મુંબઇ -
રાજ્ય ગુપ્તચર વિભાગે ગણેશોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સંભવિત સમસ્યા અને ત્રાસવાદી હુમલાની શક્યતાની ચેતવણી આપી છે. ગૃહ પ્રધાન આર.આર. પાટિલે મંત્રાલય ખાતેની તેમની ઓફિસમાં મંગળવારે કહ્યું હતું કે અસામાજિક પરિબળો કાયદો અને વ્યવસ્થાની સમસ્યા પેદા કરવાનું ષડયંત્ર ઘડી રહ્યાં છે એવું જણાવતો અહેવાલ અમને અમારા ગુપ્તચર વિભાગ તરફથી મળ્યો છે.
આવી સમસ્યા સર્જાવાની સંભાવના ધરાવતાં સ્થળો પોલીસ અધિકારીઓએ ઓળખી કાઢ્યાં છે. આ અહેવાલ ને ધ્યાનમાં લઇને ગૃહ ખાતુ રાજ્યમાં શાંતિ જળવાય તે માટે પૂરતી સંખ્યામાં પોલીસ તહેનાત કરાય તેની તકેદારી રાખશે. એમ તેમણે કહ્યું હતું.તેમણે વધુમાં કહ્યું હતું કે ઉત્સવો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની વધુ સારી જાળવણી માટે નાગરિકો અને ગણેશ મંડળોએ પોલીસને સહકાર આપવો જોઇએ.જોકે, પોલીસ ખાતાએ ઓળખી કાઢેલાં સંવેદનશીલ સ્થળો અને સંભવિત ધાંધલ-ધમાલને ખાળવા લેવાતાં પગલાં વિશે તેમણે માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.
|