
મુંબઇ તા.૪
સહકુટુંબ ફિલ્મ જોવા જવાનો લહાવો એક પરિવારને ભારે પડ્યો હતો જ્યારે કેટલાક સ્કૂલ સ્ટુડન્ટસ્ને ચાલુ ફિલ્મે બહાર કઢાવવાથી ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ ફિલ્મ પૂરી થયા બાદ બહાર આવેલા કુટુંબીજનો પર હુમલો કર્યો હતો . પોલીસે આ બાબતમાં આઠ વિદ્યાર્થીની ધરપકડ કરી હતી.
મુંબઇની ભાગોળે આવેલા ઉપનગર દહીંસરની લેાટસ હૉટલ નજીક બનેલા બનાવમાં સની વૈતી, એના પિતા લુઇસ વૈતી અને ભાઇ અમોલ પર આઠ વિદ્યાર્થી અને એક બેકાર આદમીએ હુમલો કર્યો હતો અને એમના વાહનના કાચ સુદ્ધાં તોડી નાખ્યા હતા.
પોલીસે જણાવ્યા મુજબ ગુરુવારે રાત્રે વૈતી પરિવાર મૂવી જેમ થિયેટરમાં અગ્નિપથ જોવા ગયા હતા. ફિલ્મમાં ચીકની ચમેલી ગીત શરૂ થતાં આ વિદ્યાર્થીઓ ઊભા થઇને નાચવા લાગતાં તેમની પાછળ બેઠેલા વૈતી પરિવાર અને બીજાઓને ખલેલ પહોંચી હતી. વૈતી પરિવારની ફરિયાદ પરથી થિયેટરના મેનેજરે નાચી રહેલા બધાને બહાર કાઢ્યા હતા. તેથી ઉશ્કેરાઇને એ બધા વૈતી પરિવાર ફિલ્મ જોઇને બહાર આવે એની વાટ જોઇને ઊભા હતા. વૈતી પરિવાર બહાર આવતાં આ લોકોએ તેમના પર હુમલો કર્યો હતો.