home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

આ છે નવા જમાનાની કોમ્પ્યુટર કમાલ
ઇન્ટરનેટ-ગૂગલ સર્ચે બાળાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

અમદાવાદ,

કુદરતની મહેરબાની, માનવીની મહેનત અને વિજ્ઞાન - ઈન્ફર્મેશન ટેકનોલોજીની સહાય એ ત્રણેના સમન્વયે ચૌદ વર્ષની સીમલાના જીવનમાં અનહદ પ્યાર અને મિલનનું વાતાવરણ સર્જી દીઘું છે. આઠેક વર્ષ પહેલાં ટ્રેનની મુસાફરી દરમ્યાન અકસ્માતે પરિવારજનોથી વિખૂટી પડી ગયેલી એ બાળકીનું આજે પોતાના પિતા સાથે મિલન થયું ત્યારે ઓઢવના નારી સંરક્ષણ ગૃહ ખાતે હૃદયગંમ વાતાવરણ સર્જાયું હતું. આ ચમત્કારિક મિલનમાં કુદરતની મહેરબાની પછી સૌથી મોટું શ્રેય સર્ચ એન્જિન ‘ગુગલ’ને ફાળે જાય છે.

આઠ વર્ષ પૂર્વે ટ્રેઇનની મુસાફરીમાં ગુમ થયેલી બાળા અમદાવાદ નારી ગૃહમાં દાખલ થઇ હતી

છત્તીસગઢ રાજ્યના બિલાસપુર જિલ્લાના મુંગેલી તાલુકાના ટચૂકડા પચોટિયા ગામની સીમલાને પોતાના ગામના નામ સિવાય બીજી કોઈ જ માહિતી નહોતી. એ ક્યાં આવ્યું છે કે ત્યાં ક્યાંથી જઈ શકાય એવી કોઈ જ વિગતો ૧૯૯૮માં પરિવારજનોથી ગુજરાતમાં ક્યાંક વિખૂટી પડી ગયેલી આ બાળકી પાસે નહોતી છતાં ‘ખુદ દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ’ જેવી વાત એના જીવનમાં બની ગઈ. પરિણામે સોમવારની સવારથી આતુરતાપૂર્વક મા-બાપની રાહ જોઈ રહેલી સીમલાને છેક મોડી સાંજે પ્રેમાળ પરિવારજનો સંગાથ ફરીવાર મળી ગયો. આમ તો નાની ઉંમરે મા-બાપથી દૂર થઈ ગયેલી આ કિશોરીને મા-બાપ કે ભાઈ-બહેનનાં નામો સિવાય બીજું બઘું ય ઝાંખુ ઝાંખુ જ યાદ હતું. જો કે સવારે તે કહેતી હતી કે પચોટિયા લઈ જાઓ તો તરત ઘર બતાવી દઉં. એ ગામ, ત્યાંની નદી-ખેતર, ઢોર-ઢાંખરની યાદગીરી એના મનમાં એકદમ પાક્કી છે.

સીમલાનું વિખૂટા પડવું અને પરિવાર જોડે એનું પુનઃમિલન થવુ એ આખીય રસપ્રદ ઘટના આવી કંઈક છે. ૭-૭-૧૯૯૮ના દિવસે મણિનગર પોલીસે છ-સાત વર્ષની સીમલાને ઓઢવના નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી. ગામઠી હિન્દીમાં વાતચીત કરતી એ બાળકીનું નામ સીમલા, પિતાનું નામ સંતુભાઈ કેવટ અને ગામનું નામ પચોટિયા- એટલી જ માહિતી પોલીસ કને હતી. વતનમાંથી રોજગારી મેળવવા માતા-પિતા, મામા જામનગર બાજુ આવી રહ્યા હતા ત્યારે નાનકડી સીમલા કોઈક કારણસર ટ્રેનમાંથી નીચે ઉતરી ને કમનસીબે પરિવારજનોથી વિખૂટી પડી ગઈ. પરિવારજનોએ તપાસ કરી પણ ભાળ ન મળી. પોલીસ પોતાની વાત સાંભળશે કે નહીં તેની મૂંઝવણ પરિવારના મનમાં હશે કે કેમ પણ બીજી કંઈ કાર્યવાહી ત્યારે તો ન થઈ. જે થયું હોય તે - કોઈકની મદદથી, મણિનગર પોલીસના હાથમાં અને ત્યાંથી ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાં પહોંચી ગઈ. આ ઘટનાને આઠેક વર્ષનાં વહાણાં વાઈ ગયાં.

હમણાં મે મહિનાની ૨૬મી તારીખે સેવા નિવૃત્ત સનદી અધિકારી એચ. બી. વરિયા નારી સંરક્ષણ ગૃહમાં આવ્યા. તેઓ સ્વૈચ્છિક રીતે કામ કરે છે. તેમને સાથ છે સમાજ સુરક્ષા નિયામક એફ. પી. હાલાણી જેવા સંવેદનશીલ અધિકારીનો જેમની હકૂમતમાં ઓઢવનું આ સ્થળ આવે છે.

