લંડન, તા. ૧
ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડે આગામી પાંચ સપ્ટેમ્બરથી શરૃ થતી બે ૨૦-ટ્વેન્ટી અને પાંચ વનડેની શ્રેણી જારી રાખવાનો નિર્ણય લીધો છે. તેનાથી મોટાભાગના ઇંગ્લેન્ડના ક્રિકેટરો અને ચાહકો નારાજ છે.
ઇંગ્લેન્ડના ક્રિકેટરોએ તો બોર્ડને એમ જણાવી દીધું છે કે તેઓ બટ્ટ, આમીર અને આસિફ જેવા આરોપી ક્રિકેટરો પાકિસ્તાનની ટીમમાંથી રમશે તો પાકિસ્તાન સામે હવે પછીની શ્રેણી રમવાના મૂડમાં નથી. તો બીજી તરફ જે ચાહકોએ પાકિસ્તાન-ઇંગ્લેન્ડની ટ્વેન્ટી-૨૦ અને વનડે મેચો જોવા માટે ટિકિટો ખરીદી લીધી છે તેઓ મેચ જોવા નથી માંગતા અને રકમ પાછી માંગે છે. ઇગ્લેન્ડ અને પાકિસ્તાન બોર્ડ દ્વીધા અનુભવે છે. કેમ કે હજુ ત્રણેય ક્રિકેટરો પર સ્કોટલેન્ડ પોલીસ દ્વારા ચાર્જ દાખલ થઈ શક્યા નથી. ઇંગ્લેન્ડના એન્ટી કરપ્શન યુનિટના વડા પેરીએ તો મુખ્ય ફિક્સર મજીદની સામે જ ચાર્જ ફ્રેમ થઈ શકે તેમ નથી તેવો આ કેસ જણાવ્યો છે.
હવે આવા સંજોગોમાં જો પાકિસ્તાનના ક્રિકેટરોને રમવાનો ઇન્કાર કરાય તો પણ તેઓ તેને પડકારી શકે. કેમ કે તેઓ જ કહે છે ટીમને ખોટી રીતે સંડોવવામાં આવી છે. અમે આ માટે ટીમમાંથી ખસી જઈએ.
બીજી તરફ પાકિસ્તાન બોર્ડે પણ તેઓને સસ્પેન્ડ કરવાનો ઇન્કાર કર્યો છે. પાકિસ્તાન બોર્ડ તેઓને રક્ષણ આપવાના બનતા પ્રયત્ન કરે છે તે સ્પષ્ટ થઈ ચુક્યું છે. આઈસીસીએ પણ કુણું વલણ અખત્યાર કર્યું છે. જો પાકિસ્તાન ત્રણ ખેલાડીઓને પડતા મુકે તો એવા સંકેત જાય કે તેઓ ફિક્સર છે.
ઇંગ્લેન્ડ બોર્ડને તેમના ખેલાડીઓ જોડે સંઘર્ષ થાય તેવા સંજોગો નિર્માણ પામ્યા છે.
આરોપી ક્રિકેટરો ઇચ્છતા હોય કે તેઓ બે ટ્વેન્ટી-૨૦ અને પાંચ વનડેના શ્રેણી રમે જેથી મહત્તમ પોલીસ પુછપરછ શ્રેણી પછી થાય જે દરમ્યાન મામલો ઠંડો પડી જાય.
ખરેખર શ્રેણી બચાવવા પાકિસ્તાન બોર્ડે જ ત્રણ ખેલાડીઓ વિસ્તૃત પૂછપરછમાં સહકાર આપી શકે તેથી શ્રેણી ન રમે તેવો આદેશ આપવો જોઈએ.
આઈસીસીની ચીફ એક્સીક્યુટિવ લોર્ગાટ પાકિસ્તાનમાં જઈને તેમના ચેરમેન એઝાઝ બટ્ટને મળવા કાલે જવાના છે. જેમાં મહત્વનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
ઇંગ્લેન્ડ બોર્ડ તો હવે પછીની શ્રેણી રમવા માંગતી જ નથી પણ જો તેમ કરે તો બંને બોર્ડના સંબંધો વણસે. કાનુની ગુંચ, નુકસાન વળતર, પ્રસારણ વિવાદ વગેરેનો ભય છે.