| Last Update : 02-Sept.-2010, Thursday |
|
|
|
|
|
|
પાકિસ્તાનના ક્રિકેટરો અને બોર્ડના હોદ્દેદારો પણ ફિક્સિંગમાં સામેલ હોય છે |
આસિફની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ વિણા મલિકની વિસ્ફોટક કોમેન્ટ
એન્ટી કરપ્શન યુનિટના હસન આજે વીણાને મળશે , આસિફ જોડે બેંગકોક ગઈ હતી ત્યાં ભારતીય બુકી સતત તેના સંપર્કમાં હતો ઃ વીણા મલિક , આસિફે લગ્ન કરવાનો ઇન્કાર કરતા વીણા મનઘડત આક્ષેપો લગાવે છે ઃ પાક ઓફિસિયલ |
લાહોર, તા. ૧
સ્પોટ ફિક્સિંગમાં જેનું નામ ઉછળ્યું છે તેવા પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફની ભુતપૂર્વ ગર્લફ્રેન્ડ વીણા મલિકે સનસનાટી મચાવતો આરોપ મુક્યો છે કે આસિફ અને પાકિસ્તાનના ક્રિકેટરો જ નહીં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ઉચ્ચ હોદ્દેદારો સહિત બધા સહિયારા મેચ ફિક્સરો છે. બધાની સંડોવણી છે. પાકિસ્તાન બોર્ડના હોદ્દેદારોને પાકિસ્તાનના ક્રિકેટરો જે પણ ફિક્સિંગ કરે છે તેની પાકિસ્તાન બોર્ડને અગાઉથી ખબર હોય જ છે. ઇંગ્લેન્ડમાં થયેલા સ્પોટ ફિક્સિંગ અંગે પણ તેઓ જાણતા જ હતા.
વીણા મલિકે એમ પણ જણાવ્યું કે આઈસીસીના એન્ટી કરપ્શન યુનિટના રઝા હસન ગુરુવારે અહીં તપાસ માટે આવી રહ્યા છે, ત્યારે તેને હું તમામ માહિતીથી વાકેફ કરીશ. સિનિયર પોલીસ ઓફિસરે પણ મને જણાવ્યું છે કે રઝાએ મને મળવાની તૈયારી બતાવી છે.

મલિકે કહ્યું હતું કે આસિફના સ્પોટ ફિક્સિંગના પૂરાવા પાકિસ્તાન બોર્ડ પાસે હતા પણ તેઓ પણ આ રેકેટમાં સામેલ હોઈ આંખ આડા કાન કરતા હતા. મલિકે એમ પણ જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ અગાઉ તે આસિફ જોડે બેંગકોક ગઈ હતી ત્યારે તેને ખબર પડી હતી કે આસિફ બુકીઓ જોડે સંપર્કમાં છે. આસિફે વીણા મલિકને એમ પણ કહ્યું હતું કે એક ભારતીય બુકીએ ઓસ્ટ્રેલિયા સામે ખરાબ દેખાવ કરવા માટે ૪૦૦૦૦ ડોલરની ઓફર કરી હતી પણ મેં બે લાખ ડોલર માંગ્યા હતા. મલિકે તો એટલે સુધી કહ્યું કે આસિફની બુકી જોડેની સાંઠગાંઠ તેમજ આવા ધંધાને કારણે જ મેં તેની જોડે છેડો ફાડી નાખ્યો હતો. હું તેને આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલો નહોતી ઇચ્છતી.
વધુ માહિતી આપતા તેણે કહ્યું હતું કે આસિફને બટ્ટ અને આમીર જોડે મિત્રતા નથી. આ ક્રિકેટરો પણ સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયા છે. કદાચ આ બંને પણ મેચ ફિક્સરો હોઈ આસિફ જોડે મિત્ર બન્યા હશે.
મલિકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ઉચ્ચ હોદ્દેદારોની સંડોવણી તરફ પણ આંગળી ચીંધી હોઈ એક અધિકારીએ જણાવ્યું હતું કે આસિફ અને વીણાના સંબંધો તૂટી ગયા પછી તેનું હૃદય ભાંગી પડયું છે. ત્યારથી તે આસિફને બદનામ કરવાનો પ્રયત્ન કરીને તેને તક મળતા જ નિશાન બનાવે છે. આસિફે તેની જોડે લગ્ન કરવાનો ઇન્કાર કરતા તે ધુંધવાઈ ગઈ છે. આ બાબતને નજરમાં રાખતા મલિકના આરોપોને બહુ મહત્વ ન આપવું જોઈએ.
મલિકે પાકિસ્તાન ટીવી ચેનલને ઇન્ટરવ્યુ દરમ્યાન એમ પણ જણાવ્યું હતું કે આસિફે મને એમ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમા અમે એક પણ મેચ જીતવાના નથી. જ્યારે પાકિસ્તાન ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે હારતું જ રહ્યું ત્યારે મેં તેને મજાકમાં કહ્યું હતું કે ઉપરવાળાને ખાતર મેચ જીતો ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે અમે ૨૦૧૦ સુધી એક પણ મેચ નહીં જીતીએ.
મલિકે પાકિસ્તાન બોર્ડના ઉચ્ચ હોદ્દેદારોને પણ નિશાન બનાવીને એ નિર્દેશ કર્યો હતો કે ભ્રષ્ટ સિસ્ટમની જેમ ખેલાડીઓ જે કરોડોની રકમનો સોદો કરે છે તેનો હપ્તો ઉપર સુધી પહોંચાડાય છે. ભૂતકાળમાં પણ પાકિસ્તાનના ક્રિકેટરો અનેક વખત મેચ ફિક્સિંગમાં સંડોવાયા છે હતા. તેઓ પર ક્રિકેટ વિશ્વને બતાવવા મોટી સજાની જાહેરાત થાય છે. પછીથી તેઓને માફ કરીને કે અમુક દંડ ભરાવી ફરી ટીમમાં સ્થાન આપી દેવાય છે.
મલિકનો આરોપ આથી જ સાવ પાયા વગરનો નહિં હોય.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
|
|