Last Update : 02-Sept.-2010, Thursday

અયોધ્યા કેસનો ચુકાદો નવું તોફાન પેદા કરી શકે છે

રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદના ૬૦ વર્ષ જૂના કેસનો ચુકાદો આવવાની તૈયારીમાં છે ત્યારે દેશમાં ભારે તંગદિલીનું વાતાવરણ પેદા થયું છે

રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદના ૬૦ વર્ષ જૂના ટાઇટલ કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટનો ચુકાદો આવવાની તૈયારીમાં છે ત્યારે હિન્દુત્વવાદી જૂથો અને સરકાર કોઈ યુદ્ધની તૈયારી થતી હોય તેમ તૈયારી કરવામાં ગૂંથાઈ છે. આ ચુકાદો જો હિન્દુઓના પક્ષમાં આવે તો અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરવાનો માર્ગ મોકળો થશે અને મુસ્લિમો નારાજ થઈ જશે. નારાજ થયેલા મુસ્લિમો રમખાણે ચઢી શકે છે. જો ચુકાદો હિન્દુઓની વિરુદ્ધમાં આવ્યો તો વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને દેશવ્યાપી આંદોલન કરવાનું અને હિન્દુઓના મતો અંકે કરવાનું એક જોરદાર બહાનું મળી જશે, જેને કારણે દેશમાં ભારે અશાંતિ પેદા થવાની સંભાવના છે. આવું આંદોલન કરવાની જોરદાર તૈયારીઓ હિન્દુત્વવાદી સંસ્થાઓએ આરંભી પણ દીધી છે. આ રીતે આ કેસનો ચુકાદો હિન્દુઓની તરફેણમાં આવે કે વિરુદ્ધમાં, તેનાથી સરકારની ચિંતામાં તો વધારો જ થવાનો છે.
તાજેતરમાં અયોધ્યા કેસના ચુકાદાને ધ્યાનમાં લઈને ઉત્તર પ્રદેશની સરકારે રાજ્યમાં શાંતિ ટકાવી રાખવા ૪,૫૦૦ જેટલા અર્ધ-લશ્કરી બળની માંગણી કરી ત્યારે કેન્દ્ર સરકારને પણ આ ચુકાદાની ગંભીરતાનો ખ્યાલ આવ્યો હતો. આ તાકીદની પરિસ્થિતિની વિચારણા કરવા માટે વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે તેમના ટોચના પ્રધાનમંડળના સાથીદારોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ, નાણાં પ્રધાન પ્રણવ મુખરજી, સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટોની અને રાષ્ટ્રીય સંરક્ષણ સલાહકાર શિવશંકર મેનન ઉપરાંત ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા પણ હાજર રહ્યા હતા, જેના ઉપરથી આ બેઠકની ગંભીરતાનો ખ્યાલ આવતો હતો.
ઉતર પ્રદેશની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં રામજન્મભૂમિ- બાબરી મસ્જિદની જમીનની માલિકી બાબતનો કેસ છેક ઇ.સ. ૧૯૫૦ની સાલમાં ફાઇલ કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી આ વર્ષની ૨૬મી જુલાઈએ પૂરી થઈ હતી. ત્યારબાદ આ કેસનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. હાઇકોર્ટના જે ત્રણ જજો સમક્ષ આ કેસની સુનાવણી ચાલી તેમાંના બે હિન્દુ છે અને એક મુસ્લિમ છે. આ ત્રણ પૈકી ડી. વી. શર્મા નામના જજ સાહેબ આ વર્ષના કેસની સુનાવણી પૂરી થઈ ગઈ હતી અને ચુકાદો આવવાનો હતો ત્યાં જ ત્રણ પૈકી એક જજ સાહેબને બઢતી મળતા તેમની બદલી થઈ ગઈ હતી અને આખા કેસની સુનાવણી ફરીથી હાથ ધરવામાં આવી હતી.
રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદની જમીનની માલિકી બાબતમાં હાઇકોર્ટમાં એક નહિ પણ ચાર ટાઇટલ સૂટ અલગ અલગ તબક્કે ફાઇલ કરવામાં આવ્યા છે. મૂળ કેસ અયોધ્યામાં રહેતા ગોપાલસિંહ વિશારદ નામના હિન્દુએ ઇ.સ. ૧૯૫૦ની સાલમાં ફાઇલ કર્યો હતો. બીજો ટાઇટલ સૂટ અયોધ્યાના નિર્મોહી અખાડાએ ઇ.સ. ૧૯૫૯ની સાલમાં ફાઇલ કર્યો હતો. ત્રીજો કેસ મુસ્લિમ કોમ વતી ઉત્તર પ્રદેશના સુન્ની વકફ બોર્ડે ઇ.સ. ૧૯૬૧માં ફાઇલ કર્યો હતો અને ચોથો કેસ હિન્દુત્વવાદી જૂથો તરફથી ઇ.સ. ૧૯૮૯ની સાલમાં ફાઇલ કરવામાં આવ્યો હતો. આ કેસોની સુનાવણી અગાઉ ફૈઝાબાદની સિવિલ કોર્ટમાં ચાલી રહી હતી, પણ ઇ.સ. ૧૯૮૯ની સાલમાં અલ્લાહાબાદની હાઇકોર્ટે લખનૌની સ્પેશિયલ બેન્ચને આ કેસની સુનાવણી સોંપી હતી.
અલ્લાહાબાદ હાઇકોર્ટની સ્પેશિયલ બેન્ચ સમક્ષ જે ત્રણ મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા છે તે આ સમગ્ર વિવાદના મૂળભૂત મુદ્દાઓ છે. આ ત્રણ મુદ્દાઓ છે ઃ (૧) શું ભગવાન શ્રી રામનો જન્મ આ સ્થળે થયો હતો ? (૨) શું રામમંદિરને તોડીને આ જગ્યાએ બાબરી મસ્જિદ બાંધવામાં આવી હતી ? (૩) શું આ મસ્જિદ ઇસ્લામના નિયમો મુજબ બનાવવામાં આવી હતી ? આ ત્રણ સવાલો બાબતમાં હાઇકોર્ટ શો ચુકાદો આપે છે તેના ઉપરથી આ વિવાદનું ભવિષ્ય નક્કી થશે. હાઇકોર્ટના ચુકાદા પછી સુપ્રિમ કોર્ટમાં અપીલ કરવાના દરવાજા બંને પક્ષ માટે ખુલ્લા હોય છે; પણ બંને પક્ષો પોતપોતાની રીતે આ ચુકાદાનો રાજકીય લાભ ખાટવાની અને તેને શેરીઓમાં લઈ જવાની કોશિષ કરશે. તેને કારણે ઉત્તર પ્રદેશની બહુજન પક્ષની સરકાર, કેન્દ્રની યુપીએ સરકાર અને મુખ્ય વિરોધ પક્ષ ભાજપની કેટલી તાકાત છે,તેનો પણ અંદાજ આવી જશે. ચુકાદા પછી આ મુદ્દે મહાભારત લડાશે તેટલું નક્કી છે.
રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદ બાબતમાં અદાલતી વિવાદ આજકાલનો નથી પણ છેક ઇ.સ. ૧૮૮૫ની સાલથી ચાલી રહ્યો છે. આ વર્ષમાં મહંત રઘુવીરદાસે ફૈઝાબાદના સબ-જજની અદાલતમાં અરજી કરી હતી કે, બાબરી મસ્જિદની સામે આવેલા રામ ચબુતરાની જમીન તેમની માલિકીની હોવાથી તેના ઉપર રામમંદિર બાંધવાની તેમને છૂટ આપવામાં આવે. આ રામ ચબૂતરો જ ભગવાન શ્રી રામનું જન્મસ્થળ છે, એવું હિંદુઓ માને છે. ફૈઝાબાદના હિન્દુ સબ-જજ પંડિત હરિકિશને આ અરજી નકારતા કહ્યું કે, ''મસ્જિદની આટલી નજીક હિન્દુ મંદિર બાંધવાથી જાહેર શાન્તિનો ભંગ થઈ શકે છે.'' મહંત રઘુવીરદાસે આ ચુકાદા સામે ફૈઝાબાદના ડિસ્ટ્રીક્ટ જજ કર્નલ જે.ઇ.એ. ચેમ્બિયરની અદાલતમાં અપીલ ફાઇલ કરી હતી. આ બ્રિટીશ જજે બાબરી મસ્જિદની મુલાકાત લઈને ચુકાદો આપ્યો તે પણ હિન્દુઓની વિરુદ્ધમાં હતો. જો કે બ્રિટિશ જજે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, ''હિન્દઓ જે ભૂમિને પવિત્ર ગણે છે તેની ઉપર મસ્જિદ બાંધવામાં આવી તે ખૂબ કમનસીબ બીના છે પણ આ ઘટના ૩૬૫ વર્ષ પહેલા બની હોવાથી હવે તેમાં કાંઈ થઈ શકે તેમ નથી. હવે તો આ બાબતમાં 'જૈસે થે'ની પરિસ્થિતિ જાળવી રાખવામાં આવે તે જ યોગ્ય છે.'' આ ચુકાદો ઇ.સ. ૧૮૮૬માં આવ્યો હતો.
ઇ.સ. ૧૮૮૬થી ૧૯૪૯ સુધી અયોધ્યામાં ખરેખર 'જૈસે થે'ની પરિસ્થિતિ જળવાઈ રહી હતી અને કોઈ વિવાદ આગળ ચાલ્યો નહોતો. ઇ.સ. ૧૯૪૯ની ૨૨મી ડિસેમ્બરની રાતે કોઈએ બાબરી મસ્જિદના તાળાં તોડીને તેની બરાબર વચમાં શ્રીરામ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી દીધી હતી. આખા ભારતમાં વીજળી વેગે વાત ફેલાઈ ગઈ હતી કે, અયોધ્યામાં શ્રીરામ ભગવાન પ્રગટ થયા છે. આ સમાચાર પ્રસરતા ભારતભરમાંથી શ્રદ્ધાળુ હિન્દુઓનાં ટોળાંઓ રામલલ્લાના દર્શન કરવા અને પૂજા કરવા ઉમટવા લાગ્યા હતા. તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન ગોવિંદ વલ્લભ પંતને આદેશ કર્યો હતો કે, તેઓ શ્રી રામની મૂર્તિ બાબરી મસ્જિદમાંથી હટાવી લે. ગોવિંદ વલ્લભ પંતે આમ કરવાની પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી. ફૈઝાબાદના ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ કે.કે.કે. નાયરે સરકારનો મૂર્તિ હટાવવાનો આદેશ માનવાને બદલે નોકરી છોડી દેવાનું પસંદ કર્યું હતું. પાછળથી તેઓ હિન્દુ મહાસભાની ટિકિટ ઉપર લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. શ્રીરામની મૂર્તિ ત્યાં જ રહી પણ લોકોને તેના બહારથી જ દર્શન કરવા દેવામાં આવતા હતા.
