Last Update : 05-Feb-2012,Sunday
 

દિલ્હીની કમનસીબ ફલક વ્યાપક સેક્સ રેકેટની નિશાની છે

 

બે વર્ષની ફલકને સારવાર માટે દિલ્હીમાં લાવનારી ૧૪ વર્ષની સગીર કન્યા પોતે એક વ્યાપક વેશ્યા વ્યવસાયના ષડયંત્રનો ભોગ બનેલી છે
નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ (એમ્સ)ની હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહેલી બે વર્ષની બાળકી ફલકનો ઇતિહાસ તપાસતાં આપણા દેશમાં કુમળા ફૂલ જેવાં બાળકોની પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. આ ફલકને એક ૧૪ વર્ષની કન્યા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈને આવી હતી. તે વખતે ફલકના માથામાં ગંભીર ઈજા થઈ હતી, તેના બંને હાથ ભાંગી નાખવામાં આવ્યા હતા, તેના આખા શરીર ઉપર બચકાના નિશાનો હતા અને તેના ગાલે ગરમ ઇસ્ત્રીથી દાઝવાની નિશાની હતી. ફલકને આ હોસ્પિટલમાં લાવનારી ૧૪ વર્ષની કન્યાએ એવો દાવો કર્યો હતો કે, ફલક તેની પુત્રી છે અને તે પથારીમાંથી નીચે પડી જવાને કારણે તેની આ હાલત થઈ છે. હવે એવું બહાર આવ્યું છે કે આ કન્યા પોતે સેક્સ રેકેટનો ભોગ બની હતી. આ વ્યાપક સેક્સ રેકેટ સમગ્ર ઉત્તર ભારતમાં ફેલાયેલું છે.
ફલકને હોસ્પિટલમાં લાવનારી કન્યાની ઉલટ તપાસ કરવામાં આવી ત્યારે તેણે ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને ચોંકાવનારી માહિતી આપી હતી. આ માહિતીના આધારે સંગમવિહાર પોલીસે ૨૫ વર્ષની આરતી નામની મહિલાની ધરપકડ કરી છે. જેણે આ કન્યાને વેશ્યા વ્યવસાયમાં ધકેલી હતી. આ રીતે સગીર કન્યાઓને ફસાવીને તેમને વેશ્યા વ્યવસાયમાં ધકેલવાનું એક વ્યાપક ષડયંત્ર પોલીસના ધ્યાનમાં આવ્યું છે. કન્યાના જણાવ્યા મુજબ તે ફલકની માતા નથી. તેને ફલકનો કબજો રાજકુમાર નામના ઇસમે બે મહિના અગાઉ સોંપ્યો હતો. આ કન્યા એકલા હાથે ફલકનો ઉછેર કરી શકે તેમ ન હોવાથી ગુસ્સામાં આવીને તેણે ફલકને દિવાલ સાથે અફાળી હતી. આ ફલકની લાંબી કરમકહાણી છે.
પશ્ચિમ દિલ્હીમાં રહેતી લક્ષ્મી નામની મહિલાએ પોલીસને જણાવ્યું છે કે, ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં મુન્ની નામની ફલકને લઈને તેના ઘરે આશરો માગવા આવી હતી. મુન્નીનું કહેવું હતું કે તેનો પતિ તેને તરછોડીને ચાલ્યો ગયો છે. લક્ષ્મીને દયા આવી એટલે તેણે મુન્નીને પોતાના ઘરમાં આશરો આપ્યો. મુન્ની લક્ષ્મીના ઘરમાં નોકરાણી તરીકે કામ કરવા લાગી. ૨૦ દિવસ પછી મુન્ની ફલકને મૂકીને ભાગી ગઈ. થોડા દિવસ પછી લક્ષ્મીની પડોશમાં રહેતો