આણંદમાં
આઠ માસ પૂર્વેની
આંગડીયા લૂંટના ત્રણ આરોપીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ
આણંદ
આણંદ શહેરમાં આઠ માસ પુર્વે
થયેલ આંગડીયા લૂંટ પ્રકરણમાં સંડોવાયેલ વઘુ ત્રણ આરોપીઓની શહેર
પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે જુનાગઢ અને રાજકોટની જેલમાંથી
કબ્જો મેળવીને વિધીવત ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ
લુંટારુ ત્રિપુટીની વઘુ તપાસ અર્થે શહેર પોલીસે રીમાન્ડ મેળવવાની તજવીજ
હાથ ધરી છે. રીમાન્ડ દરમ્યાન અન્ય કેટલાક ગુનાઓનો ભેદ
ઉકેલાય તેવી વકી છે.
જુનાગઢ અને રાજકોટની જેલમાંથી
ધરપકડ કરી રીમાન્ડ માટે હાથ ધરેલી કાર્યવાહી ઃ અન્ય ગુનાઓ
પરથી પડદો ઉંચકાય તેવી શક્યતા
આ અંગે વઘુમાં મળતી વિગતો મુજબ
આણંદ ખાતે આવેલ આંગડીયા પેઢી અંબાલાલ ઇશ્વરદાસ પટેલ એન્ડ
કાું.નો કર્મચારી સુર્યકાન્તભાઇ મગનભાઇ નાગર ગત તા. ૧૦-૯-૦૫ના રોજ
સમી સાંજના સુમારે સાયકલ ઉપર અગત્યના કાગળો ભરેલો થેલો ભરવીને
શહેરના બેઠક મંદિર પાસેથી પસાર થઇ રહ્યો હતો. તે સમયે પાછળથી
મોટર સાયકલ ઉપર ધસી આવેલા છ જેટલા શખ્સોએ રિવોલ્વરની અણીએ
થેલાની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે શહેર પોલીસે ગુનો
નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં આ લુંટમાં કુખ્યાત આરોપી
કિરીટ ઉર્ફે ઘુમ હસમુખભાઇ બારોટ અને તેની ગેંગ સંડોવાયેલ હોવાની
વિગતો ઉજાગર થવા પામી હતી. જેથી શહેર પોલીસે આ ગેંગને ઝડપી પાડવા
માટે તજવીજ હાથ ધરી હતી. જેમાં તાજેતરમાં જ આણંદમાંથી
એક મોટરકારની ચોરી કરીને ભાગી છુટ્યો હતો. દરમ્યાન તેની
મોટરકાર ઉત્તરસંડા પાસે પલ્ટી ખાઇ જતા તે પકડાઇ જવા પામ્યો હતો.
દરમ્યાન આ લૂંટમાં સંડોવાયેલ આરોપી કાર્તિક ઉર્ફે બાબુ શીવશંકર
તિવારી રાજકોટની જેલમાં સજા કાપી રહ્યો છે તેવી વિગતો શહેર પોલીસને
જાણવા મળી હતી. જેથી આણંદ શહેર પોલીસ મથકના પીઆઇ એમ.વી.
લાઠીયાની સુચના અને માર્ગદર્શન મુજબ ડી. સ્ટાફના જવાનો રાજકોટ
ખાતે પહોંચી ગયા હતા અને જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે
કાર્તિક ઉર્ફે બાબુ તિવારીનો કબ્જો મેળવીને ધરપકડ કરી હતી. આરોપી
કાર્તિક તિવારીની વઘુ પુછપરછમાં આ લૂંટ પ્રકરણમાં નિલેશ ઉર્ફે નીલ અરુણભાઇ
રાજપુત (રહે. વડોદરા, તુલસીધામ સોસાયટી), પ્રકાશ ઉર્ફે
રધુ ઉર્ફે ગટ્ટો વિઠ્ઠલભાઇ બારોટ (રહે. માણસા) અને મનોજ ઉર્ફે સક્સેના
ભીખાભાઇ ભાવસાર (રહે. વડોદરા) સંડોવાયેલ હોવાનું ઉજાગર થતા
શહેર પોલીસે ઉક્ત ત્રણેય આરોપીઓની જુનાગઢ અને રાજકોટ ખાતેની
જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે વિધીવત ધરપકડ કરી
છે.
આણંદની આંગડીયા લૂંટ પ્રકરણમાં
ધરપકડ કરાયેલ વઘુ ત્રણ આરોપીઓના શહેર પોલીસે વઘુ તપાસ અર્થે
પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.