| (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ
અમદાવાદની શ્રોફ પેઢીના મણિનગર બાલવાટિકા નજીક તુલસીબાગમાં આવેલા બંગલાની આખરે રૃપિયા ૩,૫૫,૦૦,૦૦૦માં હરાજી થઈ છે. આ હરાજીમાં અંદાજે ૨૫ જેટલા બિડરોએ ભાગ લીધો હતો. હરાજીમાં બંગલો ખરીદનાર રાજેન ડી. ઠક્કરે નિયમ પ્રમાણે હરાજીની કુલ રૃા. ૩.૫૫ કરોડની ૨૫ ટકા રકમ પેટે રૃા. ૮૮.૭૫ લાખ જમા કરાવી દીધા હતા. બાકીના ૨,૬૬,૨૫,૦૦૦ આગામી ૧૫ દિવસમાં જમા કરાવશે.
શ્રોફનો જ ધંધો કરતાં રાજેન ઠક્કરે ૨૫ બીડરની હરાજીમાં સૌથી ઊંચી બોલી લગાવીને બંગલો ખરીદી લીધો
ઇન્કમટેક્સના ચીફ કમિશનર એમ.ડી. કાબરાએ જણાવ્યું હતું કે લક્ષ્મીનારાયણ તુલસીદાસ ઠક્કરને ત્યાં ૧૯૯૬ની સાલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડાને અંતે તેમની સામે વેરાની કરવામાં આવેલી આકારણી પ્રમાણે રૃા. ૨૦.૩૭ કરોડની ડિમાન્ડ ઊભી કરવામાં આવી હતી. લક્ષ્મીનારાયણ તુલસીદાસ ઠક્કરે વ્યક્તિગત ધોરણે આવકવેરા ખાતાને પણ ભરવાના થતાં ૬.૫૩ કરોડનો પણ ૨૦.૩૭ કરોડની ડિમાન્ડમાં સમાવેશ કરી લેવામાં આવ્યો હતો.
આવકવેરા ખાતાની ડિમાન્ડ નોટિસ મળ્યા પછીય તેમણે વેરો જમા કરાવવાની તસદી લીધી નહોતી. પરિણામે મણિનગરમાં બાલવાટિકા નજીક તુલસી બંગલોઝમાં આવેલા તેમની માલિકીના બંગલા નંબર ૬૪/એ પર ટાંચ લગાડવામાં આવી હતી. એલ.ટી ઠક્કરનો બંગલો ટાંચમાં લેવામાં આવ્યો તે પછીય તેમણે વેરાની બાકી રકમ જમા કરાવવાનું ટાળ્યું હતું.
પરિણામે તેમની મિલકતની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય ટેક્સ રિકવરી ઑફિસર દ્વારા લેવામાં આવ્યો હતો. બીજી ફેબુ્રઆરીએ આ હરાજી યોજવામાં આવી હતી. આ બોલીમાં રૃા. ૩.૫૫ કરોડનો સર્વોચ્ચ ભાવ બોલાયો હતો. રાજન ઠક્કરે આ બોલી બોલી હતી અને બંગલો ખરીદ્યો હતો. |