૨૬મી મેથી આજદિન સુધીનો ઘટનાક્રમ તેમણે વર્ણવ્યો તે આ મુજબનો છે. ૨૬મીએ ત્રણ-ચાર છોકરીઓના કેસ-હિસ્ટ્રી તપાસ્યા હતા. સીમલા તેમાંની એક હતી. તેની જોડે ધીમે ધીમે વાતો કરતાં માહિતી મળી તે તો પચોટિયા ગામથી વિશેષ કંઈ જ નહીં. અને ગામ ક્યાં, કેવું, બીજી કંઈ ભાળ મળે તેવી વિગતો પૂછી પણ નિરાશ થવું પડ્યું.

વરિયાજીને ચેન ન પડ્યું. ૨૮મી મેના રોજ સાઈબર કાફેમાં ગયા. સર્ચ એન્જિન ગુગલની મદદથી પચોટિયા- બિહાર વિલેજની માહિતી મેળવવા પ્રયાસ કર્યો પણ એમાંથીય કશું પ્રાપ્ત નહીં. પરિવારજનોની મદદથી ફરી એકવાર ગુગલ પર ખાલી ‘પચોટિયા’ વિશે સર્ચ કર્યું. ને જાણે કંઈક આશાનો સૂરજ ઉગતો દેખાયો. ગામ પચોટિયાનું ઠેકાણું મળ્યું તે મુજબ તે છત્તીસગઢ રાજ્યનું બિલાસપુર જિલ્લાના મુંગેલી તાલુકાનું ગામ છે. પછીથી ખોજ આગળ ચાલી.

છત્તીસગઢ સરકારની સત્તાવાર વેબસાઈટ પરથી જિલ્લાવાર તપાસ કરી. અને પછી બિલાસપુરના કલેકટર વિકાસ શીલનો (હવે બદલી થઈ ગઈ છે.) સંપર્ક કર્યો તે દિવસ હતો ૩૦મી મેનો. સહાનુભૂતિપૂર્વક મદદ માટેની માગણી કરી. ૩૧મીએ સાંજે ચારેક વાગે વરિયાને ત્યાં ફોન આવ્યો. તે હતો બિલાસપુરના કોઈક પોલીસ અધિકારીનો. એણે માહિતી આપી કે સીમલા નામની છોકરીના પિતા છે અને અહીં હાજર છે. વાતચીત થઈ. ઓળખ સાબિત કરે તેવી પ્રશ્નોત્તરી બાદ સીમલાને વાત કરાવી. મા-બાપ અને પરિવારજનોની સ્મૃતિથી, ઝળઝળિયાં ભરેલી આંખોવાળી સીમલા થોડુંક જ બોલી શકી. પછીથી માહિતી મળી કે એના પિતા અને મામા બે સ્થાનિક પોલીસ કોન્સ્ટેબલો સાથે પાંચમીએ અમદાવાદ આવી પહોંચશે.

હવે તો સરસ ગુજરાતી બોલતી સીમલા આજકાલ આઠમા ધોરણમાં ભણે છે. સોમવારે સવારે એ મળી, એને પૂછ્‌યું કે ગામ જઈને આગળ ભણીશ કે નહીં ? તો તરત કહે છે. હા, ભણવું તો પડે જ ને !

નારી સંરક્ષણગૃહ ખાતે સવારે અગિયાર વાગ્યાથી રાહ જોવાતી હતી. તેનો અંત છેક સાંજે પાંચેક વાગે આવ્યો. હાવરા એક્સપ્રેસમાં આવેલાં સીમલાનાં પરિવારજનો પ્રથમ ઓઢવ પોલીસ સ્ટેશન અને પછી નારી સંરક્ષણ ગૃહમાં પહોંચ્યા. દીકરી અને પિતાનું મિલન થયું એ ઘડીએ હાજર સહુ કોઈની આંખો પણ ભીની જ હતી.

પિતા-મામા સાથે મિલન થયું. ગરીબ પિતા પોકે પોકે રડી ઊઠ્યો. સાંજે બધી કાનૂની કાર્યવાહી પતાવવામાં આવી. હવે પરિવાર સાથે ગામ પાછી જવા તૈયાર થયેલી સીમલા જો કે મજબૂતાઈથી કહેતી હતી કે મારે વઘુ ભણવું છે અને અહીં રહીને ભણવું છે. સમાજ સુરક્ષા નિયામક હાલાણીએ કહ્યું કે તેની ઈચ્છા ભણવાની છે તો તે પૂરી થશે. આમ પણ તેના પિતાની આર્થિક પરિસ્થિતિ સારી નથી. તેથી અમે મદદ કરીશું.

સૂરીલા સ્વરે ભજન-પ્રાર્થના ગાતી સીમલાએ બધાંની વચ્ચે આજે સાંજે ય ફરીવાર ગાયું કે હે ઈશ્વર તું મને તારાં ચરણમાં લઈ જા...! ઈશ્વરે ગુગલના માઘ્યમથી મહેરબાની કરી છે તો સંવેદનશીલ અધિકારીઓની સહાયથી સીમલા ઈચ્છા મુજબ ભણી શકશે એ વાત પણ એટલી જ નક્કી છે.

Copyright   © Gujarat Samachar