આજે જન્માષ્ટમી. ત્રિભુવન મોહન ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. પૂર્ણ પુરૂષોત્તમ. બધી વાતે પૂર્ણ. સામ, દામ, દંડ, ભેદ- બધાંમાં નિપુણ. આખ્યાનકાર પ્રેમાનંદે સરસ રીતે લખ્યું છે- ચોસઠ દા’ડે ચૌદે વિદ્યા શીખ્યા બેઉ ભાઇ, ગુરૂસુત ગુરૂદક્ષિણામાં આપી વિઠ્ઠલ થયા વિદાય... દુનિયાભરમાં આ એક જ એવો દિવ્ય અવતાર છે જેના વિશે એકસોથી વઘુ ભાષામાં સૌથી વઘુ સમીક્ષા લખાઇ છે. જેટલા વખાણ થયા એટલીજ, બલ્કે કદાચ એથી પણ ઘણી વઘુ, ટીકા થઇ. પરંતુ કૃષ્ણ એવી ટીકાઓથી પર છે. વિશ્વનો સૌથી પહેલો બળવાખોર નેતા પણ કૃષ્ણ. તમારાં દૂધ-માખણ-ઘી તમારાં બાળકોને ન મળે તો રાજને આપવાની કશી જરૂર નથી એવો ક્રાન્તિકારી વિચાર આજથી હજારો વરસ પહેલાં કૃષ્ણે આપ્યો. અર્થાત્, સરકાર જો પ્રજાને ભૂખે મારીને કરવેરા વસૂલ કરવા માગતી હોય તો એ નકારવાનો પ્રજાનો અધિકાર છે એવું સૌ પ્રથમ કૃષ્ણે આપણને શીખવ્યું.
દુનિયાભરમાં આવો દિવ્ય અવતાર બીજો ગોત્યો ન જડે. ઇસા મસીહ ભલે કરૂણાના સાગર ગણાતા હોય, તમે એમને નાચતાં-ગાતાં ન કલ્પી શકો. મહાવીર સ્વામીના હાથમાં તમે સુદર્શન ચક્રની કલ્પના પણ ન કરી શકો. ગૌતમ બુદ્ધ કૌરવસભામાં ન્યાય અને ધર્મની માગણી કરતા વિષ્ટીકાર ન બની શકે. બીજા કોઇ દિવ્ય અવતારને તમે ગેડી દડો રમતા કે ચાણુર જેવા મલ્લ સાથે કુસ્તી કરતાં ન કલ્પી શકો. અન્ય કોઇ દેવને તમે ગોપી વલ્લભ શી રીતે બનાવી શકો ? કૃષ્ણ ખરા અર્થમાં મલ્ટિ ફેસેડ પર્સનાલિટી છે. શઠં પ્રતિ શાઠ્યમ્- જેવા સાથે તેવાનો વિચાર જ કૃષ્ણનો છે. કુરૂક્ષેત્રના યુદ્ધમાં તમને ક્યારેક કૃષ્ણ પરસ્પર વિરોધી લાગે. કૌરવસભામાં સત્ય, ન્યાય, ધર્મ વગેરે વાતો કરતા કૃષ્ણ કુરૂક્ષેત્રમાં લગભગ દરેક મહારથીને એણે આચરેલો અધર્મ યાદ કરાવીને અ-ધર્મથી ખતમ કરાવે છે. જરૂર પડ્યે ફરી અર્જુનને પ્રોત્સાહિત કરવા ભીષ્મ સામે રથનું પૈડું શસ્ત્રની જેમ ઉંચકીને ઊભા થઇ જાય છે.
