મુંબઇ - શહેરમાં પાણીજન્ય બીમારીમાં વધુ બે દરદીના આજે મોત થતાં એક મહિનામાં આ બીમારીમાં મરણાંક ૬૭ સુધી પહોંચ્યો છે.
જ્યારે શહેરમાં આજે વધુ ૭૪૭ દરદી પાલિકાની વિવિધ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થતાં પાણીજન્ય બીમારીની દરદીની સંખ્યા ૨૨૭૦૯ સુધી પહોંચી છે.
શહેરમાં પાણીજન્ય બીમારીમાં આજે બે દરદીના મોત થયા હતા. આમાં ૫૦ વર્ષીય મહિલા મલેરિયાની બીમારી અને ૪૮ વર્ષીય મહિલા ગેસ્ટોરોની બીમારીની સારવાર દરમિયાન હૉસ્પિટલમાં મરણ પામી હતી.
ચાલુ મહિનામાં વિવિધ પાણીજન્ય બીમારીમાં અત્યાર સુધી ૬૭ જણાના મોત થયા હતા. આમા મલેરિયાના ૪૮, ડેંગ્યુના છ, લેપ્ટોસ્પાઇરોસિસના છ, સ્વાઇનફ્લૂના પાંચ અને ગેસ્ટ્રોના બે દરદીનો સમાવેશ થાય છે.
શહેરમાં વિવિધ પાણીજન્ય બીમારીમાં આજે ૭૪૭ દરદી પાલિકાની હૉસ્પિટલમાં દાખલ થયા હતા. આમાં તાવના ૫૧૦ દરદી, મલેરિયાના ૧૩૩, ગેસ્ટ્રોના ૬૩, ડેંગ્યુના દસ અને લેપ્ટોસ્પાઇરોસિસના એકનો સમાવેશ થાય છે.
ચાલુ મહિનામાં શહેરમાં પાણીજન્ય વિવિધ બીમારીના કુલ ૨૨૭૦૯ દરદીઓ પાલિકાની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. આમા તાવના ૧૫૦૦૪ દરદી, મલેરિયાના ૫૫૫૧ દરદી, ગેસ્ટ્રોના ૧૮૭૧ દરદી, ડેંગ્યુના ૨૪૫ દરદી, સ્વાઇનફ્લૂના ૨૧૬ દરદી અને લેપ્ટોસ્પાઇરોસિસના ૩૮ દરદીનો સમાવેશ થાય છે.