એક ભારત જ દુનિયામાં એવો છે કે જેણે બીજા દેશોને ગુલામ બનાવ્યા ન હોય. ભારતના સંસ્કાર, સંસ્કૃતિ અને ધર્મ માનવીને ગુલામ બનાવવાનુ શીખવતા નથી. જ્યારે ઉલટાનું ભારતે પાકિસ્તાન ઉપર જીત મેળવીને એનો ત્યારે જે એક ભાગ હતું એ અત્યારના બાંગ્લાદેશનો કબજો કરેલો છતાં દુનિયાના ઇતિહાસમાં કદી બન્યું નથી એ રીતે દેશને મુક્ત કરીને એના નેતાને સોંપી દીધો !
બીજા વિશ્વયુદ્ધ પહેલાં એટલે ૧૯૪૪ પહેલાં દુનિયામાં લગભગ ૧૦૦ જેટલા દેશો ગુલામ હતા. મોટા ભાગના એ દેશો યુરોપના ઇંગ્લાંડ, ફ્રાન્સ, પોર્ટુગલ, ડચ, રશિયા, અમેરિકા વગેરે દેશોના ગુલામ દેશો હતા. એટલે કે ત્યારે દુનિયાની એક તૃતિયાંશ એટલે ૭૫ કરોડ પ્રજા ગુલામ હતી. (ત્યારે ભારતની વસતિ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત ૪૦ કરોડની હતી જ્યારે આજે એકલા ભારતની વસતિ ૧ અબજ અને ૨૦ કરોડ છે !)
હજી અત્યારે પણ ૧૬ જુદા જુદા દેશોમાં લગભગ ૨૦ લાખની વસતિ ગુલામ છે.
યુનો (સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન) દર વર્ષે દેશોને આઝાદ કરાવવા માટે એક ખાસ અધિવેશન બોલાવે છે પણ પરિણામ કંઈ આવતું નથી. જો કે બીજા વિશ્વયુદ્ધ પછી યુનોની રચના થયા પછી ૮૦ જેટલા દેશો આઝાદ થયા જેમાં ભારત પણ એક છે.
આમ છતાં હજી ૧૬ દેશો દુનિયામાં એવા છે કે જે હજી આઝાદ નથી થયા. એ દેશો જો કે નાના નાના જ છે પણ ગુલામ છે એમાં ૧૦ દેશ બ્રિટન ઇગ્લાંડના ગુલામ છે, ૩ અમેરિકાના, ફ્રાન્સ, ન્યુઝીલેન્ડ અને મોરક્કોના પણ એક એક દેશ ગુલામ છે. એ દેશો આ છે...
બ્રિટનના તાબાના જે ૧૦ દેશો છે એમાં...
(૧) ફોકલૅન્ડ ઃ
આ ટાપુ દેશ છે. આટલાંટિક મહાસમુદ્રમાં એ દક્ષિણ અમેરિકામાં આવેલો દેશ છે આર્જેન્ટિનાની સામે જ આવેલો છે.
એના બે ટાપુ છે. પૂર્વ ફોકલેન્ડ અને પશ્ચિમ ફોકલેન્ડ. એ બન્ને મોટા ટાપુ છે અને એ સિવાય ૨૦૦ ટાપુ નાના નાના છે. એ બધાને ભેગા કરીને દેશ બનેલો છે એનું ક્ષેત્રફળ ૧૨,૧૭૩ ચોરસ કિલોમીટર છે જ્યારે વસતિ ૨૦૦૧ની ગણતરી પ્રમાણે ૨,૩૯૧ છે.
જનતાનો મુખ્ય વ્યવસાય મત્સ્ય ઉદ્યોગ અને વહાણો બનાવવાનો છે.
(૨) ટકર્સ એન્ડ કૈકોસ ઃ
૧૮,૮૩૮ની વસતિવાળો અને ૪૦ ટાપુનો બનેલો આ દેશ ડોમિનિકલ રિપબ્લીકથી ૧૪૫ કિ.મી. દૂર કેરેબિયન સમુદ્રમાં આવેલો છે. એનો ૪૦ ટાપુઓમાંથી ગ્રાન્ડ ટર્ક, દક્ષિણ કેકોસ, મઘ્ય કેકોસ, ઉત્તર કૈકોસ, પ્રોવિડેન્સીયસ અને સોલ્ટકે નામના છ જ ટાપુઓ પર વસતિ છે.
