Last Update : 02-Sept.-2010, Thursday
મહાપર્વ પર્યુષણમાં ધર્મકથાઓની ગંગામાં સ્નાન કરીએ તૃષ્ણામાંથી મોહ જન્મે છે, મોહમાંથી તૃષ્ણા ભગવાન મહાવીર
આંખ છીપ, અંતર મોતી
 


 


શ્રમણ ભગવાન મહાવીર સુરભીભર્યા પવનની જેમ પૃથ્વીતલ પર વિહરતા હતા. એકદા એ વિહાર કરતા કરતા મગધની રાજધાની રાજગૃહીમાં પધાર્યા.
મહારાજા શ્રેણિક એમની વંદના અર્થે આવ્યા. ભગવાન મહાવીરનાં દર્શન કરીને શ્રેણિકને થયું કે પોતે પાવન થઈ ગયા છે. એમણે કહ્યું ઃ ‘પ્રભુ, આ જીવ સંસારમાં રખડે છે શાથી ?’
પરમાત્મા મહાવીરની તત્વજ્ઞાન સમજાવવાની શૈલી સાવ સરળ હતી. એમણે કહ્યું ઃ
‘ભંતે, તૃષ્ણા જ માનવીને સંસારમાં પરિભ્રમણ કરાવે છે. તૃષ્ણામાંથી મોહ જન્મે છે અને મોહમાંથી તૃષ્ણા. આ એક વિષચક્ર છે. આમાંથી ઊગરવાનો એક રસ્તો છે, અપરિગ્રહ અપનાવવો તે.’
પરિષદમાં બેઠેલા રાજગૃહીના ધનાઢય પુણિયા શ્રાવકે કહ્યું ઃ ‘ભગવાન, આપનો ઉપદેશ મેં સાંભળ્યો છે. મારી પાસે પુષ્કળ સંપત્તિ છે. એ સઘળાયનો હું ત્યાગ કરું છું. મને અપરિગ્રહનું વ્રત આપો !’
ભગવાન મહાવીરે પુણિયા શ્રાવકને અપરિગ્રહનું વ્રત ઉચ્ચરાવ્યું.
મહારાજા શ્રેણિકે આ જોઈને કહ્યું ઃ
‘ભગવાન આપ જ્યાં પધારો છો ત્યાં ધર્મ રચાય છે. આપ જ્યારે બોલો છો ત્યારે સૌ ધર્મ પામે છે. આપને મારા નમસ્કાર હો.’
સમગ્ર પરિષદ ભગવાન મહાવીરને નમી રહી.
શ્રાવસ્તીમાં તેજના અંબાર રેલાઈ રહ્યાં. શ્રાવસ્તીમાં આજે શ્રમણ ભગવાન મહાવીર શિષ્ય સમુદાય સહિત પધાર્યા. ચોમેર આનંદનો મહાસાગર ધૂઘવી ઊઠયો. સારોય માનવમહેરામણ પ્રભુને વંદનાર્થે ઉદ્યાનમાં ઉમટયો.
ભગવાનની દિવ્યવાણી સૌએ સાંભળી. એ પવિત્ર, મંજુલવાણીમાં આત્મશ્રેયની સરવાણી હતી.
દેશના પૂરી થઈ. શંખ શ્રાવકે પોખ્ખતિ આદિ શ્રાવકોને કહ્યું, ‘સાધર્મિક બંઘુઓ ! આપણે આજે સૌ સમૂહભોજન કરીએ. ધર્મકથા કરીએ, સાથે જ પ્રતિક્રમણ ને સ્વાઘ્યાય કરીએ.’
સૌએ હર્ષથી હામી ભણી.
સમૂહભોજનની વ્યવસ્થા ગોઠવાઈ.
જમવાનો સમય થયો ને સૌ આવ્યા, કિંતુ શંખ શ્રાવક ન દેખાયા. પોખ્ખલિ શ્રાવકે સૌને કહ્યું કે, ‘તમે સૌ થોડીક રાહ જુઓ ઃ હું હમણાં શંખ શ્રાવકને લઇને આવું છું.’
