|
કચરાના
નિકાલ માટે પાલિકાના વાહનોનો ઉપયોગ થઈ રહ્યો છે
કોન્ટ્રાક્ટરની બેદકારીના કારણે સેંકડો ટન કચરો ડેપોમાં સડી રહ્યો
છે
સુરત,
પાલિકાના કચરાડેપોમાંથી ડિસ્પોઝેબલ
સાઈટ પર કચરો લઈ જવાનું કામ કરતાં કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા દસેક
દિવસથી બેદકારી દાખવવામાં આવે છે. આ બેદકારીના
કારણે વરાછા તથા કતારગામના કચરાડેપોમાં સેંકડો ટન કચરો સડી રહ્યો
છે. કચરો સડી રહ્યો હોવાના કારણે પાલિકાએ કચરાના નિકાલ માટે પોતાના
વાહનોનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. પાલિકાની પહેલી નોટિસ છતાં
પણ કોન્ટ્રાક્ટરે બરોબર કામગીરી ન કરતાં કોન્ટ્રાક્ટ ટર્મીનેટ કરવા માટેની
નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાલિકાની પહેલી નોટિસ છતાં પણ કોન્ટ્રાક્ટરે
કામગીરી સુધારો ન કરતાં હવે ટર્મીનેટ માટે નોટિસ અપાશે
સુરત શહેરમાંથી કચરો ઉલેચી જુદા
જુદા કચરા ડેપોમાં ભેગો કરવામાં આવે છે. આ ડેપોમાંથી ડિસ્પોઝેબલ
સાઈટ પર કચરો લઈ જવામાં આવે છે. પરંતુ કતારગામ અને વરાછાના કચરાડેપોમાંથી
ડિસ્પોઝેબલ સાઈટ પર કચરો લઈ જતાં કોન્ટ્રાક્ટરની બેદકારીના કારણે
પ્રજા અને પાલિકાની મુશ્કેલી વધી છે. કતારગામ, વરાછા ઉપરાંત આંજણા
ડેપોમાંથી ડિસ્પોઝેબલ સાઈટ પર કચરો લઈ જવાનો કોન્ટ્રાક્ટ અનીસ મોહન
ચૌહાણને આપવામાં આવ્યો છે. પરંતુ તેની પાસે પુરતા વાહનો નથી અથવા
તે પુરતા વાહનોનો ઉપયોગ કરતો નથી. છેલ્લા દસેક દિવસથી
કોન્ટ્રાક્ટર દ્વારા વાહનોની સંખ્યામાં અચાનક ઘટાડો કરી દેવાતા સેંકડો
ટન કચરો ડેપોમાં ખડકાઈ જવા પામ્યો હતો.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કામગીરીને
સરળ બનાવવા માટે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ કોન્ટ્રાક્ટરે
કામગીરીની કામગીરીમાં કોઈ સુધારો થયો નહોતો. જેના કારણે
વરાછા કચરાડેપો પર સ્થિતિ એકદમ ખરાબ થઈ જવા પામી હતી. વરાછાની
જેમ જ ભરીમાતા ખાતે તાપી તટે આવેલી કચરાની સાઈડ પર પણ મોટી માત્રામાં
કચરો ભેગો થઈ ગયો હતો. કચરા ડેપો પર કચરાનો ઢગ થઈ જતાં પાલિકાએ
આ કચરા ડેપોની જગ્યાએ અન્ય કચરા ડેપો પર કચરો ઠાલવવાનો નિર્ણય કર્યો
હતો.
કોન્ટ્રાક્ટરના કારણે વરાછા અને કતારગામ
કચરાડેપોમાં સેંકડો ટન કચરો ભેગો થઈ ગયો હતો અને વરસાદના
કારણે કચરો કહોવાવા લાગ્યો હતો. તેમ છતાં પણ કોન્ટ્રાક્ટરે પુરતા
વાહનોનો ઉપયોગ ન કરતાં સ્થિતિ વઘુ ખરાબ થવા માંડી હતી. આવી સ્થિતિમાંથી
છુટકારો મેળવવા માટે આજે પાલિકાએ પોતાના વાહનોનો ઉપયોગ કરવાની
ફરજ પડી હતી.
અનીસ મોહન ચૌહાણ પાસે કતારગામ સાઈડ
પરથી કચરો લઈ જવાનો કોન્ટ્રાક્ટ છે ત્યાં રોજ અઢીસો ટન જેટલો કચરો
ભેગો થાય છે. જ્યારે વરાછા સાઈડ પર સાડાત્રણસો ટન અને આંજણા સાઈડ
પર ૧૭૫ ટન કચરો ભેગો થાય છે. આ કચરાના નિકાલ માટે કતારગામમાં ૧૧
ટ્રક, વરાછામાં ૧૩ ટ્રક તથા આંજણામાં છ ટ્રકનો ઉપયોગ કરવાનો હતો.
પરંતુ કોન્ટ્રાક્ટરે શરૂઆતમાં ટ્રકના ફેરા ઓછા લગાવતા કચરાડેપોમાં
કચરો ઉભરાઈ રહ્યો છે.
પાલિકાએ કામગીરી સુધારવા માટે
એક વાર નોટિસ આપી હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ તકેદારી
નહીં રાખતા હવે વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટને ટર્મીનેટ કેમ ન કરવો તે માટે
એક દિવસનો સમય આપતી નોટિસ આપવાની કાર્યવાહી શરૂ કરી દીધી
છે.
|