મુખ્ય ઉદ્યોગ માછીમારીનો છે. બાકી પર્યટન ઉદ્યોગ છે. બ્રિટન, કેનેડા અને અમેરિકાના ઉદ્યોગપતિઓએ ત્યાં વેપાર- ધંધામાં રોકાણ કરેલું છે.
(૩.) એંગ્યુઇલા ઃ
૨૦૦૭ની વસતિ ગણતરી પ્રમાણે ૧૩,૬૭૩ની વસતિવાળો આ દેશ દક્ષિણ અમેરિકાના પ્યુટોરિકા નામના દેશની પૂર્વમાં ૨૪૦ કિ.મી. દૂર છે. એ પણ ઘણા નાના નાના ટાપુઓનો દેશ છે. કુલ ક્ષેત્રફળ ૯૬ ચોરસ કિ.મી. છે. આ ૨૬ કિ.મી. લાંબો અને ૫ કિ.મી. પહોળો છે.
અગાઉ જ્યારે આપણો દેશ બ્રિટનનો ગુલામ હતો ત્યારે આંદામાનના ટાપુ ગુનેગારોની સજા માટે ઉપયોગમાં લેવાતો જેને ‘કાળાપાણીની સજા’ કહેતા આજે જો કે એ ટાપુ પ્રવાસન સ્થળ છે પણ ત્યારે ત્યાં ફક્ત જેલ જ હતી.
હવે બ્રિટન આ ટાપુઓનો ઉપયોગ ખુંખાર ગુનેગારોને સજા કરવા માટે કરે છે જેને પણ ‘‘કાળા પાણીની સજા’’ કહે છે.
બાકી પર્યટન એ બાંધકામ જેવા ઉદ્યોગો એની આવક છે.
(૪.) સેન્ટ હેલેના ઃ
ફક્ત ૩,૭૫૦ની વસતિવાળો આ ટાપુ ઇ.સ. ૧૮૩૪થી બ્રિટનના તાબામાં છે. દક્ષિણ અમેરિકાના બ્રાઝીલ નામના દેશથી ૨૯૦૦ કિ.મી. દૂર એટલાંટિક મહાસાગરમાં તથા આફ્રિકાના અંગોલા દેશથી પશ્ચિમમાં ૧૯૦૦ કિ.મી. દૂર એ આવેલો છે. એની ચારે બાજુ પર્વતો જ છે એનું ક્ષેત્રફળ ૪૧૨ ચોરસ કીલોમીટર છે.
ફ્રાન્સના સમ્રાટ નેપોલિયને બ્રિટન અને યુરોપના દેશો ઉપર આક્રમણ કરી છેલ્લે એ બ્રિટનના હાથે હારી ગયો અને કેદ પકડાયો પછી એના છેલ્લા દિવસો આ ટાપુ પર કાઢવા બ્રિટને એને અહીં કેદ રાખેલો. એ કારણે એનું ઐતિહાસિક મહત્ત્વ છે. બાકી ટાપુ એકદમ પછાત છે. વસતિમાં વૃદ્ધો વઘુ છે કારણ કે યુવાનો દેશ છોડીને ચાલ્યા જાય છે.
(૫.) કેમૈન આઇલેન્ડ ઃ
બન્ને અમેરિકાની વચ્ચેના પ્રદેશમાં જમૈકા નામના ટાપુની પશ્ચિમે ૧૮૦ માઇલ દૂર અને ક્યુબાથી પણ એટલો જ દૂર આ ટાપુ ૪૪,૧૪૪ વસતિ ધરાવે છે.
કેરેબિયન સમુદ્રમાં આવેલા ત્રણ ટાપુનો બનેલો આ દેશ છે. એમાંનો એક ટાપુ ૭૫ ચો.મા. બીજો ૧૬ ચો.મા. અને ત્રીજો ૧૧ ચો.મા. છે.
આ ટાપુનો પણ મુખ્ય ઉદ્યોગ પર્યટન છે.
(૬.) મોન્ટસેરોંટ ઃ
છેક ૧૬૩૨ની સાલથી બ્રિટનના ગુલામ એવા આ ટાપુમાં વસતિ ૪,૬૦૦ છે અને ક્ષેત્રફળ ૧૦૩ ચો. કિ.મી. છે. એ પછી બન્ને અમેરિકાની વચમાં મેન્ટીગુઆ નામના દેશથી ૪૩ કિ.મી. દૂર છે.
