આજનો દિનમહિમા
આજે સાતમી જૂન, જેઠ સુદ અગિયારસ,
નિર્જલા એકાદશી, શુભકાર્ય માટે આજે સામાન્ય દિવસ છે.
ગુજરાતના કર્મપુરુષ શ્રી ભાઈકાકા
ગાંધીજીએ એમને ટકોર કરેલી;
‘‘વિદ્યાપીઠ ધમધમે છે અને બીજી યુનિવર્સિટી બનાવી
તમે શું કરશો? ગામડામાં તમારી યુનિવર્સિટી ચાલશે ખરી?’’
- બસ એમને ચાનક ચડી.
અને એમણે ઉભી કરી સરદાર પટેલ
યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર. તાજેતરમાં યુજીસીએ સરદાર પટેલ યુનિવર્સિટીને
શ્રેષ્ઠ યુનિવર્સિટીનો રાષ્ટ્રીય એવોર્ડ આપ્યો. તેના પ્રથમ કુલપતિ હતા શ્રી
ભાઈકાકા.
સિન્ધ પ્રદેશનો એમણે બાંઘ્યો
સક્કરબરાજ બંધ. ઘૂળ ખાતા-ગર્દાબાદ મનાતા - અમદાવાદની
એમણે સિક્કલ પલટી નાંખી. એમણે ઠેર ઠેર બાગબગીચા, ડામરના પાકા રોડ,
અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ બનાવ્યું. શહેરને સુખનું અને આરોગ્યનું ધામ
બનાવ્યું.
૭-૬-૧૮૮૪માં ખેડા જિલ્લાના સોજીત્રા ગામે
તેમનો જન્મ થયો. એમનું નામ ભાઈલાલ ભાઈ દ્યાભાઈ પટેલ. મેટ્રિકનો અભ્યાસ
કરી વડોદરા કૉલેજમાંથી તેઓ એન્જિનિયર થયા.
મુંબઈમાં ઈજનેરની સરકારી નોકરી તેમણે
સ્વીકારી. સક્કરબરાજ બંધ, મહિ કેનાલ, નર્મદાબંધ - એ સૌ
કાર્યોમાં તેમણે સક્રિય રસ લીધો. નડિયાદનું વિઠ્ઠલ કન્યા વિદ્યાલય,
વિઠ્ઠલ ઉદ્યોગનગર તેમનાં પુરુષાર્થનાં જીવંત સ્મારકો છે.
કાંકરિયા તળાવ, બાલવાટિકા, નગીનાવાડી,
એ આખો લીલોછમ વિસ્તાર તેમણે ફરી તૈયાર કરાવ્યો. પાછલી ઉંમરે તેમણે
સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી. કોંગ્રેસની શક્તિને પડકારી.
આજે જ્યારે તમામ લોકો પૈસા તરફ દોડી
રહ્યા છે, સત્તાવાળાઓ શહેરો અને ઉદ્યોગો તરફ આંખો મીંચીને દોડી
રહ્યા છે ત્યારે ગામડાં, ખેતી, પશુપાલન એ સૌ તરફ તથા તેનાં પોષણ
અને વિકાસ તરફ ભાઈકાકાએ જીવન આપી દીઘું.
ભાઈકાકા પોતે પણ સાદું, સંયમી
અને ખડતલ જીવન જીવતા. દ્રઢ મનોબળ અને સતત પુરુષાર્થ તેમનું જીવનવ્રત હતા.
ઈ.સ. ૧૯૭૦માં તેમનું અવસાન થયું.
|