મનોજ નામનો યુવક તેની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે રાજકુમાર નામનો ટેક્સી ડ્રાઇવર ફલકને દત્તક લેવા તૈયાર છે. લક્ષ્મીએ ફલકનો કબજો રાજકુમારને સોંપી દીધો. તે ફલકને લઈને પોતાની પત્ની સાથે દ્વારકા વિસ્તારમાં રહેવા લાગ્યો. રાજકુમારના પોતાના બાળકો મુંબઈમાં તેની પત્નીના પિયરમાં રહેતા હતા. રાજકુમારની પત્નીએ ફલકને અપનાવવાનો ઇન્કાર કર્યો એટલે બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. રાજકુમારે આ ઝઘડાથી કંટાળીને દિલ્હીની ઝુંપડપટ્ટીમાં રહેતી પોતાની સગીર વયની પ્રેમિકાને ફલકનો કબજો સોંપી દીધો. જાન્યુઆરી મહિનામાં રાજકુમાર પોતાના બાળકોને મળવા મુંબઈ ગયો એટલે ફલકના ઉછેરની જવાબદારી તેની સગીર વયની પ્રેમિકા ઉપર આવી ગઈ. તે બાળકનો ઉછેર કરી શકે તેમ ન હોવાથી ગુસ્સામાં આવીને બાળકને ઇજા પહોંચાડતી હતી. પોલીસે રાજકુમારની ધરપકડ માટે મુંબઈમાં તેની સાસરીમાં ચોકીપહેરો ગોઠવી દીધો હતો, પણ તે છટકી જવામાં સફળ થયો છે. હવે પોલીસ માને છે કે ફલકને લઈને લક્ષ્મીના ઘરે આવેલી મુન્નીબાઈ પણ તેની ખરી માતા નહીં હોય પણ તેણે ક્યાંકથી ફલકની ચોરી કરી હશે.
ફલકની જેમ લાંબી કહાણી છે તેમ ફલકને હોસ્પિટલમાં લાવનારી ૧૪ વર્ષની સગીર કન્યાની પણ હૃદયદ્રાવક કહાણી છે. આ કન્યાને પોલીસને જણાવ્યું છે કે તેની પડોશમાં રહેતી પૂજા પાંડે નામની મહિલાએ તેને સેક્સના ધંધામાં ધકેલી હતી અને તે ચાર પુરુષોના અત્યાચારનો શિકાર બની છે. તેણે એવો આક્ષેપ પણ કર્યો છે કે તેનો પ્રેમી રાજકુમાર પણ આ સેક્સ રેકેટમાં સંડોવાયેલો છે. આ કન્યાના પિતાએ એવો આરોપ મૂક્યો છે કે સેક્સ રેકેટના સૂત્રધારો તેની પુત્રીનું અપહરણ કરીને લઈ ગયા હતા. આ બાબતની ફરિયાદ ગયા વર્ષની ૨૬મી મેના રોજ સંગમ વિહાર પોલીસ સ્ટેશને લખાવવામાં આવી હતી પણ પોલીસે તેનો પત્તો મેળવવામાં બિલકુલ રસ લીધો નહોતો. કન્યાએ એવો આક્ષેપ કર્યો છે કે તેના પિતા જ તેની જાતીય સતામણી કરતા હતા પોલીસે હવે કન્યાના પિતાની પણ ધરપકડ કરી છે.
આપણા દેશમાં બાળકોની હાલત અત્યંત દયનીય છે. દર વર્ષે ૬૦ લાખથી વધુ બાળકોની તો માતાના ગર્ભમાં જ હત્યા કરી દેવામાં આવે છે. જે બાળકો બચી જાય છે તેમાંના ૬૦ ટકાથી વધુ બાળકો કુપોષણનો ભોગ બને છે. તેમાંના કેટલાકના બાળમરણ થાય છે. જેઓ બચી જાય છે તેઓ પૈકી ઘણા પોતાને ઘરઆંગણે, સ્કૂલોમાં, બગીચાઓમાં સતામણીનો અને મારપીટનો ભોગ બને છે. જે માતાપિતાઓ બંને નોકરી કરતાં હોય તેઓ પોતાના બાળકોને પારણામાં મૂકીને જાય છે. પારણાં ઘરના સંચાલકો પણ ક્યારેક બાળકની સતામણી કરે છે. શ્રીમંત માબાપોને બાળકોના ઉછેર માટે ફુરસદ હોતી નથી. તેઓ બાળકને નોકરચાકરના ભરોસે મૂકીને જાય છે, જેઓ બાળક સાથે અડપલાં કરે છે. જે માબાપે છૂટાછેડા લીધા હોય તેમના બાળકો આંશિકપણે અનાથ બની જાય છે. ઘણી વખત આવા બાળકો ઘર છોડીને ભાગી પણ જાય છે.
