યુપીએ સરકારની બીજી મુદતમાં સૌથી વઘુ ગવાયેલા-વગોવાયેલા ટુ-જી સ્પેક્ટ્રમની ફાળવણીના કૌભાંડમાં સર્વોચ્ચ અદાલતે આકરું વલણ અપનાવ્યું છે. વર્ષ ૨૦૦૮માં થયેલી ટુ-જી સ્પેક્ટ્રમની હરાજીને બદલે ‘વહેલા તે પહેલા’ના ધોરણે સ્પેક્ટ્રમની ફાળવણી કરવાનો સરકારી નિર્ણય સર્વોચ્ચ અદાલતે રદબાતલ ઠરાવ્યો છે અને એ સ્પેક્ટ્રમની નવેસરથી ફાળવણી કરવાનો હુકમ કર્યો છે.
અદાલતના ચુકાદાના પગલે ૮ કંપનીઓનાં ૧૨૨ લાયસન્સ રદ થશે, પરંતુ તેનાથી વિશ્વના બીજા નંબરના સેલફોન માર્કેટ ગણાતા ભારતના ૮૯ કરોડ સેલફોનધારકોમાંથી બહુ થોડાને તેની અસર પડશે.
કારણ કે, અદાલતે અસરગ્રસ્ત ૮ કંપનીઓને તેમની કામગીરી સમેટવા માટે ચાર મહિનાનો સમય આપ્યો છે. એ ગાળામાં તેમના ગ્રાહકો પોતાનો નંબર બદલ્યા વિના બીજી સેલફોન સર્વિસ અપનાવી શકશે. આમ પણ, અદાલતના ચુકાદાથી અસર પામેલી કંપનીઓ પાસે આખા સેલફોન માર્કેટના માંડ પાંચ ટકા ગ્રાહકો છે. આ કંપનીઓમાં યુનિનોર, ટાટા ટેલીસર્વિસીસ, લૂપ ટેલીકોમ, વિડીયોકોન અને એસટેલનો સમાવેશ થાય છે. ઉપરાંત આઇડીયા સેલ્યુલરને પણ કેટલાંક ટેલીકોમ સર્કલમાં ૨૦૦૮માં લાયસન્સ મળ્યું હતું, જે આ ચુકાદાના પગલે રદ થશે.
સૌથી મોટો ફટકો યુનિનોર બ્રાન્ડ ધરાવતી કંપની યુનિટેક વાયરલેસને પડશે. કારણ કે ૨૦૦૮માં લાયસન્સ મેળવનાર કંપનીઓમાંથી સૌથી વધારે જોર યુનિનોરે લગાવ્યું હતું અને પાછલાં વર્ષોમાં બીજી નવી કંપનીઓની સરખામણીમાં નવા ગ્રાહકો મેળવવામાં પણ યુનિનોરને સૌથી વધારે સફળતા મળી હતી. ડિસેમ્બર, ૨૦૧૧ સુધીમાં તેના ૩.૬ કરોડ ગ્રાહકો નોંધાયેલા હતા. યુનિટેક વાયરલેસના પ્રવક્તાએ એવી હૈયાવરાળ ઠાલવી હતી કે ‘સરકારી નીતિ (વાંચોઃ ગેરરીતિ)ના વાંકે તેમની કંપનીનો મરો થઇ રહ્યો છે. બાકી, અમે તો સરકારી નીતિનિયમોનું પૂરેપૂરું પાલન કર્યું હતું.’
૨૦૦૮માં ફાળવાયેલાં લાયસન્સના વિરોધમાં અદાલતમાં રજૂઆત થયા પછી પણ ટેલીકોમ કંપનીઓને એવી અપેક્ષા હતી કે સર્વોચ્ચ અદાલત લાયસન્સ રદ કરવા જેવું આત્યંતિક પગલું નહીં લે. પરંતુ થોડા અરસાથી કડક ભાષા અને કડક નિર્ણયો માટે જાણીતી બનેલી અદાલતે એક ઝાટકે ઘડિયાળના કાંટા ઊંધા ફેરવી દીધા છે અને ૨૦૦૮માં ફાળવાયેલો ગોલમાલગ્રસ્ત ટુ-જી સ્પેક્ટ્રમ ફરી એક વાર ખુલ્લો કરી દીધો છે. અદાલતના ચુકાદાનો એક સ્પષ્ટ સૂચિતાર્થ એ છે કે વડાપ્રધાનની કચેરી જેમાં સંકળાયેલી હતી એવા નિર્ણયને તેણે અયોગ્ય અને અમાન્ય ઠેરવ્યો છે. તેનાથી સ્વાભાવિક રીતે જ સરકારનું નાક કપાયું છે અને તેના માટે નીચાજોણું થયું છે. આ કૌભાંડમાં ફક્ત ભૂતપૂર્વ ટેલીકોમ મંત્રી રાજા કે કંપનીના અફસરો જ નહીં, પણ બીજાં ઘણાં મોટાં માથાં સંડોવાયેલાં હશે, એવી આશંકાઓ અને અટકળોને પણ સર્વોચ્ચ અદાલતના આદેશ પછી બળ મળે છે.