આ ટાપુ દેશ ઉપર જ્વાળામુખીઓ અને પહાડોની સંખ્યા વઘુ છે. ૧૪૯૩માં કોલંબસે અમેરિકા જતા આ શોધેલો અને એનું નામકરણ કરેલું.
ટાપુ પર કપાસ, શેરડી અને તંબાકુનું ઉત્પાદન થાય છે. બાકી પછાત દેશ છે.
(૭.) પિટ કેયર્ન ઃ
ઇ.સ. ૧૩૬૭થી બ્રિટનના ગુલામ આ ટાપુ દેશની વસતિ ફક્ત ૪૫ જ છે. એ ઓસ્ટ્રેલિયાથી અને દક્ષિણ અમેરિકાની વચ્ચે પ્રશાંત મહાસાગરમાં આવેલો છે જેના ચાર ટાપુ છે. રોબર્ટ પિટકેપર્ને એની શોધ ૧૭૬૭માં કરેલી એટલે એનું નામ એના ઉપરથી પડ્યું છે. ૧૭૯૦ સધી તો એ નિર્જન ટાપુ હતો.
પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત છે બાકી આવકનું સાધન ટપાલ ટિકિટો અને ઇન્ટરનેટના સાધનો છે.
(૮.) બરમૂડા ઃ
૬૮,૫૯૦ વસતિવાળો આ દેશ ઇ.સ. ૧૬૧૦થી બ્રિટનના તાબામાં છે. એ પણ કેરેબિયન સમુદ્રમાં આવ્યો છે.
૫૭ ચો. કિ.મી. ક્ષેત્રફળ ધરાવતા આ ટાપુ દેશમાં ૮ મોટા અને ૧૩૦ નાના ટાપુ છે ઓછા વિસ્તારમાં વઘુમાં વઘુ વસતિ ધરાવતા દેશમાં આ દેશ ત્રીજા ક્રમે છે. એના દરિયામાં મોતીનું ઉત્પાદન થાય છે. એ એની સૌથી મોટી લાયકાત છે. બાકી શેરડી અને પાઇનેપલ પણ મુખ્ય ઉત્પાદન છે.
(૯) જીબ્રાલ્ટર ઃ
યુરોપના સ્પેન દેશની દક્ષિણમાં ભૂમઘ્ય સમુદ્રમાં આવેલો આ ટાપુ પણ ૧૭૦૪ની સાલથી બ્રિટનનો ગુલામ છે.
ભૂમઘ્ય સમુદ્રના નાકા ઉપર આવેલો હોવાથી આ ટાપુ બ્રિટન માટે ઘણો મહત્ત્વનો છે. એના કારણે એ યુરોપના દેશોમાં થતી જહાજોની અવરજવર પર નજર રાખી શકે છે.
અમેરિકાના જે ગુલામ ૩ દેશો છે એ આ પ્રમાણે છે.
(૧.) યુ. એસ. વર્જિન આઇલેન્ડ ઃ
કુલ ૪ ટાપુના બનેલા આ દેશની વસતિ ૧ લાખ ૮ હજાર છે અને ૧૯૧૬થી એ અમેરિકાના કબજામાં છે.
અમેરિકા માટે આ ટાપુનું લશ્કરી મહત્ત્વ ઘણું છે. એના નૌકાદળનું એ મુખ્ય મથક છે. સામ્યવાદી દેશ અમેરિકાના પડખામાં છે એ ક્યુબા ઉપર આ ટાપુઓના કારણે અમેરિકા નજર રાખી શકે છે.
(૨.) ગુઆમ ઃ
૧,૫૪,૮૦૫ વસતિવાળો આ ટાપુ દેશ ૧૮૩૦થી અમેરિકાનો ગુલામ છે અને જાપાનની દક્ષિણાં છે. એના એ જ ટાપુ બે જે ૨૧૨ ચો.માઇલ છે. ચારે બાજુ પર્વતોવાળું એનું બંદર અમેરિકા માટે લશ્કરી મહત્ત્વનું છે. કારણ કે એનાથી ચીન ઉપર નજર રાખી શકાય છે. અમેરિકાની નૌસેનાનું અને વાયુ સેનાનું એ મથક છે એનાથી જાપાનનું રક્ષણ પણ થાય છે અને નિરીક્ષણ થાય છે.