ફલકને હોસ્પિટલમાં લઈને આવેલી ૧૪ વર્ષની કન્યા પણ ઘરેલુ હિંસાનો ભોગ બનેલી હતી. આ કન્યાના પિતાએ તેના પિત્રાઈની હત્યા કરી નાંખી હતી. આ હત્યા બદલ તેઓ આઠ વર્ષ જેલમાં રહ્યા હતા. તેઓ જામીન પર છૂટયા ત્યારે તેમનો સ્વભાવ ક્રોધી થઈ ગયો હતો. તેઓ પોતાની પત્ની અને પુત્રીને ચામડાના પટ્ટાથી મારતા હતા. થોડા સમય પછી કન્યાની માતા મરી ગઈ એટલે પિતાએ કન્યાને એક હોસ્ટેલમાં રહેવા મોકલી દીધી હતી. હોસ્ટેલમાં તેઓ જુઠ્ઠું બોલ્યા કે આ છોકરીના મા-બાપ મરી ગયા છે અને હું તેનો કાકો છું.
૧૪ વર્ષની કન્યાના પાડોશમાં રહેતી પૂજા પાંડે એક મોટા સેક્સ રેકેટની સભ્ય હતી. પૂજાએ જોયું કે આ કન્યાનું કોઈ નથી એટલે એ તેને ભોળવીને ઇટાહ લઈ ગઈ હતી. અહીં પૂજાના પતિ સંદીપે તેના ત્રણ દિવસ સુધી તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. અહીં પૂજાએ સગીર કન્યા પાસે રીતસર વેશ્યા વ્યવસાય શરુ કરાવ્યો. દરરોજ જુદા જુદા પુરુષો આવતા અને કન્યાના દેહનો ઉપભોગ કરતા હતા. તેમાંથી જે આવક થાય તે રૃપિયા પૂજા પોતાની પાસે રાખી લેતી હતી. આ રીતે કન્યાને એક- એક અઠવાડિયા માટે જુદા જુદા વિસ્તારમાં વેશ્યા વ્યવસાય કરવા મોકલવામાં આવતી હતી. રાજકુમાર તેને ટેક્સીમાં લાવવા- લઈ જવાનું કામ કરતો હતો અને તે પણ બળાત્કાર ગુજારતો હતો.
૧૪ વર્ષની કન્યાને વેશ્યા વ્યવસાયમાં ધકેલનારી પૂજા પાંડેની પણ એક અલગ કથા છે. પૂજાનો જન્મ કોલકાતાના બદનામ સોનાગાચ્છી વિસ્તારમાં એક વેશ્યાની કૂખે થયો હતો. પૂજાના લગ્ન દિલ્હીમાં કરવામાં આવ્યા હતા. પૂજાનો પતિ ઘરડો હોવાથી પૂજા તેને ધિક્કારતી હતી. પૂજા પોતાના ઘરડા પતિના યુવાન ભત્રીજા સંદીપના પ્રેમમાં પડી હતી અને તેની સાથે રહેવા લાગી હતી. સંદીપે ઇટાહમાં સગીર કન્યા ઉપર બળાત્કાર કર્યો તે પછી પૂજા તેને લઈને દિલ્હી આવી હતી અને તેને તુઘલખાબાદ વિસ્તારમાં રાખી હતી પૂજા તેને દક્ષિણ દિલ્હીની નાની નાની હોટલમાં ગ્રાહકો પાસે મોકલી આપતી અને તેની કમાણીમાંથી જલસા કરતી હતી. પૂજાએ આ કન્યાને એક બુઢ્ઢા સાથે પરણાવાવી દેવાની પણ કોશિષ કરીહતી. પોલીસે પૂજાની, સંદીપની, લક્ષ્મીની અને આરતી નામની સ્ત્રીની ધરપકડ કરી છે, જેઓ સેક્સ રેકેટના સભ્યો છે.
આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રાજકુમાર હજી ભાગતો ફરે છે. દિલ્હીની પોલીસે રાજકુમારની ધરપકડ કરવા માટે મુંબઈ ઉપરાંત બિહાર, હરિયાણા અને રાજસ્થાનમાં પણ ટુકડીઓ રવાના કરી છે. રાજકુમારના અનેક સગા-સંબંધીઓને ત્યાં પણ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. રાજકુમાર પાસે બે બેન્કોના એટીએમ કાર્ડ છે આ કાર્ડ ઉપરથી કોઈ રૃપિયા ઉપાડવામાં આવે તેના ઉપર પણ પોલીસ નજર રાખી રહી છે. જો કે, રાજકુમાર એટલો હોંશિયાર છે કે હજી સુધી તેણે રૃપિયા ઉપાડવા એટીએમ કાર્ડનો ઉપયોગ કર્યો નથી. પોલીસ રાજકુમારની જેમ ફલકને લક્ષ્મીના ઘરે છોડી જનારી મુન્નીબાઈની પણ સઘન તલાશ કરી રહી છે. આ મુન્નીબાઈ ફલકની સાચી માતાપણ હોઈ શકે છે.
નવી દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીઝની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી ફલક જીવી જશે કે મૃત્યુ સામેના જંગમાં હારી જશે એ સવાલ આજે સૌ કોઈના હૈયે છે.
તેના કરતા પણ વિકટ સવાલ એ છે કે આ બે વર્ષની માસુમ બાળકીનો કયો ગુનો હતો કે તેણે પારણામાં પોઢવાની ઉંમરમાં આ યાતના સહન કરવી પડી ? ફલક જેવી યાતના કદાચ સેંકડો બાળકીઓ સહન કરતી હશે, પણ તેમના કિસ્સાઓ અખબારોના પાને ચમકતા નહીં હોય. ફલકનો કિસ્સો વિગતવાર વાંચીને ખ્યાલ આવે છે કે આપણા સમાજમાં એવી અનેક વિકૃતિઓ પ્રવર્તમાન છે કે જેને કારણે ૧૪ વર્ષની કન્યાઓ વેશ્યા બની જાય છે અને બે વર્ષની બાળકીઓ અત્યાચારનો શિકાર બની જાય છે. આપણા લાખો બાળ નાગરિકોને આ પ્રકારના અત્યાચારોથી મુક્ત કરવા સમાજના હિતચિંતકોએ કોઈ ઉપાય ખોળી જ કાઢવો જોઈએ.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

દેશી બીટ પર લેવાતો એરોબિક્સનો આનંદ
વુલન કેપ્સ ઃ ફેશન પણ અને સુરક્ષા પણ
 

Gujarat Samachar Plus

બોર્ડમાં બેડો પાર કરવા લાતૂર પેટર્ન ફોલો કરો
ફાઈવ સ્ટાર હોટેલના શેફે શિખવાડી આંગણવાડીની બહેનોેને રેસીપી
હેરિટેજની બાંગો મારતા મ્યુનિ.પાસે સાઈનબોર્ડના પૈસા નથી
હવે ડક્ટ ટેપ પેર્ટન ફેશનમાં ઈન
પરીક્ષાની તૈયારી કરતી સમયે શું વાંચવું યોગ્ય છે?
સ્પેશિયલ હોમ ડેકોર ઈન એવરી સીઝન
  More Stories
 

Live Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

આઈ.ડી ઈન્ટીટ્યુટ મેડિકલ ગારમેન્ટનો ફેશન શા

webad3 lagnavisha
   

Follow Us

facebook twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved