home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

કુતિયાણાના માલ ગામને હચમચાવતી પ્રેમકહાની
પુત્રીની ઊંમરની યુવતી સાથે પ્રૌઢે ઝેર પી આપઘાત કર્યો

કુતિયાણા

એક સમયે રજૂ થયેલી પ્રૌઢ અને યુવતીની પ્રેમકહાની કહેતી એક હિન્દી ફિલ્મને મિશ્ર પ્રત્યાઘાતો મળ્યા હતા પણ આવી જ વાસ્તવિક કહાની પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના નાના એવા માલ ગામના લોકોને હચમચાવી ગઈ છે. જેની સાથે પ્રેમસંબંધ બંધાયો હતો તેવી ૨૦ વર્ષીય અપરિણીત યુવતી સાથે ગામના ત્રણ સંતાનોના પિતા એવા મેર પ્રૌઢે ઝેર પી આપઘાત કરી લીધાના બનાવે ભારે ચર્ચા જગાવી છે.

વીસ વર્ષની બાવાજી યુવતી અને ત્રણ સંતાનોના પિતા ૫૫ વર્ષના મેર પ્રૌઢના મૃતદેહો લાપતા બન્યાના ચોથા દિવસે સીમમાં આવેલા ખેતરમાંથી મળ્યા

કુતિયાણા પોલીસ મથકેથી પ્રાપ્ય વિગતો મુજબ, માલ ગામની સીમમાં આવેલી પરબતભાઈ માલદેભાઈ ઓડેદરા (ઉ.વ. ૫૫)ની વાડીમાંથી તા. ૪ની સાંજે ૫૫ વર્ષીય પરબતભાઈ અને ગામની જ ૨૦ વર્ષીય યુવતી પ્રજ્ઞા જીવનદાસ ગોંડલીયાના ઝેર પીવાથી મૃત્યુ પામેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવતા બન્નેના કપાસમાં નાંખવાની ઝેરી દવા પીવાથી મૃત્યુ નિપજ્યાનું અને આગલી રાત્રે જ બન્નેએ ઝેર પીઘું હશે તેવું સ્પષ્ટ થયું હતું.

આ બનાવ અંગે તપાસનીશ અધિકારી- કુતિયાણાના પી.એસ.આઈ. કે.એન. ગોહિલે જણાવ્યું કે, ગત તા. ૧ના ફાડા (મગફળીના) વિણવાનું કહી પ્રજ્ઞા ઘેરથી નિકળી હતી તે મોડીરાત્રી સુધી ઘેર પરત ન ફરતા તેના પરિવારજનોએ તા. ૨ના રોજ પોલીસને જાણ કરી હતી. પોલીસે પ્રજ્ઞાની ભાળ મેળવવા છાનબીન શરૂ કરી હતી. તપાસ દરમ્યાન, ૨૦ વર્ષની પ્રજ્ઞા અને ગામના પરબતભાઈ માલદેભાઈ ઓડેદરા (ઉ.વ. ૫૫) વચ્ચે છેલ્લા દસે’ક મહિનાથી પ્રેમસંબંધ હોવાની જાણ થઈ હતી.

અંતે, બન્ને પરિવારજનોને વાસ્તવિકતાની જાણ કરતા પોલીસ અને પરિવારજનોએ સામુહિક તપાસ આરંભી હતી અને તા. ૪ના સાંજે પરબતભાઈની વાડીમાંથી જ બન્નેના ઝેરી દવા પીધેલા મૃતદેહ મળી આવ્યા હતા તેમ કહેતા પોલીસ સૂત્રો કહે છે કે, ઘટનાસ્થળેથી કપાસની ઝેરી દવાની બાટલીઓ પણ મળી છે કે જે અડધી પીવામાં આવેલી છે.

પોલીસસૂત્રો કહે છે કે, પ્રજ્ઞા અને પરબતભાઈ એક જ મહોલ્લામાં રહેતા હતા. પરબતભાઈના સંતાનોના ઘેર સંતાનો છે. પરબતભાઈ પાડોશમાં રહેતા હોવાથી અને પ્રજ્ઞા તેમને ત્યાં ખેતીકામમાં મદદરૂપે આવતી જતી હોવાથી સંબંધ બંધાયો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

પોલીસ ઉમેરે છે કે, પરબતભાઈ ગામમાંથી કોઈને વિદેશ સ્થાયી થવું હોય તેવા સમયે પણ મદદરૂપ બનતા હતા. પ્રજ્ઞાના પિતા જીવનદાસનું મૃત્યુ નિપજ્યું હતું અને તેનો ભાઈ બહેરીન (ગલ્ફ કન્ટ્રી)માં નોકરી કરે છે. પ્રજ્ઞા તેની માતા, ભાભી, એક બહેન અને બનેવી સાથે જ ગામમાં રહેતી હતી. પ્રજ્ઞાની મોટી ત્રણે બહેનો પરણાવેલી છે.

Copyright   © Gujarat Samachar