મુંબઈ - કુર્લા (પૂર્વ)ના ચર્ચાસ્પદ નહેરુનગરમાં છટકું ગોઠવી એન્ટી નાર્કોટિક્સ સેલ (એએનસી)ના અધિકારીઓએ એક મહિલા અને તેના બે જમાઈ સહિત ચાર જણને દોઢ કિલો હેરોઈન સાથે રવિવારે ઝડપી લીધા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં આ હેરોઈનની કિંમત દોઢ કરોડ રૃપિયા છે. રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો લઈને આવેલા આરોપી પાસેથી પોલીસે એક ગાડી પણ કબજે કરી છે.
એએનસીના અધિકારીઓએ આ કેસમાં ૪૮ વર્ષીય શકીલા રફીક પઠાણ, તેના બે જમાઈ આશિક હુસેન શેખ, વાઝીદ શૌકત અલી અને તેમની કૌટુંબિક મિત્ર શબીર સતાર શેખની ધરપકડ કરી છે.
એન્ટી નાર્કોટિક્સ સેલની વરલી યુનિટના અધિકારીઓને કુર્લા (પૂર્વ)ના નહેરુનગરમાં એક ગેંગ નશીલો પદાર્થ લઈને આવવાની છે એવી માહિતી મળી હતી. જેના આધારે જાળ બિછાવી તેમણે ચારે આરોપીને ઝડપી લીધા હતા.
આ ગેંગ પાસેથી મળેલી બેગમાં હેરોઈન મળી આવ્યું હતું. રાજસ્થાનમાં રહેતા આસિફ જાલાવાડીએ તેમને આ ડ્રગ્સનો જથ્થો પૂરો પાડયો હતો. તેઓ વાંદરાના સિકંદર અને નાગપાડાની સકીનાને હેરોઈન પહોંચાડવાના હતા. આમ હવે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.