
ચાર ગીયર ધરાવતી જીપ હાલ પચ્ચીસ કિ.મી.ની એવરેજ આપે છે
ગોંડલ, તા.૩
ગોંડલ શહેરની સડકો ઉપર અઢી-ત્રણ ફુટની સફેદ જીપ સડસડાટ દોડતી હોય ત્યારે લોકો અચંબીત બની જોઈ રહે. આ કોઈ સરકસની કે ફનવર્લ્ડની જીપ નહીં પણ માત્ર સાડા ત્રણ ફુટની હાઈટ ધરાવતા ગોંડલના સૈયદ સાદીકબાપુના સ્વપ્નની વિન્ટેજકાર સમી જીપ છે.
શહેરની મતવાવાડ મક્કા મસ્જીદ પાસે રહેતા અને બાપુ પેન્ટરથી જાણીતા સૈયદ હનિફબાપુના વચેટ પુત્ર સાદીકની હાલ ઉમર સત્યાવીસ વર્ષની છે. પરંતુ લંબાઈ માત્ર સાડા ત્રણ ફુટ છે. કુતે આપેલી આ કરૃણતા સાદીકબાપુએ હળવાશથી અપનાવી લીધી છે.
સાદીકબાપુને બચપનથી જીપ, મોટર જેવા વાહનોનો ભારે શોખ. તેમના પિતા હનિફબાપુને પુત્રની વાહન પ્રત્યેના લગાવની પુરી ખબર હોય રાજકોટમાં ગેરેજ ધરાવતા મિત્રની મદદથી જીપનું સર્જન કર્યું. ખુલ્લી જીપને ઓરીજનલ લુક આપી તેમાં સ્કૂટી બાઈકનું એન્જીન ફીટ કર્યું. ચાર ગીયર ધરાવતી જીપ હાલ પચ્ચીસ કિ.મી.ની એવરેજ આપે છે.
ચાવીથી પણ સ્ટાર્ટ કરી શકાય અને જુનવાણી મોટરની માફક હેન્ડલ ફેરવીને પણ જીપ સ્ટાર્ટ થઈ શકે છે. સાડા ત્રણ ફુટની હાઈટ ધરાવતા સાદીકબાપુ રૃબાબભેર પોતાની 'અપ્પુજીપ'માં શાનદાર સવારી સાથે શહેરના રાજમાર્ગો ઉપર નિકળે ત્યારે લોકો જોતા જ રહી જાય છે.