|
રાજભવનને અંધારામાં રાખીને ચાર ઉપ કુલપતિને એક્સટેન્શન
ગાંધીનગર,
ગુજરાતમાં નવી રચાયેલી ચાર કૃષિ યુનિવર્સિટીના
વાઇસ ચાન્સેલરોની રાજ્યપાલના આદેશથી બે વર્ષ માટે નિમણંૂક કર્યા
બાદ કૃષિ અને સહકાર વિભાગે પોતાની સત્તા નહીં હોવા છતાં
ચારેય વાઇસ ચાન્સેલરોની મુદત ત્રણ માસ માટે લંબાવી દીધી
હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ માટે રાજ્યપાલની સૂચના સિવાય વિભાગે
સીધા જ આદેશો કરી દીધા છે.
કાયદામાં જોગવાઇ નહીં હોવા
છતાં રાજ્યપાલની સૂચના વિના કૃષિ યુનિવર્સિટીઓના વડાઓની મુદતને
ત્રણ માસ માટે લંબાવી
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની ચાર કૃષિ
યુનિવર્સિટીની સ્થાપના કર્યા બાદ વર્ષ ૨૦૦૪માં રાજ્યપાલના હૂકમથી
બે વર્ષની મુદત માટે વાઇસ ચાન્સેલરોની નિમણુંક કરવામાં આવી હતી.
જે અનુસાર આણંદમાં એમ.સી.વાસ્નેય, નવસારીમાં ડો. આર.પી.એસ.અલાવત,
જૂનાગઢમાં ડો.બી.કે. કિકાણી અને દાંતીવાડામાં ડો. બી.એસ. ચૂંડાવતની
નિમણૂક કરવામાં આવી હતી.
જીએયુ એક્ટ-૨૦૦૪ના સેક્શન-૬૦ મુજબ કૃષિ
યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલરના હોદ્દાની મુદત બે વર્ષ માટે ફીક્સ
છે. તે સમયમર્યાદા લંબાવવાની કોઇ જોગવાઇ નથી તેમ છતાં આ વાઇસ
ચાન્સેલરોની મુદત પુરી થતાં કૃષિ અને સહકાર વિભાગે રાજ્યપાલની
કોઇપણ સૂચના વિના કે તેમને જાણ કર્યા વિના વાઇસ ચાન્સેલરોની ત્રણ માસ
માટે અથવા સર્ચ કમિટી દ્વારા નવી પસંદગી થાય ત્યાં સુધી હોદ્દાની
ફરજો લંબાવી હોવાનો પત્ર મોકલ્યો છે. કાયદાની જોગવાઇ વિરુદ્ધ લેવાયેલા
આ નિર્ણયની જાણ અન્ય કોઇ સબંધકર્તાઓને કરવામાં આવી નથી કે આ
બાબતનું કોઇ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું નથી. આ બાબતે રાજભવનનો
સંપર્ક કરવામાં આવતાં તેના અધિકારીએ કહ્યું હતું કે ચાર વાઇસ
ચાન્સેલરોને અપાયેલા એક્સટેન્શનની મને જાણ નથી. રાજભવનની જાણ બહાર એક્સટેન્શન
આપવામાં આવ્યું હોય તો તેની તપાસ કરવામાં આવશે.
|