મુંબઇ -
૨૫ વર્ષની પુષ્પા મૂલ્ય નામની પરિણીતા માટે શનિવારનો દિવસ ખૂબ જ પીડાદાયક અને અવિસ્મરણીય સાબિત થયો હતો. ત્રણ કલાક સુધી અપહૃત કરીને રૃ.૫૦,૦૦૦ની કિંમતના પુષ્પાના સોનાના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી હતી. વધુમાં ત્યાર બાદ અન્ય અઢી કલાક સુધી તેને ફરિયાદ નોંધાવવા માટે અલક ચલાણું પેલે ઘેર ભાણું કહેવતની જેમ વિવિધ પોલીસ સ્ટેશનના ઉંબરા ઘસવા પડયા હતા.
શનિવારની બપોરે પુષ્પા મૂલ્યે અંધેરી સ્ટેશન જવા માટે સાત બંગલા ખાતેથી રિક્ષા કરી હતી. થોડે અંતરે ગયા પછી રિક્ષા ગેરમાર્ગે જતી હોવાની તેને પ્રતીતિ થઇ હતી. રિક્ષા ડ્રાઇવરે ફોન પર તેના સાગરિતોને તેઓ ક્યા સ્થળે હોવાની જાણકારી આપી હતી એમ જણાવીને પુષ્પા ઉમેરે છે કે 'રિક્ષા જોગેશ્વરી સ્થિત ડિવાઇન સ્કૂલ પાસે પહોંચી ત્યારે બે વ્યક્તિ બળજબરીપૂર્વક રિક્ષામાં પ્રવેશી હતી. તેમણે મારી મારપીટ કરવા સાથે ડ્રાઇવરને રિક્ષા ચલાવવાનો આદેશ આપ્યો હતો.'
પુષ્પાના જણાવ્યા મુજબ અંધેરી, વાંદરા, વાંદરા-કુર્લા કોમ્પ્લેકસ, ચેંબુર અને ઘાટકોપર સહિત અનેક સ્થળેથી રિક્ષા પસાર થઇ હતી. રિક્ષાની બંને બાજુ તાડપત્રી બાંધી હોવાને કારણે જાહેર માર્ગ પર ચાલનાર વ્યક્તિઓ રિક્ષામાં ઘટાતી ઘટનાથી અજ્ઞાાત હતા. ત્રણ કલાક રહીને પુષ્પાને કુર્લાસ્થિત એકાંત સ્થળે છોડવામાં આવી હતી. 'ત્રણ કલાક દરમિયાન રિક્ષામાં મને ગોંધી રાખવામાં આવી હતી. જે દરમિયાન તેઓ સતત મને તમાચા મારતા રહ્યા હતા અને જબરદસ્તીપૂર્વક મારી બંગડીઓ, સોનાની ચેન અને એરિંગ ઝૂંટવી લીધા હતાં' એમ પુષ્પાએ સવિસ્તાર માહિતી આપતાં જણાવ્યું હતું.
પુષ્પાને કુર્લા ખાતે છોડવામાં આવી કે તરત જ તેણે પતિને હકીકતથી વાકેફ કર્યો હતો. ખાનગી કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરનારા પુષ્પાના પતિ પ્રસાદના જણાવ્યા મુજબ 'હું તાબડતોબ પુષ્પા જ્યાં હતી તે સ્થળે પહોંચ્યો અને ત્યાર બાદ અમે પોલીસ સ્ટેશને ગયા હતા.' હકીકતમાં ત્યાંથી તેમના દુઃસ્વપ્નના બીજા પ્રકરણની શરૃઆત થઇ હતી. કારણ કે પતિ-પત્નીએ ફરિયાદ નોંધાવવા માટે અનેક પોલીસ સ્ટેશનની મુલાકાત લેવી પડી હતી.
દંપતીના જણાવ્યા મુજબ ચેંબુર પોલીસે પુષ્પાનું અપહરણ સાત બંગલા ખાતેથી થયું હોવાનું જણાવીને ફરિયાદ નોંધવાનો ઇન્કાર કર્યો હતો. અંઘેરી પોલીસે જે સ્થળે તેને લઇ જવામાં આવી હતી તે તમામ સ્થળ દર્શાવવાનું સૂચન કર્યુ ેેહતું. આ ઓછું હોય તેમ સ્થળની તલસ્પર્શી તપાસ કર્યા પછી જે સ્થળો પરથી રિક્ષા પસાર થઇ હતી તે દર્શાવવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ અંધેરી પોલીસે હાથ ઉંચા કરીને વર્સોવા પોલીસનો સંપર્ક સાધવાનું કહ્યું હતું. વર્સોવા પોલીસ સ્ટેશનમાં નવેસરથી એકડો ઘૂંટયા પછી ત્યાં પણ ફરિયાદ નોંધવાનો નનૈયો ભણવામાં આવ્યો હતો. પુષ્પાના જણાવ્યા મુજબ અંતે અંબોલી પોલીસ એફઆઇઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધવા તૈયાર થઇ હતી.
પ્રાથમિક તપાસમાં ઓશિવરા અને ડી. એન. નગર પોલીસ સ્ટેશન ખાતે પણ આ પ્રકારના બનાવની ફરિયાદ નોંધવવામાં આવી હોવાની જાણ થઇ હતી. સમગ્ર બનાવની પુષ્ટિ સાધતા એડિશનલ કમિશનર ઓફ પોલીસ અમિતાભ ગુપ્તાએ કહ્યું હતું કે 'ત્રણ અજ્ઞાાત વ્યક્તિ વિરુદ્ધ અપહરણ અને લૂંટફાટની ફરિયાદ નોંધવામાં આવી છે.' વધુમાં ટૂંક સમયમાં જ તેમને ઝડપવાની આશા પણ ગુપ્તાએ વ્યક્ત કરી હતી.
|