(૩.) અમેરિકન સામોઆ ઃ
૧૯૨૯ની સાલથી જ અમેરિકાના કબજામાં આવેલો આ ટાપુ દેશ ૫૭,૨૯૧ની વસતિ ધરાવે છે અને દક્ષિણ અમેરિકાના હવાઈ ટાપુઓથી ૩૭૦૦ કિ.મી. દૂર છે. એ ૭ ટાપુઓનો બનેલો છે પણ બીજા પણ ઘણા ટાપુઓ એમાં છે એનો ૭૦ ટકા પ્રદેશ ઘનઘોર જંગલોનો છે.
પ્રશાંત મહાસાગરમાં પર્યટન માટે જાણીતા આ ટાપુઓ ફર્નિચર અને લાકડાના ઉદ્યોગ માટે જાણીતા છે.
બાકી રહેતા ગુલામ ટાપુ દેશોમાં એક ટાપુ ન્યુકેલીડોનિયા નામનો છે જે ઓસ્ટ્રેલિયાથી પૂર્વમાં ૧૫૦૦ કિ.મી. છે અને ફ્રાન્સના તાબામાં છે. એની વસતિ ૨,૧૫,૯૮૪ છે. આ ટાપુમાં નિકલ ધાતુ મોટા પ્રમાણમાં નીકળે છે.
બીજો ટાપુ ન્યુઝીલેન્ડની ગુલામીમાં છે જેનું નામ ટોકેલાઉ છે જેની વસતિ ૧,૫૧૮ છે અને પેલા અમેરિકન સામોઆ ટાપુ નજીક છે.
ત્રીજો ટાપુ મોરક્કો દેશનો ગુલામ છે જેને પશ્ચિમી સહારા કહે છે એ આફ્રિકાના આટલાંટિક મહાસમુદ્રના કાંઠે આવેલો છે જેની વસતિ ૩,૮૨,૬૧૭ છે ટાપુ હોવા છતાં રણ પ્રદેશ છે એટલે પીવાના પાણીની ઘણી અછત રહે છે.
- ગુણવંત છો. શાહ
ઝરૂખો
ખાસ શાકભાજી લઈ જતી માલગાડી રેલવે શરુ કરશે
ભારતીય રેલવેએ શાકભાજી જ લઈ જતી ખાસ માલગાડી હોર્ટિકલ્ચર ટ્રેન શરુ કરવાનું નક્કી કર્યું છે. એ ટ્રેન જો શરુ થઈ તો શાકભાજીની બજારમાં ક્રાંતિ જેવું થશે.
આ ટ્રેન ૧૦૦ કિ.મી.ની ઝડપે દોડશે અને તેમાં શાકભાજી બગડે નહી એવા ખાસ કન્ટેનર બનાવવામાં આવ્યા છે. એ જોડવામાં આવશે.
અત્યાર સુધી આપણે ત્યાં પેસેન્જરોને જ ઘ્યાનમાં રાખીને ટ્રેનોનું આયોજન થતું રહ્યું છે પણ હવે આ એક નવો કોન્સેપ્ટ છે.
આવી ટ્રેનો જો ચાલે તો એનો લાભ સમાજના દરેક વર્ગને મળે.
આ હોર્ટિકલ્ચર ટ્રેન પ્રાયોગિક ધોરણે પહેલા મુંબઈ- ભુસાવળ- દિલ્લી રૂટ ઉપર દોડશે. દા.ત. એમાં ભૂસાવળથી નારંગી કેળા વગેરે ચઢાવવામાં આવશે તો પાછા ફરતાં એમાં સફરજન લીચી વગેરે ભરવામાં આવશે.
બોનાન્ઝા
માનું દૂધ છ મહિના સુધી પીનાર બાળકોને
બ્લડ પ્રેસર નથી થતું
નોર્થ કેરોલિના યુનિવર્સિટીએ ૫૬,૦૦૦ મહિલાઓ અને બાળકો ઉપર પ્રયોગ કરીને જણાવ્યું છે કે જે બાળકોને માતા છ મહિના સુધી પોતાનું દૂધ પીવરાવે છે એને બ્લડપ્રેસર થવાનો રોગ ૫૦ ટકા ઘટી જાય છે. જ્યારે જે માતાએ પોતાના સંતાનને ત્રણ મહિના સુધી પોતાનું દૂધ પીવરાવ્યું હોય છે એને બીપીનો રોગ થવાની શક્યતા ચાર ગણી વધી જાય છે.