શંખ શ્રાવક સૌ ધરામિકજનોથી છુટ્ટા પડીને પોતાની હવેલીએ પહોંચ્યા. એમના ચિત્તમાં ભક્તિની સરિતા રમણે ચઢી હતી. પ્રભુના દર્શન ને પ્રભુની વાણી ચક્ષુસન્મુખ દ્રશ્યો રચતા હતા. એમને વઘુ ને વઘુ ધર્મ કરવાના ભાવ થતા હતા. પત્ની ઉત્પલાને શંખ શ્રાવકે કહ્યું ઃ
‘ભંતે આજે ચતુર્દશી છે અને પૌષધ કરવાની ભાવના થાય છે.’
‘સરસ. જેવી આપની ભાવના’ ઉત્પલાએ કહ્યું.
શંખ શ્રાવક પૌષધાલયમાં ગયા.
પૌષધવ્રત લીઘું. બહારની દુનિયા ભૂલાઈ ગઈ.
એ સમયે પોખ્ખલિ શંખની હવેલીએ પહોંચ્યા. ઉત્પલાએ વિનયથી આવકાર્યા ઃ
‘પધારો, કહો, શી સેવા કરું ?’
પોખ્ખલિએ બધી વાત કરી. ઉત્પલા તરત પૌષધાલયમાં ગઈ, શંખ શ્રાવકને તેણે કહ્યું ઃ
‘અરે ! તમે તો પૌષધ લઇને બેસી ગયા ને સૌને તો ભોજન માટે નિમંત્ર્યા છે. સૌ તમારી રાહ જુએ છે. પોખ્ખલિભાઈ તમને તેડવા આવ્યા છે. ચાલો.’
શંખે કહ્યું ઃ ‘મેં પૌષધ લીધો છે, હવે કયાંય ન જવાય.’ પોખ્ખલિ શ્રાવક પાછા વળ્યા સૌએ સમૂહભોજન કર્યું પણ આ વાત કોઇને ગમી નહિ.
સવાર થઈ. પૌષધ પાર્યો. તેણે પ્રભુના દર્શન કરીને પારણું કરવું તેમ વિચારીને સમોસરણમાં પહોંચ્યો. તે સમયે પોખ્ખલિ અને બીજા શ્રાવકો ત્યાં આવ્યા. શંખને જોઈને તેની નજીક સર્યા ને મશ્કરી કરી ઃ
‘વાહ રે શંખજી ! વાહ ! અમારી સાથે આવી મશ્કરી કરી ? અમને કહ્યું હોત તો અમે ય પૌષધ ન કરત ? પરંતુ અમને છેતરીને ધર્મ ન કરાય !’
શંખ શાંત રહ્યો. ભગવાન મહાવીરે સૌને કહ્યું ઃ
‘ભાઈઓ ! તમે શાંત બનો. શંખની ધર્મભક્તિની અવહેલના ન કરો. એના મનમાં કયાંય કોઇને છેતરવાની વાત નહોતી અને દર વખતે, આવી વાતમાં, છેતરવાની જ વાત હોય તેવું નથી હોતું. શંખ શ્રઘ્ધાળુ છે ને ધર્મપ્રિય છે માટે તેને માટે આમ વિચારશો નહિ.’
પ્રભુની વાણીનું સત્ય સૌને સ્પર્શી ગયું.
મુનિ નંદિષેણ શ્રમણ ભગવાન મહાવીરના શિષ્ય બન્યા અને ત્યાગનો પંથ પકડયો ઃ આકરી તપશ્ચર્યા અને નિરીહ સાધનાના પ્રભાવથી એમને અનેક દૈવી લબ્ધિઓ સાંપડી.
મગધ નરેશ શ્રેણિકના તેઓ પુત્ર હતા. તે કાળે અને તે સમયે તેમની અદ્ભુત વીણાવાદક તરીકે નામના હતી. પરંતુ દિક્ષાગ્રહીને તપસ્વી થયા ને મોહ, મમતાને સાપની કાંચળીની જેમ જીવન પરથી ઉતારી મૂકયા. મગધના વિભિન્ન ક્ષેત્રો અને શહેરોમાં તેઓ નિત્ય વિહરતા. ભીક્ષાર્થે જતાં. એકદા કોઈ વેશ્યાગૃહે ભીક્ષાન્ન માટે જઈ ચઢયા અને બોલ્યા ઃ
‘ધર્મલાભ !’
રૂપરૂપના અંબાર જેવી વેશ્યા ત્યાં જ ઉભેલી. એ મોહક નેત્રોનો જાદુ ફેલાવી રહી હતી. તે બોલી ઃ
‘મુનિવર ! અહીં ધર્મલાભ નહિ, અર્થલાભ જોઈએ ઃ એ આપો.’
નંદિષેણ મુનિનો અહં કંપ્યો ઃ સાઘુએ પોતાની લબ્ધિના પ્રભાવથી સોનાનો વરસાદ વરસાવ્યો. વેશ્યા ચમકી. એ સાઘુને વળગી રહી ઃ
‘ચાલ્યા ન જતા, અહીં જ રહો, નહિ તો મોતને વહાલું કરીસ.’
મોહનો વિજય થયો. મુનિ ત્યાં વસ્યા. કહ્યું ઃ ‘રહું પણ એક શરત ઃ રોજ દસને દીક્ષાના પંથે વાળીશ. પછી જ ભોજન કરીશ.’
એ ક્રમ સાડાબાર વરસ ચાલ્યો.
એકદા નવને નંદિષેણે ધર્મમાર્ગે વાળ્યો, દસમો ન માને. કહે કે, ‘ધર્મપંથ સારો છે તો તમે કેમ તે માર્ગે જતા નથી ?’
એ વ્યકિતને સંસાર ગમતો હતો, ધર્મ નહિ. સાધના તેને કઠીન લાગતી હતી.
નંદિષેણ સમજાવતા રહ્યા. સવારની બપોર થઈ, બપોરની સાંજ થઈ. ભોજન ઠંડા થઇ ગયા. વેશ્યા અકળાઈ ઉઠી એ બોલી ઃ
‘એની સાથે ક્યાં સુધી માથું કૂટશો ? એ ન માને તો કંઇ નહિ, આજે દસમા તમે !’
એ વેણથી હૃદયમાં વૈરાગ્યના ડંકા પડ્યા, નંદિષેણ ફરીથી સાઘુ બન્યા.
વાસના ઝૂકી, ધર્મનો વિજય થયો.
રાજગૃહીના રળિયામણા માર્ગ પર અનંતલબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામી પસાર થઈ રહ્યા છે. એમના દેહ પર ચારિત્ર્યનું તેજ ઝળાંહળાં થાય છે. મુખમંડળની પછવાડે વિસ્તરેલું આભામંડળ એમના જ્ઞાનની ગવાહી દે છે. નૈત્રો માર્ગ પર સ્થિર કરીને એ ચાલે છે ને ચિત્તમાં પ્રભુ મહાવીરનાં વચનો રમ્યા કરે છે. આજે જ પ્રભુને પોતે એક સવાલ કર્યો કર્યો હતો ઃ
‘પ્રભુ, ધર્મનું મૂળ શું ?’
એ પ્રશ્ન સાંભળીને જ્ઞાની પરમાત્માના મુખ પર વિમલ હાસ્ય રમી રહ્યું હતું. તેમણે કહ્યું હતું ઃ
‘ભંતે, ધર્મનું મૂળ વિનય છે.’
