home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

ગોતાલાવાડીના હીરાના કારખાનેદારે કારીગરોનો ૨૦ ટકા પગાર કાપ્યો

સુરત,

કતારગામ ગોતાલાવાડી ખાતે આવેલા એક હીરાના કારખાનેદારે કારીગરોના પગારમાં વીસ ટકાનો કાપ મૂક્યો હોવાની ફરિયાદ કારીગર વર્ગે કરી છે. મેન્યુફેકચરીંગમાં ખોટ જવાથી કારખાનેદારે આ પગલું ભર્યું છે અને પગારમાં કાપ ત્રણ માસ માટે જાહેર થયો છે.

ધંધામાં નુકસાનનું કારણ આપીને આશરે ૪૨૫ જેટલા કારીગરોના પગારમાં ત્રણ માસ માટે કાપ જાહેર કરાયો

હીરાના કારખાનામાં કામ કરતાં કારીગરે ફરિયાદ કરતાં જણાવ્યું કે, ધંધામાં ખોટ જવાનું કારણ આપીને કારખાનેદારે ત્રણ માસ માટે કારીગરોના પગારમાંથી ૨૦ ટકા રકમ કાપી લેવાની જાહેરાત કરી છે. કારખાનેદારની આ જાહેરાતને પગલે કારીગરોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. કારખાનામાં આશરે ૪૨૫ જેટલા કારીગરો કામ કરતાં હોવાનું જણાવાય છે.

ગોતાલાવાડી ખાતે આવેલા એ એકમનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવતાં, એકમમાં અત્યારે કોઇ જ નથી, એવો જવાબ સાફ-સફાઇનું કામ કરતા યુવાન દ્વારા આપવામાં આવ્યો હતો. કારીગરોનાં પગાર કાપી લેવામાં આવ્યો છે કે કેમ ? તેવા પ્રશ્ને તેણે કશું જાણતો નથી એમ જણાવ્યું હતું.

બીજી તરફ, મહાગુજરાત રત્ન કલાકાર સંઘના પ્રમુખ બાબુ જીરાવાળાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, મારી પાસે હજુ સુધી કોઇ કારીગરની ફરિયાદ આવી નથી. પણ, મંદીના માહોલમાં એવું બની શકવાની શક્યતા પૂરેપુરી છે. તેમણે વઘુમાં ઉમેર્યું કે, મંદીના આ માહોલમાં હીરા ઉદ્યોગમાં કારીગરોનો સમયસર પગાર થતો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં તૈયાર હીરાની કોઇ માંગ ન હોવાથી મેન્યુફેકચર્સ પાસે માલનો ભરાવો થયો છે અને વેપાર થતો ન હોવાથી સખત નાણાંભીડ છે. મેન્યુફેકચરર્સને પરવડતું ન હોય તેવા સંજોગોમાં પગારમાં કાપ યા તો પછી કારીગરોને છૂટાં કરવાનું વલણ કારખાનેદારો રાખતાં હોય છે, એમ ઉદ્યોગ સાથે સંકળાયેલાઓએ જણાવ્યું હતું.

Copyright   © Gujarat Samachar