ફણગો
કોલ્ડ સ્ટોરેજની અવેજીમાં વીટામીન ઇનો પાવડર વાપરો !
બટાકા કોલ્ડ સ્ટોરેજમાં જગ્યાના અભાવે ફેંકી દેવા પડે છે અને ખેડૂતોને નુકસાન થાય છે... એ મતલબનો લેખ વાંચીને ‘ગુજરાત સમાચાર’ અને ‘નેટવર્ક’ના ખાસ વાચક, વિચારક અને વિજ્ઞાનના જાણકાર વડોદરાના કૌશિક વ્યાસે સૂચન કર્યું છે કે... બટાકા કે બીજા કોઈ પણ શાકભાજીને કોલ્ડસ્ટોરેજમાં કે ઘરમાં ફ્રીજમાં રાખવાની સગવડ ન હોય તો વિટામીન ઇની પાવડર કે પ્રવાહી એની ઉપર છાંટવાથી અથવા ઝીણી રેતી કે લાકડાના ભૂસામાં વીટામીન ઇ ભેળવીને એમાં રાખવાથી શાકભાજી કે બટાકા બગડી જતા નથી.
મોટા જથ્થામાં હોય તો પણ વીટામીન ઇનો એ રીતે ઉપયોગ કરી શકાય છે એવી વિટામીન પણ શરીરને મળી રહે છે.
ચક્કરડી ભમ્મરડી
કફ અને ફેફસા જેવી ઘણી બીમારીનો અકસીર ઇલાજ કરનાર આદુની પેટન્ટ મેળવવામાં બ્રિટનની કંપની હારી
બ્રિટનની નિકોલસ જ્હોન લારકીન નામની દવા કંપનીએ ૨૦૦૬ની સાલમાં આપણા આદુનો પેટન્ટ મેળવવા અરજી કરેલી જેનો ચુકાદો આપતા કોર્ટે કંપનીની અરજી કાઢી નાખી છે.
કંપનીએ જણાવેલું કે... આદુ એક અદ્ભુત વનસ્પતિ રસાયણ છે. એ કફ અને ફેફસાનો અચુક ઇલાજ છે.
જ્યારે ભારત સરકારે એની સામે પરંપરાગતથી આદુ અને એના પાવડર સૂંઠનો ઉપયોગ દેશના ઘરેઘરમાં રોજંિદો હોવાની રજૂઆત કરેલી.
ઘરમાં જ ડૉક્ટર !
વરિયાળીના અનેકગુણ
આપણે ત્યાં પેઢીઓથી વરિયાળી ખાવાનો રીવાજ છે. કેટલાક ઘરોમાં ઉનાળામાં વરિયાળીનું પાણી પણ દરરોજ કરીને પીવાથી શરીરમાં ઠંડક રહે છે. મહેમાનોને પણ ચા-નાસ્તા પછી અથવા ફક્ત પાણી પછી પણ વરિયાળી આપવાનો આખા દેશમાં રીવાજ છે. ધાણાદાળ કે વરિયાળીની દાળ ફક્ત ગુજરાતમાં જ આગવી શોધ વાનગી છે..ગાંઠીયા કે ખમણ કે ઉંધીયું વગેરે જેવી !
આ વરિયાળીના ઔષધીય ગુણ પણ ઘણા છે. દા.ત. ખાંસી અને ગેસમાં એ ફાયદાકારક છે. પાચનક્રિયાને સક્રિય કરવાનું પણ એ કામ કરે છે. સવાર બપોર સાંજ...વરિયાળી નિયમીત ખાવાથી ખાટા ઓડકાર, શ્વાસની દુર્ગંધ વગેરે દૂર થાય છે.વરિયાળી, ધાણા અને સાકર, લવીંગ, એલચી વગેરે ભેગું કરીને ખાંડીને ચૂર્ણ કરીને બનાવી રાખીને દિવસમાં લેતા રહેવાથી ઘણા ફાયદા થશે.
વિદેશમાં કયાંય વરિયાળી નથી થતી.