| |
ભાવનગર, શનિવાર
ભાવનગર જિલ્લામાં હજુ શિયાળાએ વિદાય નથી ત્યાં કપાસનો પાક બગડી જવાથી વહેલો નિકળી જતા શેત્રુંજી સિંચાઈ હેઠળના વિસ્તારોમાં ઉનાળુ પાકનાં વાવેતરનો પ્રારંભ થઈ ગયો છે. જેમાં ખાસ કરીને મહુવા, તળાજા અને પાલીતાણા પંથકમાં સૌથી વધારે ઉનાળુ મગફળીનું વાવેતર થવા લાગ્યું છે.
ગત વર્ષે ૪૫ હજાર હેકટર જમીનમાં ઉનાળું પાકનું વાવેતર થયું હતું ઃ મહુવા, તળાજામાં ઉનાળું મગફળીનું વાવેતર વધવાની શક્યતા
ઓણસાલ કપાસના પાકમાં સુકારો આવતા કપાસ વહેલો નિકળી જતા અને સિંચાઈનું પાણી પણ થોડું મોડું અપાતા પાણીની છતથી ખેડૂતોએ શિયાળુ પાક ઉપરાંત ખાલી ખેતરોમાં ઉનાળું પાકનું વાવેતર શરૃ કરી દીધું છે. જો કે ઉનાળું પાકનું વાવેતર માર્ચ મહિનાથી શરૃ થાય છે પરંતુ આ વર્ષે ખેડૂતોને કેનાલનું પાણી મળતા શિયાળાએ વિદાય નથી લીધી ત્યાં જ ઉનાળુ મગફળી, બાજરી, મગ, તલ, શાકભાજી વગેરેનું વાવેતર શરૃ થઈ ગયું છે.
કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર ભાવનગર જિલ્લામાં ગત વર્ષે ઉનાળું પાકનું કુલ ૪૫૦૦૦ હેકટર જમીનમાં વાવેતર થયું હતું. જેમાં ખેડૂતોએ પોષણક્ષમ ભાવ મળી રહેવાની આથી સૌથી વધારે ૨૩૪૫૮ હેકટર જમીનમાં ઉનાળું મગફળીનું વાવેતર કર્યું હતું. જ્યારે બાજરીનું ૩૬૪૧ હેકટરમાં તેમજ જુવારનું ૬૯૫૬ હેકટરમાં વાવેતર થયું હતું. આ વર્ષે પણ અત્યારથી મહુવા, તળાજા અને પાલિતાણા જેવા સિંચાઈ હેઠળના વિસ્તારોમાં અત્યારથી મગફળીનું વાવેતર શરૃ થતા વાવેતરમાં વધવાની શક્યતા જણાઈ રહી છે. જો કે સિંચાઈ વિહોણા વિસ્તારમાં ઉનાળું વાવેતરનો નોંધપાત્ર ઘટાડો થશે. |