એ ઉત્તરમાં કેવું સત્ય ઝળકી રહ્યું છે ! ગણધર ગૌતમસ્વામીને વિચાર આવી ગયો ઃ વિનય વિના ધર્મ ન હોય. વિનય વિના વિદ્યા ન હોય. વિનય એ તો જીવનની પીઠિકા છે, જીવનની આધારશિલા છે. વિનય વિના જિંદગીનો વિકાસ થતો નથી. આજે જ, પ્રાતઃકાળે સમવસરણમાં કેવું બન્યું ? એમના ચિત્તાકાશમાં એ પ્રસંગ અવતર્યો ઃ
એ બાળક મુનિ- બાળમુનિ અઈમુત્તો પ્રભુની સન્મુખ નતવદને ખડો થઇ ગયો ત્યારે તેના ચહેરા પર વિનયની, વિવેકની કેવી દીપ્તિ મહોરતી હતી ! એ બાળક, કેવો નાનો છે એ ! એની નાની નાની કીકીઓમાં આંસુની ઝલક હતી. એણે આવીને પ્રભુને કહ્યું,
‘પ્રભુ, આજે હું સ્થવિરમુનિ સાથે જંગલભૂમિ ભણી ગયેલો ને ત્યાં સરોવરમાં મેં પાત્ર રમવા મૂકયું તો મુનિજી કહે કે, ‘એમાં પાપ લાગે ! પ્રભુ, એ દોષોનું મને પ્રાયશ્ચિત આપો!’
સમગ્ર સમવસરણમાં બિરાજતા દેવો, મુનિઓ, શ્રાવકો- શ્રાવિકાઓને જિજ્ઞાસુઓ ઃ આ બાળમુનિ અઇમુત્તાની ધર્મપરિણત અંતર ભાવનાને નિહાળી રહ્યાં હતાં. આટલો નાનો બાળક પોતાના જીવનને નિર્મળ રાખવા કેવો પ્રયત્નશીલ છે ! સૌના અંતરમાં તેના પ્રતિ અહોભાવભરી અનુમોદના છલકાઈ રહી ત્યાં પ્રભુએ કહ્યું ઃ
‘તું ઇર્યાપથિકી સૂત્ર બોલ !’
એ સૂત્ર બોલતાં બોલતાં જ નાનકડા સંયમી મુનિને કેવળજ્ઞાન થયું ઃ પવિત્ર એ સાઘુના જીવનમાં આવી મહાન નિર્મળતાનું સિંચન કર્યું કોણે ? વિનયે. વિનય એ જીવનની આધારશિલા છે. વિનય માનવીને સન્માર્ગે વાળે છે ઃ ગુમરાહને જીવનદિશા અર્પે છે.
પ્રભાવના
આજકાલ હું પ્રાર્થનાસમાજ (મુંબઈ)માં ચાતુર્માસ બિરાજમાન છું. અહીંના પ્રાતઃકાલીન પ્રવચનો ટી.વી. ચેનલ પર લાઇવ રીલે થાય છે. એક મરાઠી સજ્જન કુટુંબ સાથે એ પ્રવચન રોજ સાંભળે. એમની તબિયત બગડી. ડૉકટર કહે કે હોસ્પિટલાઇઝડ થવું જોઈએ, જરૂરી છે. મરાઠીભાઈ કહે, હું રોજ સાડા નવથી સાડા દસ એક સંત પુરૂષનું પ્રવચન સાંભળું છું. મારે હોસ્પિટલમાં આવવું નથી. હું પ્રવચન સાંભળીશ અને પછી પ્રભુના ઘરનું તેડું આવે તો ભલે ! એમણે પ્રવચન સાંભળ્યું અને પછી દેહ છોડયો !
ધર્મનો પ્રકાશ કયાં અને કેવી રીતે પહોંચે છે ! જેમણે આ સાંભળ્યું તે સૌની આંખ ભીંજાઈ.
- આચાર્યશ્રી ‘વાત્સલ્યદીપ’ સૂરિજી

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 
 

Gujarat Samachar Plus

કૃષ્ણની વાંસળીએ મને ઈરિનામાંથી ઈન્દુલેખા બનાવી દીઘી
લોકો વાંસળી નથી ખરીદતા પણ વાંસળી વગાડવાની બક્ષીસ આપે છે
મટકી ફોડ એડવેન્ચર માટે પિરામિડ પ્રેક્ટિસ
કૃષ્ણના શણગાર થકી ચાઈલ્ડ કેર ફિલીંગ્સ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved