રાજકોટ,
રાજકોટ જિલ્લામાં સહકારી ક્ષેત્રે રસ
લેતા રાજકીય આગેવાનો માટે મહત્વની ગણાતી રાજકોટ જિલ્લા સહકારી બેંકની
આગામી તા. ૨૨ના રોજ યોજાનાર ચૂંટણી સંદર્ભે આજે ઉમેદવારી
ફોર્મ ભરવા માટે કોંગ્રેસ અને ભાજપના સંખ્યાબંધ આગેવાનો જિલ્લા
કલેકટર કચેરીએ આવી પહોંચતા બપોર સુધી વાતાવરણ ધમધમતુ
રહ્યું હતું.
આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો
છેલ્લો દિવસ; ૭મીએ ઉમેદવારી ફોર્મની ચકાસણી; ૨૨મીએ
ખરાખરીનો ચૂંટણી જંગ
રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીના
ઉમેદવારી ફોર્મ ભરવાના આજે પ્રથમ દિવસે કોંગ્રેસ પ્રેરીત
પેનલના મોટાભાગના ઉમેદવારોએ આજે પોતાના ટેકેદારો
સામે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. એ જ રીતે બપોર બાદ કેટલાક
ભાજપ પ્રેરીત પેનલના આગેવાનોના ફોર્મ રજૂ થયા હતા.
હજુ ઉમેદવારી ફોર્મ ભરવાનો
છેલ્લો દિવસ આવતીકાલે હોવાથી ભાજપ સમર્પિત પેનલના વઘુ ઉમેદવારી
ફોર્મ કાલે ભરાશે. રાજકોટના પ્રાંત અધિકારી અને સીટી મામલતદારની
ઉપસ્થિતિમાં બેંકની કુલ ૧૭ બેઠકો માટે યોજાનાર ચૂંટણીમાં ખેતી વિષયક
વિભાગ હેઠળ કુલ ૪૭ જ્યારે બિનખેતી વિભાગમાં ૧૨, વેચાણ રૂપાંતર મંડળીના
વિભાગમાં ૩ અને ઈતર વિભાગમાં ૪ મળી આજે પ્રથમ દિવસે કુલ ૬૬ ફોર્મ
ભરાયા હતા.
કલેકટર કચેરીમાં આવેલી પ્રાંત અધિકારી
વિભાગની કચેરીમાં કોંગ્રેસની પેનલના ઉમેદવારોએ આજે સવારે
સરઘસાકારે વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભરતા કલેકટર કચેરીનું
કમ્પાઉન્ડ કાર્યકરોથી ચિક્કાર ભરાઈ ગયું હતું. હજુ આવતીકાલે ઉમેદવારી
ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી આ કચેરીમાં રાજકીય કાર્યકરોની
ભારે ગીરદી જોવા મળે તેવી સંભાવના છે.