાહુલ મહાજને હેરોઇન ચાખ્યું હોવાની કબુલાત કરી હોવાનું મનાય છે.

અન્ય એક ઘટનામાં રાહુલ મહાજનના બ્લડ સેમ્પલ અને સાહિલ ઝારુના વોમીટના સેમ્પલમાંથી હેરોઇન હોવાનો રિપોર્ટ ફોરેન્સિક લેબોરેટરીએ આપ્યો છે. પોલીસ વિવેક મોઇત્રાના વિસેરા રિપોર્ટની રાહ જુએ છે.

Copyright   © Gujarat Samachar