આ સૂચિતાર્થો ખાળવા માટે સત્તાધારી પક્ષે તેમના બોલકા ટેલીકોમ મંત્રી કપિલ સિબ્બલને ખુલાસા કરવા આગળ ધરી દીધા છે. સિબ્બલે સલુકાઇથી એવો બચાવ કર્યો છે કે અદાલતે ‘વહેલા તે પહેલા’ નીતિની ટીકા કરી છે, જે યુપીએ સરકારની નહીં, પણ તેની પહેલાંની એનડીએ સરકારના શાસન દરમિયાન નક્કી કરવામાં આવી હતી. આખી ઘટનામાં વડાપ્રધાન અને ચિદમ્બરમની કોઇ ભૂમિકા નથી અને સર્વોચ્ચ અદાલતે પણ એ સ્વીકાર્યું છે કે રાજાએ નિર્ણય લેતાં પહેલાં આ બન્નેનાં મંત્રાલયોની સલાહનું પાલન કર્યું ન હતું. કપિલ સિબ્બલની સો વાતની એક વાત એ છે કે વડાપ્રધાન-ચિદમ્બરમ્ નિર્દોષ છે. ખરી દોષી એનડીએ સરકાર છે, જેણે ટુ-જી સ્પેક્ટ્રમની ફાળવણી માટે ‘વહેલા તે પહેલા’ નીતિ ઘડી. બીજા દોષી તત્કાલીન ટેલીકોમ મંત્રી રાજા છે, જે સ્પેક્ટ્રમની ફાળવણીની પ્રક્રિયામાં ગેરરીતિ આચરતા જણાયા છે.
સિબ્બલનો આ બચાવ ટેકનિકલ રીતે સાચો હોવા છતાં એ ગળે ઉતરે એવો નથી. કારણ કે રાજાએ ગેરરીતિ કરી હોય તો પણ એ મનમોહન સરકારના જ મંત્રી હતા. તેમની સામે પગલાં લેવામાં જે અસાધારણ વિલંબ થયો અને એ મુદ્દે પણ સર્વોચ્ચ અદાલતે સરકારને ઠપકારી, તેનાથી સરકાર માટે શરમજનક સ્થિતિ પેદા થઇ છે.
ચુકાદાની બીજી અસર ભારતમાં રોકાણ કરતી આંતરરાષ્ટ્રિય કંપનીઓ પર થઇ શકે છે. કારણ કે આ ચુકાદાથી કોઇ વાંકગુના વિના વિદેશી કંપનીઓનાં હિત જોખમાયાં હોવાની એક છાપ ઉભી થઇ છે. એ છાપ સાચી હોય તો પણ, પારદર્શકતા અને પ્રામાણિક ફાળવણી વધારે અગત્યના મુદ્દા છે. ભારતમાં કોર્પોરેટ ક્ષેત્રે સરકારી મંત્રીઓ અને કંપનીઓના અધિકારીઓ ભેગા મળીને કુલડીમાં ગોળ નહીં ભાંગી શકે, એવો સ્પષ્ટ સંદેશ સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી જાય તે બહુ જરૂરી છે. આમ થવાથી ટૂંકા ગાળે કદાચ કેટલીક વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરતાં પહેલાં વિચાર કરે, પણ લાંબા ગાળે કોઇ પણ પ્રકારની લાગવગ વગર કાયદાકાનૂન પ્રમાણે ધંધો થઇ શકે એવા દેશ તરીકે ભારતની આબરૂ વધશે. |
|