મુંબઈ - મોટેભાગે ખંડણીવસૂલી કરતી રવિ પૂજારીની ગેંગે હવે પ્રાચીન મૂર્તિઓની ચોરીના ધંધામાં ઝંપલાવ્યું હોય તેમ જણાય છે. ગયા વર્ષે થાણેમાં કાશીમીરા સ્થિત એક જૈન મંદિરમાંથી દુર્લભ અને અતિ કિંમતી મૂર્તિઓ ચોરનારા પૂજારી ગેંગનાં ત્રણ શખસની મેઘવાડી પોલીસે ધરપકડ કરી છે.
આરોપીઓએ લખનૌ નજીકનાં એક ગામમાં જમીનમાં આ મૂર્તિઓ છુપાવી હતી. બાદમાં તે મુંબઈમાં લાવ્યા હતા. પોલીસે આ મૂર્તિઓ કબજે કરી છે. તે સિવાય એક રિવોલ્વર, બે જીવંત કારતૂસ અને તલવાર પણ કબજે કરવામાં આવી હતી. આરોપીઓ વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં અનેક ગુંના નોંધાયેલા હોવાનું પોલીસે કહ્યું હતું.
મેઘવાડી પોલીસે આ કેસમાં દિપક ભજનલાલસિંહ ઠાકુર ઉર્ફે વિક્રમ દિલદાર સિંહ, વિકી પ્રેમ દેવલ તથા કિસન ભગવાન ધનરાજની ધરપકડ કરી હતી. આરોપીઓ જોગેશ્વરીમાં હાઈવે પર લૂંટનો પ્રયાસ કરવાનાં હોવાની માહિતીને આધારે પોલીસે અહીં જાળ બિછાવીને તેમની ધરપકડ કરી હતી.
પૂછપરછમાં તેમણે જુલાઈ૨૦૦૯માં કાશીમીરાનાં કાશીગાંવ સ્થિત સંભવનાથ સ્વામી જૈન મંદિરમાંથી સિમંધર સ્વામી, પાર્શ્વનાથ ભગવાન શાંતિનાથ ભગવાન સહિત પાંચ મૂર્તિની ચોરી કરીહતી. જો કે આરોપીઓએ મૂર્તિનાં ચાંદીના છ મુગટ વેચી નાંખ્યા હતા. દોઢ લાખ રૃપિયા રોકડાની પણ ચોરી તેમણે કરી હતી.
આ બનાવનાં વિરોધમાં તે સમયે સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી અને કાશીમીરા બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું, એમ એડિશનલ પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાએ જણાવ્યું હતું.
આરોપી દિપક વિરુદ્ધ કલવા, વિક્રોલી માનપાડા ભાંડુપ વગેરે પોલીસ સ્ટેશનમાં ૧૫ ગુના નોંધાયેલા છે. વિકી વિરુદ્ધ ચેમ્બુર, ગોરેગાંવ, કાંદિવલી, બાંગુરનગર, અને ક્રાઈમ બ્રાંચમાં ગુના નોંધાયેલા છે. જ્યારે કિચન વિરુદ્ધ સમતાનગર, કાશીમીરા અને કુરાર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે, એમ મેઘવાડી પોલીસ સ્ટેશનનાં સિનિયર પી.આઈ. શિવાજીરાવ કોળેકરે જણાવ્યું હતું.
ગયા વર્ષે બાંગુરનગર પોલીસ સ્ટેશનની હદમાં આ આરોપીઓનાં ચાર સાથીદાર પોલીસનાં વેશમાં અને પોલીસ લખેલી નંબરપ્લેટવાળી કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આરોપીઓ ભાગવા લાગતા પોલીસે પીછો કરીને બોરીવલીમાં તેમની કાર અટકાવી હતી. જેમાં બે આરોપી ઝડપાઈ ગયા હતા. જ્યારે બે ભાગી ગયા હતા.
તે સિવાય આરોપી કિશને તેના સાથીદારો સાથે મળીને કુરાર વિલેજમાં એક એડવોકેટની ઓફિસમાંથી કોમ્પ્યુટર અને મોબાઈલની ચોરી કરી હતી. પોલીસે આ કોમ્પ્યુટર પણ કબજે કર્યું છે. આરોપીઓએ ચોરેલી મૂર્તિઓ ઉત્તરપ્રદેશનાં લખનૌથી ત્રણ કિલોમીટર દૂર એક ગામમાં સંતાડી રાખી હતી. એક મૂર્તિ તેમણે લખનૌનાં એક રાજકારણીનાં ડ્રાઈવરને આપી દીધી હતી. જો કે કોઈ ગ્રાહક ન મળતા અંતે તેઓ આ મૂર્તિ મુંબઈ લાવ્યા હતા. બાદમાં આ મૂર્તિઓ આરોપી દિપકનાં ઘરેથી કબજે કરવામાં આવી હતી.
આ ગેંગનાં હજી ત્રણ આરોપી ફરાર છે જેમાં અશોક નામનો આરોપી શુટર છે અને મુંબઈમાં તાજેતરમાં થયેલા ગોળીબારનાં કેસમાં તેની સંડોવણી છે એમ પોલીસે કહ્યું હતું. તે સિવાય તાજેતરમાં બોરીવલીનાં એક જૈન દેરાસરમાં વોચમેનની હત્યા કરીને કિંમતી મૂર્તિઓનાં ચોરીનાં કેસમાં આ ગેંગ સંડોવાયેલી છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.
એડિશનલ પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તા, ડીસીપી કે.એમ. એમ. પ્રસન્ના, સિનિયર પી.આઈ. શિવાજી રાવ કોલેકર, પી.આઈ. પાટીલ, યાદવ, સુદામ શિંદે, મૂળે, નિતીન પાટીલ, ઘાડગે તથા ટીમે આ કામગીરી બજાવી હતી.