આપણા ઘરમાં કોઈ નવા બાળકનો જન્મ થાય તો એ સૌથી આનંદની પળ આપણા માટે હોય છે અને એ નવા મહેમાન માટે પારણુ, કપડા, રમકડા, પગનાં અને હાથનાં કડા અને બીજું કાંઈ કેટલુંય તેના માટે ઘરમાં હોંશથી લઈ આવીએ, સાચી વાતને.
આવું જ કાંઈક આપણે ત્યાં જન્માષ્ટમીનાં પર્વ નિમિત્તે લાલજી મહારાજ એટલે કે બાળગોપાળ માટે થાય છે. અમદાવાદમાં કેટલાંય લોકો એવા છે જેના માટે જન્માષ્ટમી એ તહેવાર કરતાં ય વઘુ ઘરમાં નવા મહેમાન તરીકે બાળગોપાળનો જન્મ થયો હોય તેવું વાતાવરણ તેમના ઘરમાં હોય છે. આ લાલજી મહારાજ માટે નવુ પારણું, વાઘા, મુગટ, ગાદી અને બાળગોપાળના જન્મની ખુશીમાં ગળ્યુ મોઠું પણ કરાવાય છે.
કાનુડાના જન્મને દર સાલ ખુશીથી વધાવનાર ઉષાબેન વોરા કહે છે કે, હું નાની હતી ત્યારથી મારા પિતાજી પણ ઘરમાં દર જન્માષ્ટમીએ બાળગોપાળ લાવતા અને ઘરમાં એક નવું બાળક આવ્યું હોય તેવો માહોલ છવાઈ જતો હતો. આ આખી પરંપરા મને ખૂબ ગમતી હતી એટલે હું પણ છેલ્લા દર વર્ષે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે મારા કાનુડાને વધાવુ છું અને તેના માટે સ્પેશ્યલ નવુ પારણુ અને વાઘા તેમજ તેને પોઢવામાં તકલીફ ન પડે એટલા માટે ગાદી-તકીયા અને શ્રીંગાર માટે મુગટ, કુંડળ બઘુ જ નવું લાવું છું. મારી પૌત્રી તો કાનુડાને નાનો ભૈલો, નાનો ભૈલો કહેતા થાકતી જ નથી અને તેને પોતાના નાના ભાઈની જેમ સાચવે છે.
આવા તો ઘણા બધા ફેમીલીઝ અમદાવાદમાં છે. જેના વિશે વાતકરતા ચાંલ્લાઓળમાં લાલજી મહારાજના વાઘા, આભૂષણો અને પારણા રાખતા કેતનભાઈ રસાણિયા કહે છે. જન્માષ્ટમી આવતા પહેલા કુલ ૧૫થી ૨૦ હજાર જેટલા વૈષ્ણવધર્મીઓ અને સાથે જબીજા ઘણા લોકો બાળગોપાળના આગમનની તૈયારીરૂપે પારણા, વાઘા, શ્રીંગારસામાન એ બઘું લઈ જાય છે અને પોતાના બાળક માટે જ્યારે કપડા લેવા જાય છે ત્યારે કેટકેટલીય દુકાનોમાં ફરતા હોય છે અને પછી કપડા ખરીદતા હોય છે તેવી જ રીતે લાલજી મહારાજના વાઘા માટે પણ લોકો ઘણી-બધી દુકાનો ફરી વળે છે અને પોતાનો લાલો સૌથી બેસ્ટ દેખાય તે માટે સૌથી સુંદર વાઘા, મુગટ વગેરે શોધીને લેતા હોય છે. સાથે જ વાઘાની મેચિંગના આભૂષણો અને મુગટ હોય તેનું પણ ખાસ ઘ્યાન રાખતા હોય છે. જન્માષ્ટમીએ મંદિરોમાં લાલજી મહારાજને હર્ષથી વધાવાય છ પરંતુ ફેમીલીઝની અંદર પણ લાલજી મહારાજને હર્ષથી વધાવાય છે પરંતુ, ફેમીલીઝની અંદર પણ લાલજી મહારાજને એક નવા બાળકના આગમનની ખુશી હોય તેવી જ રીતે વધાવાય છે.
|