મુંબઇ -
ઘણી બધી ચર્ચા બાદ સેનેટ મુંબઇ યુનિવર્સિટીની ૨૦૧૧-૧૨ માટેની સૂચિત યોજના સોમવારે મોડેથી મંજૂર કરી હતી. સેનેટે લગભગ ૧૮૫ નવી કોલેજ સ્થાપવાની ભલામણ કરી છે.
આ યોજના હવે રાજ્ય સરકારને મોકલી અપાશે, જે કેટલી શિક્ષણ સંસ્થાઓ શરૃ કરવાની પરવાનગી આપવી એ વિશે અંતિમ નિર્ણય લેશે. યોજનાનો બોમ્બે યુનિવર્સિટી કોલેજ ટીચર્સ યુનિયને (બકટુ) વિરોધ કર્યો હતો. બકટુએ જે રીતે કમિટીએ યોજના ઘડી છે એની સામે શંકા ઉઠાવી હતી. 'આ વખતે કમિટીએ વિવિધ વિસ્તારોમાં વિદ્યાર્થીઓની ભાવિ વસતિ વિશેના અંદાજનો પણ વિચાર નથી કર્યો. દરેક વિસ્તારમાંથી કેટલા વિદ્યાર્થીઓ બારમું ધોરણ પાસ કરે છે એ વિશે કોઇ સ્પષ્ટતા નથી,' એમ સેનેટના સભ્ય મધુ પરાંજપેએ જણાવ્યું હતું.
બકટુના બીજા સભ્યોએ એવો આક્ષેપ કર્યો હતો કે રત્નાગિરિ અને સિન્ધુદુર્ગમાં બંધાયેલી નવી કોલેજોનો સ્થાનિક વિદ્યાર્થીઓને લાભ નથી મળી રહ્યો. 'આ કોલેજોના ફક્ત ૧૦ ટકા વિદ્યાર્થીઓએ જિલ્લાના છે,' એમ બકટુના બીજો એક સભ્યે જણાવ્યું હતું. જોકે, પછીથી યોજના પર મતદાન લેવાયું હતું અને એ ૨૯-૧૧ની જંગી બહુમતિથી પસાર થઇ હતી.
આ પહેલાં ઓગસ્ટમાં યુનિવર્સિટીની એકેડેમિકા કાઉન્સિલ અને મેનેજમેન્ટ કાઉન્સિલે ભાવિ યોજના મંજૂર કરી હતી, જેમાં લગભગ ૧૭૪ નવી કોલેજોની જરૃરિયાતનો અંદાજ અપાયો હતો પણ યોજના સેનેટ સમક્ષ મૂકાઇ ત્યારે એમાં બીજી ૧૦ કોલેજ ઉમેરાઇ હતી. 'વધારાની કોલેજોમાં પછાત વિસ્તારોના પ્રસ્તાવોનો સમાવેશ હતો, જ્યાં આદિવાસી વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે.
પરંતુ સેનેટના સભ્યોને એ વાતની ચિંતા પણ હતી કે આર્થિક રીતે પછાત વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓ કોલેજોની ઊંચી ફી ભરી શકશે કે કેમ. બધી જ નવી કોલેજો બિનઅનુદાનિત (અનએઇડેડ) હોવાની શું આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓને આ કોલેજોમાં ભણવાનું પરવડી શકશે? એવો પ્રશ્ન પરાંજપેએ કર્યો હતો. નવી કોલેજોના ૪૩ પ્રસ્તાવ મુંબઇમાંથી આવ્યા છે. જ્યારે સૌથી વધુ ૫૯ પ્રસ્તાવ થાણે જિલ્લામાંથી આવ્યા છે.
|