મુંબઇ -
દક્ષિણ મુંબઇમાં મરી ડ્રાઇવ ખાતે ગઇકાલે રાતે ડ્રન્કન ડ્રાઇવિંગના બનાવમાં એક શખસે જીવ ગુમાવ્યો હતો અને અન્ય એકને ગંભીર ઇજા થઇ હતી. બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા સુશીલ કોઠારીએ દારૃના નશામાં પૂરપાટ કાર દોડાવી મરીન ડ્રાઇવ ખાતે સ્કૂટર પર જઇ રહેલા બે જણને અડફેટે લીધા હતા.
આ ઘટના બાદ ઇજાગ્રસ્તને મદદ કરવાને બદલે આરોપી ડ્રાઇવર સુશીલ નિયમોની ઐસતૈસી કરી વધુ ઝડપથી ગાડી દોડાવી વાલકેશ્વર પાસે અન્ય ત્રણ કારને ટક્કર મારી હતી. લોકોની જાગૃતતાને લીધે પેટ્રોલિંગ કરતી પોલીસે પીછો કરી છેવટે યુવકને ઝડપી લીધો હતો. આ મામલામાં સુશીલ કોઠારી સામે મરીન ડ્રાઇવ અને મલબારહિલ પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથધરી છે.
મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેકટર ઘરાલે જણાવ્યું હતું કે વાલકેશ્વરમાં રહેતો ૩૦ વર્ષીય સુશીલ રાજેન્દ્ર કોઠારી તેના પિતાને બાંધકામના વ્યવસાયમાં મદદ કરે છે. ગઇકાલે રાતે અંદાજે દોઢ વાગ્યે સુશીલ ફોર આઇકોન કારમાં મરીન ડ્રાઇવથી તેના ઘરે જઇ રહ્યો હતો. પણ દારૃ પીને કાર ચલાવી રહેલા સુશીલે આગળ સ્કૂટર પર જમા નાગપાડાના રહેવાસી હબીબ ઝુલ્ફીકાર કુરેથી અને તેની પાછળ બેઠેલા શખસને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં ગંભીર ઇજા થતા કુરેશીનું મોત નિપજયું હતું અને તેનો સાથીદાર જખમી થયો હતો. પણ કોઠારી કાર ઉભી રાખવાને બદલે વધુ સ્પીડમાં દોડાવી ઘટના સ્થળેથી નાસી ગયો હતો.
આ દરમિયાન લોકોએ બૂમાબૂમ કરી તેની કારનો નંબર નોંધ લીધો હતો તેમણે અકસ્માતની પોલીસને જાણ કરી હતી. બાદમાં વાયરલેસ પર પેટ્રોલિંગ કરતી પોલીસને અકસ્માતની માહિતી આપવામાં આવી હતી. મલબારહિલ પોલીસના જણાવ્યા મુજબ 'હિટ એન્ડ રન'ની ઘટના બાદ કાર ઝડપથી દોડાવી આવી રહેલા પારસી અગીયારી પાસે અન્ય ત્રણ કારને અડફેટમાં લીધી હતી. છેવટે ત્યાં તે પોલીસના હાથમાં ઝડપાઇ ગયો હતો.
ડીસીપી સેરિંગ દોરજેએ આપેલી માહિતી મુજબ આ યુવકે દારૃના નશામાં બેદરકારી પૂર્વક વાહન ચલાવી અકસ્માત કર્યો હોવાનું પોલીસને તપાસમાં જણાયું છે.
મલબારહિલ પોલીસે જણાવ્યું હતું કે પોલીસે કેસ નોંધી રાતે સુશીલ કોઠારીની ધરપકડ કરી હતી. પણ કોર્ટે તેને જામીન પર છોડી દીધો છે. હવે તેને વધુ તપાસ માટે મરી ડ્રાઇવ પોલીસના તાબામાં સોંપી દેવામાં આવ્યો છે.