(પી.ટી.આઇ.) ન્યુયોર્ક,
વિશ્વના 'મોસ્ટ વોન્ટેડ' આતંકવાદી ઓસામા બિન લાદેનના સાગરિતને વર્ષ ૨૦૦૦માં જેલના ગાર્ડને તીક્ષ્ણ હથિયાર મારવા બદલ આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. આતંકવાદના આરોપસર ન્યૂયોર્કમાં સુનાવણી દરમિયાન તેણે આ ગાર્ડ પર હુમલો કર્યો હતો.
મામ્હૌદ મહમુદ સલીમ (૫૨) સુદાની મૂળનો ઇરાકીન નાગરિક છે અને તેણે ૧ નવેમ્બર, ૨૦૦૦ના રોજ ગાર્ડ લુઇસ પંપે પર પ્લાસ્ટિકના કાંસકા વડે હુમલો કર્યો હોવાનું સ્વીકાર્યું હતું આ હુમલાના કારણે લુઈસને મગજમાં ઇજા પહોંચી હતી અને તે એક આંખે આંધળો બની ગયો હતો. આ ઘટના સમયે સલીમ આતંકવાદી કાવતરાં ધડવાના આરોપવાળા કેસમાં સુનાવણીની રાહ જોઈ રહ્યો હતો જેમાં ૧૯૯૮ના કેન્યા અને ટાન્ઝાનિયામાં અમેરિકી દૂતાવાસ પર હુમલાના કેસનો પણ સમાવેશ થાય છે.
સલિમને ૨૦૦૪માં ૩૨ વર્ષની સજા ફટકારવામાં આવી હતી જેમાં અદાલતે એવું તારણ કાઢ્યું હતું કે, આવી રીતે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવો એ આતંકવાદ નથી જો કે ૨૦૦૮માં અદાલતે સલીમની સજા અંગે ફેરવિચારણા કરવાનો આદેશ આપ્યો હતો. ન્યાયાધીશ ડેબોરા બેટ્ટસે આજે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, સલીમને તેના અસામાન્ય ધાતકી હુમલા બદલ આજીવન કારાવાસ થવી જોઈએ. આ મહિલા અદાલતે સલીમને ગાર્ડ પેપેની સારવાર અને આજીવિકા માટે ૪૭ લાખ અમેરિકી ડોલરનો દંડ ભરવાન પણ આદેશ કર્યો છે.
૯/૧૧ના હુમલા પહેલા સલીમ અમેરિકામાં સજા પામેલો અલ-કાયદાનો ટોચનો સભ્ય ગણાતો હતો. જો કે, આજે સલીમે પોતે આતંકવાદી ન હોવાનું જણાવ્યું હતું. સુનાવણી દરમિયાન તે જેલના તેના ઓરડામાંથી ફોન મારફતે બોલતો હતો. આ અગાઉ તેણે જણાવ્યું હતું કે, ૧૯૯૮માં જર્મની ખાતે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને અમેરિકી કસ્ટડીમાં તેની સાથે દુર્વ્યવહાર કરાયો હતો.
|
|