જરાય અતિશયોક્તિ વિના કહી શકાય કે જન્મથી તે છેક દેહવિલય સુધી કૃષ્ણના જીવનની પ્રત્યેક પળ કંઇક નવું સૂચવે છે. બાળ લીલામાં રસ હોય તો બાળ લીલા માણો. યૌવન વસંતની વાતો ગમતી હોય તો કૃષ્ણની જુવાન વયની વાતો સંભારો. પ્રૌઢાવસ્થા કે વાર્ધક્ય વિશે વિચારતા હો તો કૃષ્ણની પ્રૌઢાવસ્થા કે વાર્ધક્યની વાતો વાંચો. તમને ક્યાંય રસક્ષતિ કે કંટાળો નહીં આવે. જરાય ભાર વિનાનું અને હસતાં હસતાં કહી દેવાનું તો કોઇ કૃષ્ણ પાસેથી શીખે.આઠ પટરાણી. દરેકને સતત એમ લાગે કે કૃષ્ણ ફક્ત મારા છે. કૃષ્ણ તો ગીતામાં કહે છે તેમ યે યથા મામ્ પ્રપદ્યન્તે તામ્ તથૈવ ભજામ્યહમ્...જે દિવાના મુજ પરે તે પર દિવાનો થાઊં છું, હું જશોદાનું જીવન રાધાનો ક્હાનો થાઊં છું....જે નૈપુણ્ય સંગીતમાં એે જ નૈપુણ્ય શસ્ત્રવિદ્યામાં. કૃષ્ણમુખે કહેવાયેલી -ખરેખર તો ગવાયેલી ગીતા કદાચ એક માત્ર એવો ગ્રંથ છે જેનો વિશ્વની તમામ ભાષામાં ભાવાનુવાદ થયો. આ પણ એક અલગ પ્રકારનો વર્લ્ડ રેકોર્ડ ગણાય.
આજે ઘણાં રાજ્યોમાં દહીંકાલા ઉત્સવ ઊજવાશે જ્યાં તરૂણોની ટોળી મળીને પિરામિડ બનાવીને ઉંચે ટાંગેલી મટકી ફોડશે. જુલમી રાજ્યના વહીવટી તંત્રને કરવેરા રૂપે દુગ્ધ પેદાશો આપવાને બદલે એ મટકી ફોડીને બાળકોમાં વહેંચી દો એવો સમાજવાદી વિચાર પણ કૃષ્ણનો. મહર્ષિ વેદવ્યાસે મહાભારતની પ્રસ્તાવનામાં યદિ હાસ્તિ તદન્યત્ર...કહ્યું છે એ કૃષ્ણને સર્વથા ફિટ બેસે છે. કૃષ્ણમાં છે તે જ અન્યત્ર છે, કૃષ્ણમાં નથી એ બ્રહ્માંડમાં ક્યાંય નથી. એનું એક નામ મોહન છે. મોહ-ન. જેનામાં કોઇ પ્રકારનો મોહ નથી એવો. કૃષ્ ધાતુ પરથી બનેલા કૃષ્ણ નામનો એક અર્થ આકર્ષણ છે. એનું વ્યક્તિત્વ કે એનાં કામો સતત અન્યને આકર્ષિત કરે છે. આપણા સંત પુનિતના શિષ્ય અને ‘રામભક્ત’ તરીકે જાણીતા ભજનીકે કૃષ્ણને વર્ણવતાં એક સરસ છંદ રચ્યો હતો.
પ્રસ્તુત છે- ‘કોઇ કહે કાનો કાળો, કોઇ કહે એ રૂપાળો, કોઇ કહે આવો છે ને કોઇ કહે તેવો છે, કોઇ કહે કપટી ને કોઇ કહે કામણગારો, કોઇ કહે માખણચોર, માખણના જેવો છે, કોઇ કહે મળતો નથી, કોઇ કહે મળી ચૂક્યો, કોઇ કહે કાનુડાને જરૂર જોવા જેવો છે, ‘રામભક્ત જ્યારથી મેં વાત સુણી કાનુડાની, નક્કી કરી લીઘું કે પોતાનો કરી લેવો છે....
આજે કળિયુગમાં કૃષ્ણ જેવા સારથિ-સેનાપતિની તાતી જરૂર છે.
પેલા ફિલ્મી ભજનમાં કહ્યું છે એમ આપણે પણ કહીએ કે પૂરા કર દે આજ બચન વો ગીતા મેં જો તુને દિયા...યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત... દેશની સંસદમાં પચીસ ટકાથી વઘુ રીઢા અપરાધીઓ (શું કહીશું, કંસના વારસદારો ?) બિરાજતા હોય અને સતત પ્રજાના પૈસે તગડા થતા હોય તો કૃષ્ણ કોની વાટ જોઇને પોતાના પુનઃ આગમનને વિલંબમાં નાખતા હશે, કોણ જાણે !