એક સપ્તાહમાં વાતાવરણ શાંત પડી ગયું પણ ૨૯મી ડિસેમ્બરે અયોધ્યાના અતિરિક્ત સિટી મેજીસ્ટ્રેટે આ સંપત્તિને સીલ કરવાનો આદેશ આપ્યો હતો તેને કારણે સ્થાનિક રહેવાસી ગોપાલસિંહ વિશારદે આ મસ્જિદમાં હિન્દુઓ શ્રીરામની પૂજા કરી શકે તેવો આદેશ મેળવવા ફૈઝાબાદના સિવિલ જજની અદાલતમાં ૧૬મી જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ કેસ ફાઇલ કર્યો હતો. એ વખતે સિવિલ જજ એન. એન. ચઢ્ઢાએ વચગાળાનો આદેશ આપ્યો હતો કે, સામાન્ય પ્રજા માત્ર બહારથી દર્શન કરી શકશે પણ પૂજારીને શ્રીરામની પૂજા અને આરતી કરવા માટે અંદર જવા દેવામાં આવશે. આ ચુકાદા પછી પણ રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદની માલિકીનો મુદ્દો અનિર્ણીત જ રહેતો હતો. ઇ.સ. ૧૯૫૯ની સાલમાં અયોધ્યાના નિર્મોહી અખાડાએ આ જમીનની માલિકી પોતાની હોવાનો ટાઇટલ સૂટ ફૈઝાબાદની અદાલતમાં દાખલ કર્યો હતો. તેની સામે ઇ.સ. ૧૯૬૧માં અયોધ્યામાં રહેતા મોહમ્મદ હાશીમે આ જમીન મુસ્લિમોને પાછી આપવાની અરજી ફૈઝાબાદની અદાલતમાં દાખલ કરી હતી. આ બધી અરજીઓ ઉપર ઇ.સ. ૧૯૮૩ સુધી કોઈ કાર્યવાહી જ નહોતી થઈ.
ઇ.સ. ૧૯૮૩માં વિશ્વ હિન્દુ પરિષદે રામજન્મભૂમિની મુક્તિ માટેનું આંદોલન તીવ્ર બનાવ્યું તેનેે પગલે ભારતભરમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. અયોધ્યાના સ્થાનિક વકીલ યુ.સી. પાંડેએ રામજન્મભૂમિના તાળા ખોલી નાંખવા ફૈઝાબાદની જિલ્લા અદાલતમાં અરજી કરી હતી. અદાલતના જજ કે.એમ. પાંડેએ ઇ.સ. ૧૯૮૬ની પહેલી ફેબુ્રઆરીએ તાળાઓ ખોલી નાખવાનો હુકમ કર્યો હતો. આ હુકમનો ત્વરિત અમલ કરવામાં આવતા દેશભરના હિન્દુઓમાં હર્ષ વ્યાપી ગયો હતો. ઉત્તર પ્રદેશના સુન્ની વકફ બોર્ડે અને બાબરી મસ્જિદ એક્શન કમિટીએ આ ચુકાદા સામે અલ્લાહાબાદ હાઇકોર્ટમાં અપીલ કરી પણ તેમને મનાઇહુકમ મળ્યો નહોતો. ત્યારબાદ અલ્લાહાબાદ હાઇકોર્ટે આ બાબતના તમામ કેસો હાઇકોર્ટની લખનૌ બેન્ચમાં સાથે જ ચલાવવાનો આદેશ કર્યો હતો. ઇ.સ. ૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે અયોધ્યામાં કારસેવકોએ વિવાદાસ્પદ ઢાંચો તોડી પાડયો પણ જમીનના વિવાદનો કોઈ હલ આવ્યો નહોતો.
હવે ૬૦ વર્ષ પછી આ કેસનો ચુકાદો આવવાનો છે ત્યારે તમામ હિન્દુવાદી સંસ્થાઓ આ ચુકાદાનો રાજકીય લાભ ઉઠાવવા અને આંદોલનને વેગવાન બનાવવા તડામાર તૈયારીઓ કરી રહી છે. આ માટે ભાજપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ જેવી સંસ્થાઓ પોતપોતાની રણનીતિઓ ઘડી રહી છે તો સરકાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કેમ જાળવી તેની ચિંતામાં પડી ગઈ છે. આ કેસનો ગમ તે ચુકાદો આવે તો પણ દેશમાં ભારે ઉથલપાથલો થશે તે નક્કી છે.
- સુપાર્શ્વ મહેતા
Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 
 

Gujarat Samachar Plus

કૃષ્ણની વાંસળીએ મને ઈરિનામાંથી ઈન્દુલેખા બનાવી દીઘી
લોકો વાંસળી નથી ખરીદતા પણ વાંસળી વગાડવાની બક્ષીસ આપે છે
મટકી ફોડ એડવેન્ચર માટે પિરામિડ પ્રેક્ટિસ
કૃષ્ણના શણગાર થકી ચાઈલ્ડ કેર ફિલીંગ્સ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved