| જામનગર,તા.૪
જામનગર નજીક ઠેબા ચોકડી પાસે સવારના સમયે પાવાગઢ તરફ જતી મધ્યપ્રદેશના યાત્રાળુઓની ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતથી બસ પલ્ટી ખાઈ પુલ નીચે પલ્ટી ખાઈ જતા પ્રૌઢાનું મોત નિપજયું હતું. જયારે ચાલીસ યાત્રાળુઓને ઈજા પહોંચી હતી.
દ્વારકાથી પાવાગઢ જતી મધ્યપ્રદેશના યાત્રાળુઓની બસ અકસ્માત બાદ પલ્ટી ખાઈ પુલની નીચે ખાબકી
ગમખ્વાર અકસ્માતની મળતી વિગત અનુસાર જામનગર બાયપાસ ઠેબા ચોકડી પાસે આજે સવારના સમયે દ્વારકાથી પાવાગઢ તરફ જતી રાજસ્થાન પાસીંગની મા ભવાની ટ્રાવેલ્સની ખાનગી બસ અને સામેથી આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માતમાં ટ્રકની કેબીનનો ભુક્કો બોલી ગયો હતો. અને બસનો આગળનાં ભાગમાં નુકશાન થતા બસ પલ્ટી ખાઈ પુલ નીચે ખાબકી હતી.
અકસ્માતમાં બસમાં મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના યશવંતનગરના સાહીલબેન તેજસીંગ પવાર (ઉ.વ.૫૦) નામના પ્રૌઢાનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. તેમજ બસ ચાલક અને ટ્રક ચાલક સહિતના ૪૦ વ્યક્તિઓને ઈજા ઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને ૧૦૮ દ્વારા અને અન્ય ખાનગી વાહનોમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ઈજા ગ્રસ્તોમાં મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના સજુબેન તકેસીંગ પવાર, માનકુંવરબેન રામસીંગ ચાવડા, પ્રકાશ બેન મનીંન્દર ઠાકોર, દાનસિંઘ પ્રકાશસિંઘ પઢિયાર, રામસંગ ચંદન ચાવડા, દુધાર સિંઘ તેજસિંઘ,રાજકુંવરબેન ભંવરસિંહ ચૌહાણ, સુંગધાબેન બાબુસિંઘ રાઠોડ સબરકરકૌર નારાયણસિંઘ ચાવડા, સહિતના ચાલીસને નાની મોટી ઈજાઓ પહોંચતા જી.જી. હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપવામાં આવી હતી. તેમજ ટ્રક અને બસ ચાલકની હાલત ગંભીર હોવાનું હોસ્પીટલના સુત્રોએ જણાવ્યું હતું.
મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાની બસ ૩૦ દંપતિને લઈ ગત ૨૨ ડિસેમ્બરના રોજ ભારત ભ્રમણના પ્રવાસે નિકળ્યા હતા અને ચાલીસ દિવસના પ્રવાસ બાદ ગઈકાલે દ્વારકા દર્શન કરી આજે વહેલી સવારના પાવાગઢ જવા રવાના થયા ત્યારે ઠેબા ચોકડી નજીક અકસ્માત થયો હતો બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ફરીથી શરૃ કરાવી મૃતદેહને પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. |