વોશિંગ્ટન, તા. ૩
દુનિયાભરમાં ઘણી પ્રતિષ્ઠા ધરાવતા ટાઈમ મેગેઝિનના મુખપૃષ્ઠ પર ચમકવાનું બહુમાન મેળવનાર વ્યક્તિઓમાં હવે ભારતીય મૂળના અમેરિકી એટર્ની પ્રીત ભરાડાનો પણ સમાવેશ થયો છે. વોલ સ્ટ્રીટના ભ્રષ્ટાચાર અને ઈનસાઈડર ટ્રેડિંગની ગેરરીતિઓ સામે લીધેલા ચાવીરૃપ પગલાના કારણે તેમને આ બહુમાન મળ્યું છે.
વોલ સ્ટ્રીટના ભ્રષ્ટાચાર અને ઈનસાઈડર ટ્રેડિંગ સામે તેમણે ઝુંબેશ ચલાવી છે
ભારતના ફિરોઝપુરના વતની પ્રીત હાલ ન્યૂયોર્કના અમેરિકી એટર્ની છે. તેમની પાસેના હાઈપ્રોફાઈલ ભ્રષ્ટાચાર કેસોમાં રજત ગુપ્તા સામેના ઈનસાઈડર ટ્રેડિંગનો સમાવેશ થાય છે. ગુપ્તા મેકકિન્સે અને ગોલ્ડમેન સાચના ભૂતપૂર્વ નિર્દેશક છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ આર્થિક વિશ્વની કેટલીક ટોચની હસ્તીઓ સામે અમેરિકી એટર્ની પ્રીત ભરાડાએ મહત્વના પગલાં ભર્યા છે. શીખ પિતા અને હિંદુ માતાને કૂખે જન્મેલા ૪૩ વર્ષીય પ્રીત ન્યૂજર્સીમાં જ મોટા થયાં છે. આ રાજ્યમાં ભારતીય મૂળના અમેરિકીઓની વસ્તી ઘણી નોંધપાત્ર છે. પ્રીત હાર્વડ કોલેજમાંથી સ્નાતક થયેલા છે અને ન્યૂયોર્કના દક્ષિણ જીલ્લા માટે અમેરિકી એટર્ની તરીકે પ્રમુખ ઓબામાએ તેમને નોમિનેટ કર્યા હતા અને ૨૦૦૯માં સંસદે પણ તેને સર્વાનુમતે મંજૂરી આપી હતી.
૧૩મી ઓગસ્ટ, ૨૦૦૯ના રોજ હોદ્દો સંભાળ્યો ત્યારથી પ્રીતે અનેક ફોજદારી અને સિવિલ કેસો સંભાળ્યા છે. જેમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ, આર્થિક છેતરપીંડી, ઈનસાઈડર ટ્રેડિંગ, જાહેર ભ્રષ્ટાચાર અને સામૂહિક હિંસાના કેસોનો સમાવેશ થાય છે. |
|