રાજકોટ-પોરબંદરના
જમીન અને ખનીજ
માફિયાના દબાણથી મોદી સરકારે કલેક્ટરોની કરેલી બદલી
ગાંધીનગર,
ગુજરાતમાં જમીન અને ખનીજ માફિયા તત્વોની
સામે સરકારે હાથ હેઠાં મુકી તેઓને નડતરૂપ એવા બે જિલ્લા કલેક્ટરોની
ચૂપચાપ બદલી કરી દીધી હોવાની ચર્ચા આજે દિવસ
દરમ્યાન સચિવાલયના સનદી વર્તુળોમાં વહેતી થઇ હતી. રાજકોટ
કલેક્ટર મોના ખંધાર અને પોરબંદર કલેક્ટર શિલા બેન્ઝામીનની
બદલી પાછળનું રાજકારણ સેક્રેટરી લેવલે વહીવટી આંચકા આપી જાય તેવું
છે.
મોના ખંધાર અને શિલા બેન્જામીનની
બદલી કરવા પાછળનું રાજકારણઃપહેલાં પ્રોત્સાહન પછી આંચકો
મહિલા સનદી અધિકારી મોના
ખંધારને સારી કામગીરી છતાં ગાંધીનગર જિલ્લા કલેક્ટર પદેથી
હટાવ્યા પછી તેઓને રાજકોટ જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
હતા. ૧૩ માસના સમયમાં મોના ખંધારે રાજકોટ જિલ્લામાં ૧૫૦ કરોડની
જમીન લેન્ડ માફીયાઓ પાસેથી છીનવી સરકાર હસ્તક લઇ લીધી હતી. આમ
જોવા જઇએ તો કલેક્ટરે ટૂંકાગાળામાં રાજ્ય સરકારને કરોડો રૂપિયાનો
ફાયદો કરાવી દીધો છે. તેઓ છેલ્લા ત્રણ મહિનાથી આ
ઝૂંબેશ ચલાવી રહ્યા હતા. એવામાં રાજકોટ શહેરના બહુચર્ચિત રણછોડવાડી
જમીન કૌભાંડમાં તપાસ કરી તેમણે ભાજપના મોટા ત્રણ નેતાઓને પાસામાં
પુરવાની તૈયારી કરી લીધી હતી. પ્રાપ્ત થતી વિગતો મુજબ મોના ખંધારે
આ એક જ કેસમાં ૨૨ કરોડ રૂપિયાની જમીન ખાલસા કરી દીધી હતી.
આ કિસ્સા પછી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ
જિલ્લા કલેક્ટરોને પાવર આપી એવી જાહેરાત કરી હતી કે સરકારી જમીન દબાવી
રાખનાર માફિયા તત્વોને બક્ષવાના નથી. કોઇપણ વ્યક્તિ હોય તેમને સજા મળવી
જોઇએ. આ જાહેરાતના સપ્તાહ પછી રાજ્ય સરકારે રાજકોટ જિલ્લાના કલેક્ટરની
બદલી કરી નાંખી છે. આ બદલી રાજકારણ રમાયું હોવાનો સંકેત
આપી જાય છે. માફિયા તત્વોને ત્રણ દિવસમાં જ પાસામાં પકડી લેવાની
વ્યૂહરચના ગોઠવી મોના ખંધારે જિલ્લાના પ્રાંત ઓફિસરને તપાસ સોંપી
હતી. આ તપાસ પુરી થયાનો રીપોર્ટ આવે તે પહેલાં બદલીના ઓર્ડર
જિલ્લા કલેક્ટરને ઇમેઇલ મારફતે મળી ગયા હતા.
મહિલા સનદી અધિકારીનો બીજો
કિસ્સો પોરબંદર જિલ્લા કલેક્ટરનો છે. પોરબંદરમાં ખનીજ માફિયા
તત્વોને છોડાવવા માટે રાજ્યના ગૃહ વિભાગની કાર્યવાહીથી સ્ટાફનું ડિમોરલ
થાય છે તેવો આક્ષેપ કરતો પત્ર લખનાર જિલ્લા કલેક્ટર શિલા બેન્ઝામીને
આ પ્રકારની પ્રવૃત્તિ બંધ થાય તેવી ‘લાઇન ઓફ એક્શન’ ઘડી
કાઢવાની ભલામણ કરી હતી.
તેઓએ મહેસૂલ વિભાગના અગ્રસચિવ વિલાસીની
રામચંદ્રનને આ પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે વઘુમાં કહ્યું હતું કે તાલુકાના
મઘુવન નામે ઓળખાતા વિસ્તારમાં દોલતસંિહ પુંજાભાઇ જાડેજા સામે ખનીજ
ચોરી બદલ પાસાનો કેસ કરવામાં આવ્યો હતો. પરંતુ ગૃહવિભાગે
ફેક્સ મેસેજથી તેને જામીન પર છોડાવ્યો છે. એ ઉપરાંત ૧૫૧ કિસ્સામાં ફરિયાદ
દાખલ કરી ૨૬ ઇસમો વિરુદ્ધ કાર્યવાહી છતાં કસૂરવારોને છોડાવવામાં
આવી રહ્યાં છે. પોરબંદર માફિયાગીરી માટે જાણીતો જિલ્લો છે. એક
મહિલા સનદી અધિકારીના લખેલા ગંભીર પત્રની નોંધ લઇ ભલામણ
સ્વિકારવાની જગ્યાએ સરકારે તેમની બદલી કરી નાંખી છે.
આજે સચિવાલયમાં આ બન્ને મહિલા અધિકારીઓને
ડિમોરલાઇઝ કર્યાની ચર્ચા થતી હતી. મોના ખંધારને આરોગ્ય વિભાગમાં
ડેપ્યુટી સેક્રેટીર અને શિલા બેન્ઝામીનને કૃષિ વિભાગમાં સંયુક્ત સચિવપદે
નિયુક્તિ આપવામાં આવી છે. મોના ખંધારના કેસમાં તો તેમના પતિ
મુકેશકુમાર રાજકોટ મહાનગરમાં મ્યુનિસિપલ કમિશ્નર છે અને તેમની સાથે કોર્પોરટરોએ
ખરાબ વ્યવહાર કર્યો હતો. આ ઘટનાએ એક સપ્તાહ સુધી ગાંધીનગરમાં
પણ ચકચાર મચાવી હતી. સરકાર સાથે થયેલી મંત્રણા પ્રમાણે તેમની પણ બદલી
તોળાઇ રહી છે.
|