| Last Update : 02-Sept.-2010, Thursday |
|
|
|
|
|
|
| ઇરાક યુદ્ધના અંતની અમેરિકી પ્રમુખ ઓબામાએ કરી જાહેરાત |
| સાત વર્ષમાં ૪,૪૦૦ અમેરિકી જવાનોના મોત ઃ ઇરાકમાંથી ૧ લાખ જવાનો ખસેડાયા ઃ હવે અફઘાનિસ્તાન-પાક. પર ધ્યાન કેન્દ્રીત થશે |
(પીટીઆઇ) વોશિંગ્ટન,
અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ આજે ઇરાકમાં સાત વર્ષથી ચાલી રહેલા યુદ્ધના અંતની જાહેરાત કરી હતી. સરમુખત્યાર સદ્દામ હુસૈનને સત્તા પરથી હાંકી કાઢવા અમેરિકાએ સાત વર્ષ અગાઉ સૈન્ય અભિયાન છેડયું હતું. હવે કટ્ટરપંથીઓનો સફાયો કરવા માટે અમેરિકા અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પર ધ્યાન ધ્યાન કેન્દ્રીત કરશે. અમેરિકાએ ઇરાકમાંથી પોતાના એક લાખ જવાનોને પાછા ખેચ્યા છે. માર્ચ ૨૦૦૩થી શરૃ થયેલા આ યુદ્ધમાં અમેરિકાના કુલ ૪,૪૦૦ જવાનોના મોત નિપજ્યાં હતા.
'ઓપરેશન ઇરાક ફ્રીડમ'ને અમેરિકા અને ઇરાકના ઇતિહાસનું ગૌરવશાળી પ્રકરણ ગણાવતા ઓબામાએ જણાવ્યું હતું કે હવે પાનુ ફેરવવાનો તથા અમેરિકી અર્થતંત્રને પુનઃ ધબકતું કરવા તથા બેકાર બનેલા લાખો અમેરિકનોને ફરી નોકરી અપાવવાનું તાકીદનું કામ હાથ પર લેવાનો સમય આવી ગયો છે. પોતાના કાર્યાલયમાથી ટેલિવિઝન પર લાઇવ વક્તવ્ય આપતા ઓબામાએ જણાવ્યું હતું કે 'ઓપરેશન ઇરાક ફ્રીડમ પૂર્ણ થયું છે તથા હવે ઇરાકના લોકો તેમના દેશની સુરક્ષાની જવાબદારી સંભાળશે.'
અગાઉ ડેમોક્રેટ પક્ષના સેનેટર તરીકે ઇરાક યુદ્ધનો વિરોધ કરનાર ઓબામાએ જણાવ્યું હતું કે ગત ફેબુ્રઆરીમાં તેમણે ઇરાકના સુરક્ષા દળને મજબુત કર્યા બાદ તથા ઇરાકની સરકાર અને લોકોને ટેકો આપ્યા બાદ ઇરાકના અભિયાનનો અંત આણવાનું વચન આપ્યું હતું.
અભિયાનના અંત સાથે અમેરિકાએ ઇરાકમાંથી એક લાખ અમેરિકી જવાનોને પાછા ખેંચ્યા છે, તથા ઇરાકના વિવિધ સ્થળોમાં આવેલા હજારો થાણાઓ બંધ કર્યા છે તથા લાખોની સંખ્યામાં સાધન, સામગ્રી, હથિયારો ખસેડી લીધા છે. અમેરિકી સૈન્યના સર્વોચ્ચ વડા (કમાન્ડ ઇન ચીફ) ઓબામાએ જણાવ્યું હતું કે યુદ્ધનો અંત આણવાનો નિર્ણય માત્ર ઇરાકના જ નહિ પણ અમેરિકાના પણ હિતમાં છે. તેમણે ઉમર્યું હતું કે ઇરાકના ભવિષ્ય માટે અમેરિકાએ મોટી કિંમત ચૂકવી છે, ઇરાકમાં બલિદાન આપવા માટે અમે અમારા પુરુષો અને સ્ત્રીઓએ બલિદાન આપ્યું છે.
સદ્દામ હુસૈનને પદચ્યુત કરવા માટે માર્ચ ૨૦૦૩થી શરૃ કરવામાં આવેલા યુદ્ધમાં અમેરિકાએ કુલ ૪,૪૦૦ જવાનોને ગુમાવ્યા હતા. ૨૦૦૬માં સદ્દામ હુસૈનને ફાંસીએ લટકાવવામાં આવ્યો હતો. ઇરાક યુદ્ધના અંત બાદ હવે અમેરિકા અફઘાનિસ્તાન પર ધ્યાન કેન્દ્રીત કરશે જ્યાં અલ-કાયદા હજુપણ સક્રિય છે. અફઘાનિસ્તાનમાં છેલ્લા ૧૦ વર્ષથી અમેરિકી દળો તૈનાત છે. ઓબામાએ જનરલ ડેવિડ પેટ્રીયસના વડપણ હેઠળ વધુ દળો અફઘાનિસ્તાન મોકલવાનો નિર્ણય કર્યો છે.
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
|
|