(પીટીઆઇ) લંડન,
બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર કહે છે કે તેમના અનુગામી ગોર્ડન બ્રાઉન 'મુશ્કેલ અને પાગલ કરી નાખે' તેવા વ્યક્તિ હતા. જે શુન્ય લાગણીશીલતા- બુધ્ધિ ધરાવતા હતા અને તેમનું વડાપ્રધાનપદ એવું 'આફતરૃપ' હતું, જે કદીયે સફળ થવાનું ન હતું.
પોતાની આતમકથામાં બ્લેર (૫૭) કહે છે કે ઈરાકયુધ્ધ અંગે તેમને પસ્તાવો નથી. જોકે માર્યા ગયેલા સૈનિકો અને નાગરિકો માટે તેમને બેહદ ખેદ છે. આ પુસ્તકમાં બ્લેરના શરાબસેવન, રાણી સાથેની તેમની મુલાકાતો અને તેમના અનુગામી સાથેના તેમના તાણભર્યા સંબંધો અંગે નવી માહિતી જાણવા મળે છે.
ટોની બ્લેરની આત્મકથા 'એ જર્ની' આજે બહાર પડી છે. તેમાં બ્લેર પોતાના અનુગામી બ્રાઉન પર તીખો હુમલો કરતા તેમના માટે વિવિધ વિશેષણોનો ઉપયોગ કરે છે- પાગલ કરી નાખે તેવા, મુશ્કેલ અને તેમના પર સતત અંગત દબાણ કરી તેમને થકવી નાખતા હતા- વિગેરે જણાવે છે.
બ્લેરે કહ્યું હતું કે બ્રાઉન તેમના હરીફ, સાથી અને અનુગામી હતા. બ્રાઉન માટે બ્લેરે કહ્યું હતું કે ''રાજકીય ગણત્રી, હા. રાજકીય લાગણી, શુન્ય. પૃથક્કરણ કરી શકે તેવી કુશાગ્ર બુધ્ધિ- ખૂબ જ માત્રામાં. લાગણીશીલ બુધ્ધિ, શુન્ય.'' જોકે બ્લેરે બ્રાઉન અંગે એવું પણ કહ્યું હતું કે તે મજબુત હતા, સક્ષમ હતા, અને ખૂબ હોંશિયાર હતા.
ઈરાક યુધ્ધમાં ઝંપલાવવા અંગે બ્લેરે કહ્યું હતું કે ૨૦૦૩ના આક્રમણમાં સાદામને ગબડાવવો જરૃરી હતું. પણ ''જેમનું મૃત્યુ થયું હતું, તેમના અંગે મને ખૂબ ખેદ છે. મને આંસુ પણ ઘણાં આવ્યા હતા.''
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ. બુશને બ્લેર 'હોશિયાર, સાચો આદર્શવાદી' અને 'પ્રમાણિક વ્યક્તિ' ગણે છે. પોતાના શરાબસેવન અંગે બ્લેર કહે છે કે તે ડીનર પહેલા વ્હીસ્કી અથવા જીન લે છે અને ડીનર પછી વાઇનના એક-બે ગ્લાસ લેતા હોય છે. જોકે તે સીમીત માત્રામાં શરાબસેવન કરે છે, તેવું તેમનું માનવું છે.
|